News of Friday, 14th February 2025
પોરબંદર : બોર્ડની પરીક્ષાનો કાલ્પનીક ભય દુર કરવા માર્ગદર્શન માટે મનોવૈજ્ઞાનીક સેમીનાર યોજાયો
વિદ્યાર્થીઓ પરીક્ષાલક્ષી માર્ગદર્શન માટે ડો. જીજ્ઞેશભાઇ પ્રશ્નાણી મો.૯૮ર૪૩ ૬૪૩૬ર ડો. પ્રીતીબેન કોટેચા મો. ૯૦૩૩૪૮૧૮૦૩ ઉપર સંપર્ક કરી શકાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૪: પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષાઓ આપી શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કરાઈ રહ્યા છે અર્થાત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે અંતગર્ત એમ.આર.કે. હાઇસ્કૂલ બાપોદર ખાતે બોર્ડના વિધાર્થીઓ માટે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. બોર્ડના વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને ઉદભવતા ભય, ચિંતા, તણાવ, નિરાશા, ડિપ્રશન દૂર કરવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આગામી એસ.એસ.સી. અને એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ૨૦૨૫ની બોર્ડ પરીક્ષા આવી રહી છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી આ પરીક્ષા સંદર્ભે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન કેન્દ્ર અને હેલ્પલાઇનની શરૂઆત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પોરબંદર દ્વારા કરવામાં આવી છે. આ કચેરી દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને ઉદભવતા ભય, ચિંતા, તણાવ, નિરાશા, ડિપ્રેશન અને નકારાત્મક મનોવલણ કે જે આત્મહત્યા તરફ પ્રેરે છે તેવા નકારાત્મક ભાવોને દૂર કરી વિદ્યાર્થીઓને પરીક્ષાના ડરથી મુક્ત કરી અને તેમનામાં આત્મવિશ્વાસની વળદ્ધિ કરી સફળતાપૂર્વક બોર્ડની પરીક્ષા પાસ કરી શકે તે માટે તેઓને તૈયાર કરવાના હેતુથી મનોવિજ્ઞાન વિષયના તજજ્ઞોની ટીમ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થતું રહે તે માટે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન કેન્દ્ર અને હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી છે.
આ હેલ્પલાઇન સંપૂર્ણપણે વિનામૂલ્યે સેવા આપે છે. વિધાર્થીઓ આ સાથે આપેલ તજજ્ઞોના નંબર પર સંપર્ક કરી શકે છે અને જરૂર પડે તો શાળાઓમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે તેઓના વ્યાખ્યાનનું પણ આયોજન કરી શકાય છે. આ સંદર્ભમાં પોરબંદર જિલ્લાના બાપોદર ગામે આવેલ શ્રી એમ.આર.કે. હાઈસ્કૂલ, બાપોદર ખાતે બોર્ડના વિધાર્થીઓ માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, પોરબંદર દ્વારા નિયુક્ત મનોવૈજ્ઞાનિક ડો. શ્રી જીજ્ઞેશભાઈ વિ. પ્રશ્નાણી એ પ્રેરણાદાયી માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડી હતી.
આ સેમિનારના પ્રારંભે પ્રવચન આપતા શાળાના આચાર્યા શ્રી ગીતાબેન ઓડેદરા દ્વારા આ તાલીમનું મહત્વ સ્પષ્ટ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે મનોવૈજ્ઞાનિક ડો. શ્રી જીજ્ઞેશભાઈ વિ. પ્રશ્નાણીએ પોતાના વ્યાખ્યાનમાં પરીક્ષાની પૂર્વતૈયારી, પરીક્ષાના દિવસે અને પછી પણ શું ધ્યાનમાં રાખવું તે વિગતવાર સમજાવ્યું હતું.
પરીક્ષાના સમયે અનુભવતા કાલ્પનિક ભય અને ચિંતા દૂર કરવાની પ્રેક્ટીકલ રીત દર્શાવી હતી, અને વિદ્યાર્થીઓ જે ૯૦ થી ૧૦૦ ટકા ભય અનુભવતા હતા. તે મનોવૈજ્ઞાનિક એક્સરસાઇઝ દ્વારા ઝીરો લેવલ પર પહોંચી ગયા હતા. અને તેમના આત્મવિશ્વાસમાં અનેક ઘણો વધારો થયો હતો. ઉપરાંત સ્માર્ટ વર્ક દ્વારા સફળતા મેળવવાની સમજણ પૂરી પાડી હતી. અને વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નો અંગે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન પુરું પાડ્યું હતું. કઈ રીતે ભય દૂર કરી શકાય, આત્મ વિશ્વાસથી કઇ રીતે પરીક્ષા આપી શકાય અને સાથે કંઈ રીતે હળવાશથી પરીક્ષા આપવી, પરીક્ષા ખંડમાં કઈ રીતે ચિંતા મુક્ત રીતે પરીક્ષા આપવી વગેરે પ્રશ્નોનું વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના મદદનીશ શિક્ષક શ્રી રામભાઈ સિંધલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓ માર્ગદર્શન અંગે ડો. જીજ્ઞેશભાઈ વિ. પ્રશ્નાણી મો. ૯૮૨૪૩૬૪૩૬૨ અને ડો. પ્રીતિબેન ટી. કોટેચા મો. ૯૦૩૩૪૮૧૮૦૩ ઉપર સંપર્ક કરી શકશે. મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન દ્વારા બોર્ડની પરીક્ષા ભયમુક્ત બની આત્મવિશ્વાસપૂર્વક આપે તે હેતુથી આ ટીમની રચના કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, મનોવૈજ્ઞાનિક તજજ્ઞ ટીમ, શાળાના આચાર્યશ્રી, સ્ટાફ, શાળાના ટ્રસ્ટીગણ તેમજ પરીક્ષા સમિતિના સભ્યોએ જેહમત ઉઠાવી હતી.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
