તા. ૧૪ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 15th February 2025
તે સમાજમાં મારું નાક કપાવ્યું કહી પતિએ પત્નિને પતાવી દીધી
પંદર દિવસ પહેલા પત્નિ બે સંતાનને લઇ માસીના દિકરા સાથે અમદાવાદ ભાગી ગઇ'તીઃ પછી પતિને ફોન કરતાં તેડી આવ્યો હતોઃ ત્યારથી શરૂ થયેલો ડખ્ખો લોહીયાળ બન્યોઃ ગોંડલના વોરાકોટડા રોડ પર રહેતી મનિષા રાતે ઘર નજીક માતાજીના માંડવા પાસે હતી ત્યારે પતિએ વાત કરવા બોલાવી વાંસામાં છરીના ઘા ઝીંકી દીધા અને ભાગી ગયોઃ મનિષાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ હત્યારા દિનેશે પાંચ વર્ષ પહેલા મનિષા સાથે બીજુ ઘર કર્યુ હતું

હત્યાનો ભોગ બનનાર મનિષાનો નિષ્પ્રાણ દેહ, બીજી તસ્વીરમાં મનિષા અને હત્યારા પતિ દિનેશ ડાભીનો ફાઇલ ફોટો તથા નીચેની તસ્વીરમાં મૃતકના ભાઇની ફરિયાદ નોંધી રહેલી ગોંડલ પોલીસની ટીમ જોઇ શકાય છે
રાજકોટ તા. ૧૫: હત્યાની વધુ એક ઘટના ગોંડલમાં બની છે. અહિના વોરાકોટડા રોડ પર રહેતી પરિણીતા રાત્રીના ઘર નજીક માતાજીના માંડવામાં હતી ત્યારે પતિએ આવી તેને વાત કરવાના બહાને માંડવા નજીક બોલાવી હતી અને ‘તે બીજા સાથે ભાગીને સમાજમા મારું નાક કપાવ્યું છે, હવે હું તારું નાક કાપી નાંખીશ' કહી છરીથી તૂટી પડી વાંસામાં ઘા ઝીંકી દીધા હતાં અને ભાગી ગયો હતો. પરિણીતાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. હત્યાની ઘટના જાહેર થતાં ગોંડલ પોલીસે રાજકોટ પહોંચી કાર્યવાહી કરી હતી.
ગોંડલમાં વોરાકોટડા રોડ પર પંચપીરની ધારમાં રહેતી મનિષાબેન દિનેશ ડાભી (ઉ.વ.૨૪) નામની પરિણીતા રાતે ઘર પાસે માતાજીના માંડવામાં હતી ત્યારે પતિ દિનેશ જીતુભાઇ ડાભી આવ્યો હતો અને પત્નિ મનિષાને બહાર બોલાવી ઝઘડો કરી છરીના ઘા વાંસાના ભાગે ઝીંકી દીધા હતાં. દેકારો મચી જતાં મનિષના ભાઇ સહિતના માવતર પક્ષના લોકો અને બીજા લોકો દોડી આવતાં દિનેશ ભાગી ગયો હતો. મનિષાબેનને ગંભીર ઇજા પહોંચી હોઇ ગોંડલ સારવાર અપાવી રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણાએ ગોંડલ સીટી પોલીસને જાણ કરી હતી.
પોલીસે રાજકોટ પહોંચી હત્યાનો ભોગ બનનાર મનિષાબેનના ભાઇ રવિભાઇ મનસુખભાઇ સોલંકી પાસેથી વિગતો મેળવી ફરિયાદની તજવીજ કરી હતી. રવિએ કહ્યું હતું કે મારી બહેન મનિષાના લગ્ન પાંચ વર્ષ પહેલા દિનેશ ડાભી સાથે થયા હતાં. દિનેશના આ બીજા લગ્ન છે. તેણે પ્રથમ પત્નિથી છુટાછેડા લીધા હતાં. તેને આગલા ઘરના બે સંતાન હતાં. મારી બહેન સાથે લગ્ન બાદ તે વધુ બે સંતાનનો પિતા બન્યો હતો. જેમાં દિકરી અનુ સાડા ચાર વર્ષની અને દિકરો સુનિલ બે વર્ષનો છે.
રવિએ વધુમાં કહ્યું હતું કે બનેવી દિનેશ દારૂ પી મારી બહેન સાથે માથાકુટ કરતો હોઇ ઝઘડા થતાં હતાં. આ દરમિયાન પંદરેક દિવસ પહેલા મારી બહેન કંટાળીને માસીયાઇ ભાઇ વિજય ઉર્ફ ભોલીયા સાથે બંને સંતાનને લઇને નીકળી ગઇ હતી. બે દિવસ બાદ તેણે જ સામેથી મારા બનેવી દિનેશને ફોન કરી તેડી જવાનું કહેતાં મારા બનેવી દિનેશ તેણીને અમદાવાદથી તેડી લાવ્યા હતાં. એ પછી તે સતત શંકા કરી ઝઘડો કરતો હતો અને તે સમાજમાં મને બદનામી અપાવી તેમ કહી માથાકુટ કરતો હતો. મારી બહેન અને બનેવી અમારી બાજુમાં જ રહે છે. રાતે અમે બધા માતાજીના માંડવામાં હતાં અને જમવા બેઠા હતાં ત્યારે બનેવી દિનેશ બહારથી આવ્યો હતો અને મારી બહેનને માંડવા પાસે બાલાવી ‘તે બીજા સાથે ભાગીને સમાજમાં મારુ નાક કપાવ્યું, હવે હું તારુ નાક કાપીશ' કહી છરીના ઘા ઝીંકી ભાગી ગયો હતો. પોલીસે તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. હત્યાનો ભોગ બનેલી મનિષા આઠ બહેન અને બે ભાઇમાં ચોથા નંબરે હતી. બનાવથી દેવીપૂજક પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. (૧૪.૫)
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
