<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th February 2025

ઇશ્વરીયા ગામે સ્‍કુલવાનના ચાલક ઉપર નામચીન રમેશ રાણાના પુત્રની ટોળકીએ હુમલો કર્યો'તો

રાજકોટ તા. ૮ :.. પડધરીના ઇશ્વરીયા ગામે સ્‍કુલવાના ચાલક ઉપર થારમાં આવેલ પ અજાણ્‍યા શખ્‍સોએ છરીથી હુમલો કર્યો હતો. પોલીસ તપાસમાં આ હુમલો નામચીન રમેશ રાણાના પુત્ર અને તેના સાગરીતોએ કર્યાનું ખુલતા તમામની શોધખોળ હાથ ધરાઇ છે.

પ્રાપ્‍ય વિગતો મુજબ હરીપર પાળ ગામે રહેતા અને સ્‍કુલવેન ચલાવતા કલ્‍પેશભાઇ નાગદાનભાઇ લોખીલ (ઉ.૩૦) એ કાળા કલરની મહેન્‍દ્રા થાર કાર નં. જી. જે.-૦૩-ડી ૮૮૮માં આવેલ ર૦ વર્ષની ઉંમરના પ અજાણ્‍યા શખ્‍સો સામે પડધરી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદી ઇશ્વરીયા ગામે પરિમલ સંકુલ ભારતીય વિદ્યાલય સ્‍કુલના ગેઇટ પાસે હતા ત્‍યારે થારમાં આવેલા અજાણ્‍યા પ શખ્‍સોએ મંથન રાઠોડ કયાં છે? તેને આજે મારી નાંખવો છો તેમ કહી ગાળો બોલતા કલ્‍પેશભાઇએ ગાળો બોલવાની ના પાડતા પાંચેય શખ્‍સોએ તેને ઢીકાપટુનો માર માર્યો હતો. અને એક શખ્‍સે  કલ્‍પેશભાઇ ઉપર છરીથી હુમલો કરી ઇજા કરી હતી. આ સમયે અન્‍ય વાહન ચાલક મહેન્‍દ્રભાઇ થારનો ફોટો પાડી વચ્‍ચે પડતા તેને પણ કમર બેલ્‍ટની માર મારી ફોટો ડિલીટ કરાવ્‍યા હતા. સ્‍કુલનો સ્‍ટાફ તથા શિક્ષકો ત્‍યાં આવતા આરોપીઓએ તેને પણ ગાળો આપી નાસી છૂટયા હતાં.

આ ફરીયાદ અન્‍વયે પડધરી પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ કરતા હુમલાખોરોમાં નામચીન રમેશ રાણાના પુત્ર તથા તેના મિત્રો હોવાનું ખુલતા તમામની શોધખોળ હાથ ધરાઇ છે.

(12:13 PM IST)