તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 8th February 2025
બેડીમાં ગાદલાની ફેક્ટરી ભિષણ આગમાં ભસ્મીભૂત : જુઓ વિડિયો
રાજકોટ મોરબી રોડ ઉપર બેડી હડાળા પાસે આવેલી વોરથ વીલ ઈન્ડિયા પ્રા.લી.માં બનાવઃ રાજકોટ-મોરબીથી ફાયર ફાયટરો પહોંચ્યાઃ બાજુના ખેતરમાં પણ આગ પ્રસરી ગઇ : ફોમના ગાદલા-ઓશિકા બનાવતી ફેકટરીમા લાગેલી આગે ગણતરીના સેકન્ડમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું: કાચો-તૈયાર માલ બળી જતાં કરોડોનું નુકસાનઃ સવારે ૨૮ કારીગરો નોકરી પર હતાં ત્યારે એકાએક ફોમ ડિવીઝનમાં આગ ભભૂકતાં નાસભાગઃ સદ્દનસિબે જાનહાની અટકી :રાજકોટના પિયુષભાઇ મનસુખભાઇ પટેલની માલિકી

તસ્વીરમાં જ્યાં આગ ભભૂકી તે ફોમના ગાદલાની ફેક્ટરી, આગના દ્રશ્યો, ધૂમાડાના ગોટેગોટા જોઇ શકાય છે. (તસ્વીરઃ જયેશ ભટ્ટાસણા-ટંકારા, અન્ય તસ્વીરો ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ મોકલી હતી)
(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૮: રાજકોટ મોરબી રોડ ઉપર બેડી હડાળા ગામ પાસે આવેલ ફોમના ગાદલા ઓશીકા બનાવતી ફેક્ટરીમાં ભિષણ આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગ આખી ફેક્ટરીમાં ફેલાઇ જતાં ફેક્ટરી ભસ્મીભૂત થઇ ગઇ હતી. આ બનાવને પગલે મોરબી તેમજ રાજકોટથી ફાયર ફાયટરો દોડી ગયા હતાં અને આગને કાબુમાં લેવા તજવીજ હાથ ધરી હતી. જો કે આગે મોટુ સ્વરૂપ પકડી લીધું હોઇ કાબુમાં લેવા ફાયર ફાયટરોએ ભારે જહેમત આદરી હતી.
જાણવા મળેલી માહિતી અનુસાર રાજકોટ મોરબી રોડ પર બેડી હડાળા પાસે આવેલી વોરથ વીલ ઈન્ડિયા પ્રા.લી. નામની ફેક્ટરીમાં ફોમના ગાદલા, ઓશીકાનું મોટા પાયે ઉત્પાદન થાય છે. આ ફેક્ટરીમાં બપોરે વિકરાળ આગ લાગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. ફોમના ગાદલા-ઓશિકા બનાવતી ફેકટરીમા લાગેલી આગે ગણતરીના સેકન્ડમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગ બાજુના ખેતરમાં પણ પ્રસરી ગઈ હતી. આગ લાગ્યાના કલાકો વિત્યા છતાં રાજકોટથી મોરબીથી ફાયરબ્રિગેડની ટીમ પહોંચી શકી નહોતી. જો કે બાદમાં ફાયર ફાયટરો પહોંચી ગયા હતાં અને આગ બુઝાવવા કાર્યવાહી હાથ ધરી હતી. આ આગમાં આખી ફેકટરી ભસ્મીભૂત થઈ ગઈ છે. સદ્દનસિબે જાનહાની થઈ નથી. આ વિકરાળ આગના ધુમાડા દૂર સુધી દેખાઈ રહયા હતાં. હાઇવે પરથી પસાર થતાં વાહનચાલકો પણ ધૂમાડાના ગોટા જોઇ ઉભા રહી ગયા હતાં.
ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ પણ તસ્વીરો મોકલી જણાવ્યા મુજબ આ ફેક્ટરીના માલિક રાજકોટના પિયુષભાઇ મનસુખભાઇ પટેલ છે. આગમાં ફેકટરીમાં તૈયાર અને કાચો એમ બંને માલ મોટા પ્રમાણમાં બળી ગયો છે. વિશાળ ફેક્ટરીમાં મોટી નુકસાની થઇ છે. આંક કરોડ ઉપર થઇ શકે છે. રાજકોટના અહેવાલ મુજબ સવારે ફેક્ટરીમાં નિત્યક્રમ મુજબ ૨૮ કારીગરો કામ કરી રહ્યા હતાં. બપોરે એકાએક ફોમ વિભાગમાં કોઇપણ કારણોસર આગ લાગતાં કારીગરો બહાર નીકળી જતાં જાનહાની અટકી હતી. જોતજોતામાં આગ આખી ફેક્ટરીમાં પ્રસરી ગઇ હતી. બપોરે એક વાગ્યે પણ આગ ચાલુ હતી. રાજકોટ, મોરબીથી વધુ બંબા બોલાવાયા હતાં.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
