News of Friday, 7th February 2025
કુવાડવામાં સગીર ભાઇથી છરી લાગી જતાં ૧૮ વર્ષના પૃથ્વીનું મોત
દસેક વર્ષના સગીર દિકરાની માનસિક સ્થિતી અસ્વસ્થ હોવાનું અને મજાક મશ્કરી વખતે તેનાથી મોટા ભાઇને પડખામાં છરી લાગી ગયાનું પિતા નાથાભાઇ લઢેરનું કથનઃ રાતે સાડા નવે બનાવઃ સવારે પૃથ્વીએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ પરિવારમાં અરેરાટીઃ પૃથ્વી ચાર ભાઇ અને એક બહેનમાં બીજો હતો અને સફાઇ કામ કરતો હતો

યુવાન દિકરાના મોતથી આક્રંદ કરી રહેલા નાથાભાઇ લઢેર, તેમના પત્નિ મંજુબેન લઢેર તથા મૃતક પૃથ્વીનો ફાઇલ ફોટો અને નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે
રાજકોટ તા. ૭: કુવાડવા ગામમાં રહેતાં લઢેર પરિવારમાં એક કરૂણ ઘટના બની છે. જેમાં અઢાર વર્ષના યુવાન પુત્રને સગીર વયના નાના ભાઇએ મજાક મજાકમાં પડખામાં છરી લગાડી દેતાં ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું છે. પરિવારજનોના કહેવા મુજબ સગીર ભાઇ દસેક વર્ષનો છે અને માનસિક અસ્વસ્થ છે. પોલીસે આ ઘટનામાં વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ કુવાડવા ગામમાં હરિ ઓમ ચોકમાં રહેતાં પૃથ્વી નાથાભાઇ લઢેર (ઉ.વ.૧૮)ને રાતે સાડા નવેક વાગ્યે ઘરે હતો ત્યારે પડખામાં છરીનો ઘા લાગી જતાં લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં પીએસઆઇ એન. જી. સોલંકી, અનુજભાઇ સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી.
પૃથ્વીને પડખામાં ગંભીર ઇજા પહોંચી હોઇ રાતો રાત તબિબોએ સુપરસ્પેશિયાલીટી વિભાગમાં દાખલ કરી ઓપરેશન હાથ ધર્યુ હતું. જો કે વહેલી સવારે પૃથ્વીને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. કુવાડવા પીઆઇ બી. પી. રજયાના માર્ગદર્શનમાં પીએસઆઇ સોલંકી અને સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી નિવેદન નોંધવા તજવીજ આદરી હતી. મૃત્યુ પામનાર પૃથ્વી ચાર ભાઇ અને એક બહેનમાં બીજા નંબરે હતો અને ગામમાં છુટક સફાઇ કામ કરી પરિવારને મદદરૂપ થતો હતો.
પૃથ્વીના માતાનું નામ મંજુલાબેન છે અને તેની માનસિક બિમારીની દવા ચાલુ છે. પિતા નાથાભાઇ વાલજીભાઇ લઢેર ગ્રામ પંચાયતમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કચરા ગાડી હંકારી પરિવારનું ગુજરાન ચલાવે છે. નાથાભાઇએ કહ્યું હતું કે મારો દસથી બાર વર્ષનો દિકરો છે તેની માનસિક સ્થિતી બરાબર નથી અને તેની દવા ચાલુ છે. રાતે સાડા નવેક વાગ્યે તે ઘરમાં શાક સુધારવાની છરીથી રમતો હતો ત્યારે તેનો મોટો ભાઇ પૃથ્વી પર તેની નજીક હતો. આ વખતે સગીર દિકરો હાથમાં છરી સાથે પડી જતાં મોટો દિકરો પૃથ્વી તેના ઉપર પડતાં તેને પડખામાં છરી ખુંપી ગઇ હતી. પોલીસે આ મુજબનું નિવેદન રાતે નોંધ્યું હતું. તેમજ પોતાને કોઇ ફરિયાદ કરવી નહિ હોવાનું નાથાભાઇએ જણાવ્યું હતું.
જો કે સવારે પૃથ્વીનું મોત નિપજતાં પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી. નાનો સગીર વયનો ભાઇ ખરેખર માનસિક અસ્વથ છે કે કેમ? બનાવ મજાક મશ્કરીમાં જ બન્યો કે કેમ? તે સહિતના મુદ્દે ઉચ્ચ અધિકારીઓની રાહબરી હેઠળ કુવાડવા પોલીસ તપાસ કરે છે. બનાવથી લઢેર પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
