News of Friday, 14th February 2025
કુંવરજીભાઈ બાવળીયા મંત્રી બન્યા બાદ જસદણમાં 50 કરોડના કામો ટૂંક સમયમાં મંજૂર
સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ,રમતગમતનું મેદાન,સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની કોલેજો,સ્પોર્ટ્સ સંકુલ,રીવર ફ્રન્ટ,નગર સેવા સદનની નવી ઓફીસ ટોયલેટ બ્લોક સહિતના અનેક કામો મંજૂર

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.14 આર્થિક રીતે પછાત ગણાતા જસદણ-વિછીયા તાલુકામાં કુંવરજીભાઈ બાવળીયા કેબિનેટ મંત્રી બન્યા બાદ શહેર તેમજ તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો થયા છે,મંજૂર થયા છે અને અનેક કામો હાલ ચાલુ હોય પ્રજામાં ખુશીની લહેર જોવા મળે છે.
આ અંગે કુરજીભાઈએ જણાવ્યું હતું કે જસદણ ખાતે આરોગ્ય સુવિધા માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું નવા બિલ્ડીંગ અને તમામ આરોગ્ય સેવાઓ ત્યા મળી રહે તે માટે અંદાજે 25 કરોડના ખર્ચે કામ હાલ ચાલુ છે,વર્ષોથી યુવાનોની માંગ હતી તેવા રમતગમતનું મેદાન પણ આધુનિક સુવિધા સાથે અંદાજે 7 કરોડના ખર્ચે હાલ કામ ચાલી રહ્યું છે,વિવેકાનંદ મોક્ષ ઘામ પાસે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના કામ માટે પાંચ કરોડ મંજુર થયા છે,હુડકો સોસાયટીથી મફતીયા પરા તરફ જવા માટે ભાદર નદી ઉપર નવો મેજર બ્રિજ બનાવવા માટે સાડા ત્રણ કરોડના ખર્ચ મંજૂર કર્યા છે,લાતી પ્લોટ બ્રિજ અંદાજિત 3 કરોડ,નગર સેવાસદનની નવી ઓફીસનું બિલ્ડીંગ અંદાજે ત્રણ કરોડ તેમજ જિલ્લેશ્વર પાર્ક ફિલ્ટર પ્લાન્ટના રેનોવેશન માટે 60 લાખ મંજૂર થયા છે અને જિલેશ્વર પાર્કના ડેવલપિંગ માટે પણ 30 લાખની રકમ ખર્ચવામાં આવી છે તેમજ શહેરમાં યોગ્ય અને જરૂરિયાત હતી ત્યાં ટોયલેટ બ્લોક પણ મંજુર કરી દેવામાં આવ્યા છે તેનુ કામ ટુંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે.
આ ઉપરાંત જસદણના વિવિધ વિસ્તારમાં સી.સી.ટી.વી.કેમેરા,જસદણમાં નવા બસ સ્ટેશન પાછળ ટોયલેટ બ્લોક રીનોવેશન સહિતના અનેક કામો ચાલુ છે અને મંજૂર થયા છે.
કુરજીભાઈએ જણાવ્યું હતું કે જસદણ વિછીયા પંથકના લોકોએ મારી રાજકીય કારકિર્દીમાં હંમેશાં મારી સાથે રહ્યા હોય હું પણ તેમનું ઋણ ચૂકવવા રાજ્યની ભાજપ સરકારના માધ્યમથી વિકાસના તેમજ જરૂરી હોય તેવા તમામ કામો બંને તાલુકાના વિકાસ માટે મંજૂર કરાવીશ.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
