તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th February 2025
કચ્છની મુન્દ્રા તા.પં.ના કોંગ્રેસના ઉમેદવારને અપાઈ રૂપિયાની લાલચ
ભુજપુર-૨ બેઠકના સ્ટીંગ ઓપરેશન સાથે કોંગ્રેસનો ખળભળાટ સર્જતો આક્ષેપ મીડિયા અને જિલ્લા કલેક્ટરને અપાઈ કચ્છી ભાષામાં થયેલ સોદાબાજીની વાતચીતની ક્લિપ, લેખિતમાં નામ સાથે ભાજપના ઉમેદવારની ઉમેદવારી રદ્દ કરવા કરાઈ રજૂઆત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૬ :.. કચ્છમાં મુન્દ્રા તાલુકાના મોટી ભુજપર-૨ની તાલુકા પંચાયતની ચૂંટણીમાં આદર્શઆચાર સંહિતાભંગ બદલ ભાજપના ઉમેદવાર ની દાવેદારી રદ કરવા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી અને કલેક્ટરશ્રી કચ્છને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તથા મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ સાંખરાના નેતળત્વતળે વિશાળ સંખ્યામાં કચ્છ કોંગ્રેસના આગેવાનોએ પત્રકાર યોજી હતી બાદમાં જિલ્લા કલેક્ટરને રૂબરૂમાં રજૂઆત સાથે આવેદનપત્ર અપાયું હતું. આ રજૂઆતમાં મુન્દ્રા તાલુકા પંચાયતની પેટાચૂંટણી માં મોટી ભુજપર-૨ ની તાલુકા પંચાયતની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નારાણ કાના સાંખરા અને મોટી ભુજપર ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાન માણેક રામ ગેલવા દ્વારા કોંગ્રેસના ઉમેદવારના ભાઈને ફોન ઉપર ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેવા વાત કરેલ અને તેમની વાડી ઉપર આવી અને રૂપિયા આપવાની વાત કરેલ તથા છેલ્લે ૩ લાખ ૫૧ હજાર રૂ.માં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવાની વાત બળજબરી કરીને નક્કી કરેલ.
જ્યારે કોંગ્રેસના ઉમેદવારના ભાઈને જાણ થતાં તેઓએ સ્ટીંગ ઓપરેશન કરવાનો નિર્ણય કરી અને સમગ્ર ઘટનાની વિડીયોગ્રાફી કલેકટર શ્રી કચ્છને રજૂ કરવામાં આવી છે. સૌપ્રથમ આ વિડીયોગ્રાફી તમામ પત્રકારોને રજૂ કરવામાં આવી હતી. અને કલેક્ટર શ્રી કચ્છને આવેદનપત્ર આપી તંદુરસ્ત લોકશાહી માટે અને નિષ્પક્ષ ચૂંટણી માટે આવા ઉમેદવારો ની ઉમેદવારી રદ કરવા વિગતવાર રજૂઆત કરાઈ હતી. કલેક્ટરશ્રી કચ્છ એ આ રજૂઆત દરમ્યાન પેન ડ્રાઈવ અને પુરાવાઓ સ્વીકારી અને તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી હતી અને જો કસૂરવાર થશે તો તેઓની ઉમેદવારી પણ રદ થશે તેવા સંકેત પણ આપ્યા હતા.
આ આવેદનનપત્ર પાઠવતી વેળાએ જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તથા તાલુકા પ્રમુખ શ્રી વિરમ સાંખરા તથા જિલ્લાના આગેવાનો સામરા ધનરાજ ગઢવી, રતનભાઇ ગઢવી, રામભાઈ ગઢવી,
રામદેવસિંહ જાડેજા, નિતેશ લાલન, ગનીભાઈ કુંભાર, ધીરજ ગરવા, કિશોરદાન ગઢવી લાખાજી સોઢા, હાસમ સમા, અંજલી ગોર, એચ.એસ. આહીર, રજાકભાઈ ચાકી, આદમ ભાઈ કુંભાર વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તમામ આગેવાનોએ યોગ્ય નહીં થાય તો ગાંધીચીંધ્યા માર્ગે જવાની તૈયારી પણ દર્શાવી હતી એવું કચ્છ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની આ અખબારી યાદીમાં જણાવાયું છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
