<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લાની ૬ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન

સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન કેન્‍દ્ર સહિતના કેન્‍દ્ર ઉપર લોખંડી બંદોબસ્‍ત, તંત્રની ચાંપતી નજર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૫: જૂનાગઢ મહાનગર પાલિકા અને જિલ્લાની ૬ નગરપાલિકાની ચૂંટણીનાં મતદાનનું કાઉન્‍ટ ડાઉન શરૂ થઈ ગયું છે. જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. મતદાન દરમિયાન કાયદો વ્‍યવસ્‍થાન અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે.

જૂનાગઢ મહાનગરપાલિકા, છ, નગરપાલિકા અને એક તાલુકા પંચાયતની બેઠક માટે મતદાન કામગીરી માટે ચૂંટણી તંત્ર સજ્જ થયું છે.

છેલ્લી ઘડીના પ્રયાસો રૂપે રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વાર મતદારોને રિઝવવા માટે સવારથી ડોર ટુ ડોર સંપર્ક શરૂ કરવામાં આવ્‍યો છે.

જૂનાગઢ મહાનગરપાલિકાની ૧૩ વોર્ડની પર બેઠકની ચૂંટણી માટે મતદાન થવાનું છે. શહેરમાં ૨૫૧  બુથ પર મતદાન માટેની ગોઠવણ કરવામાં આવી છે. શહેરના વોર્ડ નંબર ૧, ૨, ૪માં ૩૪, પ થી ૮ માં ૨૮, ૯થી૧૨માં ૨૯ મળી ૧૧૩ સંવેદનશીલ અને ૧૩, ૧૫ બે વોર્ડમાં ૩૮ બુથમાંથી ૨૨ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ છે.

નગરપાલિકાની ચૂંટણીમાં વંથલી નગરપાલિકાના ૧૮ બુથ પર મતદાન યોજાનાર છે તમામ સંવેદનશીલ, માણાવદર નગરપાલિકાના ૭ વોર્ડના ૩૦ બુથમાંથી ૧૮ સંવેદનશીલ, બાંટવા નગરપાલિકાના પાંચ વોર્ડમાં ૧૮ મતદાન મથકમાંથી સાત સંવેદનશીલ, વિસાવદર નગરપાલિકાના છ વોર્ડના ૨૨ મતદાન બુથમાંથી ૧૨ સંવેદનશીલ જાહેર કરાયા છે.

જ્‍યારે માંગરોળ નગરપાલિકાના ૯ વોર્ટના ૪૯ મતદાન મથક રાખવામાં આવ્‍યા છે. જેમાંથી ૩૦ સંવેદનશીલ છે.

ચોરવાડ નગરપાલિકાના ૬ વોર્ડમાં ૨૨ મતદાન બુથ રખાયા છે, જે તમામ ર૨ બુથ અતિસંવેદનશીલ છે.

ચૂંટણી દરમ્‍યાન કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે તંત્ર સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકમાં એક્‍શન મોડ પર આવી ગયું છે. મતદાન મથકોમાં વધારાનો પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે.

દરમિયાન શુક્રવારની સાંજે ડીવાયએસપી હિતેશ ધાંધલ્‍યાના માર્ગદર્શનમાં ફૂટ પેટ્રોલિંગ અને બાદમાં રાત્રે ૯ વાગ્‍યાથી શહેરભરમાં ૩૦ વાહન સાથે ફલેગ માર્ચ કરવામાં આવી હતી.

(12:50 PM IST)