<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

કચ્છના કોટેશ્વરમાં સાંજે પૂ.મોરારીબાપુની શ્રીરામકથાનો પ્રારંભ

ઝુલેલાલ તીરથધામમાં ૯ દિવસ સુધી આયોજનઃ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે

રાજકોટ, તા. ૧૫: કચ્છના કોટેશ્વર નારાયણ સરોવર વચ્ચે આવેલા ઝુલેલાલ તીરથધામ ખાતે આજે સાંજે ૪ વાગ્યાથી પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રીરામકથાનો પ્રારંભ થશે તા. ૧૬ ને રવિવારથી દરરોજપૂ. મોરારીબાપુ  દરરોજ સવારે ૯:૩૦ થી ૧:૩૦  સુધી શ્રીરામકથાનું રસપાન કરાવશે જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે.

કચ્છ કોટેશ્વરમા઼ પૂ. મોરારીબાપુની ૯૫૨મી રામકથા થવા જઇ રહી છે. ત્યારે આ કથાના મનોરથી પ્રવીણભાઇ તન્નાએ  કોટેશ્વર કથાનો વિચાર કઇ રીતે આવ્યો તે વિશે કહ્યું હતું કે, ભવાની મંદિરની કથા દરમિયાન બાપુનો ફોન આવ્યો હતો અને કહ્યું કે, કોટેશ્વર દર્શન કરવા જવું છે. જયારે અહી દર્શન કરવા આવ્યા ત્યારે પૂ. મોરારીબાપુએ કહ્યું કે પ્રવીણ હરી ઇચ્છા હશે તો નારાયણ સરોવર અને કોટેશ્વર વચ્ચે કથા કરીશું.

બાપુએ કહ્યું ત્યારથી હું પણ અહી કથા માટે પ્રયત્ન કરતો હતો. ગત વર્ષ માર્ચ મહિનામાં રાપરમાં કથા દરમિયાન તારીખ આપી. પ્રવિણભાઇએ કહ્યું કે, જયારે નારાયણ સરોવર આવ્યા ત્યારે કમળા દેવા માતાજીના દર્શન કર્યા. માતાજીની મૂર્તિ જોઇને મંત્રમુગ્ધ થઇ ગયા હતા. ત્યારે જ વિચાર્યુ હતું કે કમળાદેવી મંદિરના પરિસરમાં કથા કરવી છે. પરંતુ અહી પાણી ભરેલું હોવાથી મોટી મોટી મોટરો મૂકી પરંતુ સફળતા ન મળી અને અંતે સ્થળ બદલવું પડયું.

બાપુ વિષે પ્રવિણભાઇએ કહ્યું કે તે બાપુ છે, તેમનું વર્ણન હું શબ્દોથી ન કરી શકું જયારે કથાની તૈયારી વિશે કહ્યું કે, હું મનોરથી છું એવો ભાવ નથી, બાપુની ચેતના થી  બધું કામ થઇ રહ્યું છે.

 

(10:35 AM IST)