<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th February 2025

મેટોડા નજીક બાઇકને અકસ્‍માત નડયોઃ જીવરાજપાર્કના જયેશભાઇ પટેલનું મોતઃ હેલ્‍મેટ જીવ ન બચાવી શક્‍યું

૩૪ વર્ષિય યુવાનને જ્‍યોતિ સીએનસી કંપનીમાં નોકરીએ જતી વખતે કાળ ભેટી જતાં પરિવારમાં કલ્‍પાંતઃ બે દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ ઢોર આડે આવી જતાં વાહન ધીમુ પાડતાં પાછળથી ટ્રેકટરે ઠોકર મારી દીધી

ઘટના સ્‍થળે જયેશભાઇ હેલ્‍મેટ પહેરેલી હાલતમાં પડેલા અને લોહીનું બાખોચીયુ તથા તેમનું બાઇક અને ૧૦૮ના તબિબ તપાસ કરતં જોઇ શકાય છે (ફોટોઃ બી. એમ. ગોસાઇ-મેટોડા)

રાજકોટ તા. ૧૫: મેટોડા નજીક વધુ એક વખત જીવલેણ અકસ્‍માત સર્જાયો છે. કોઇ ઢોર અચાનક રોડ પર આવી જતાં બાઇકચાલકે બાઇક ધીમુ પાડતાં પાછળથી ટ્રેકટરે ઠોકર મારી દેતાં યુવાન રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. આ યુવાને હેલ્‍મેટ પહેર્યુ હતુ, પરંતુ હેલ્‍મેટ તેનો જીવ બચાવી શક્‍યું નહોતું. ઘટનાસ્‍થળે લોહીનું ખાબોચીયુ ભરાઇ ગયું હતું. યુવાન રાજકોટ રહેતો અને જ્‍યોતિ સીએનસીમાં નોકરી પર જઇ રહ્યો હતો ત્‍યારે આ ઘટના બની હતી.

જાણવા મળ્‍યા મુજબ શહેરના કાલાવડ રોડ ઉપર બાલાજી વેફર્સ કારખાના સામે ઈજાગ્રસ્‍ત હાલતમાં મળી આવેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતા   સારવાર કારગત નીવડે પહેલા જ મોત નીપજ્‍યું હતું. તપાસ દરમિયાન આ યુવાન મોટા મવા પાસે જીવરાજ પાર્કમાં રહેતો અને જ્‍યોતિ સીએનસી કંપનીમાં નોકરી કરતો જયેશભાઇ કાંતિલાલ પટેલ (ઉ.વ.૩૪) હોવાનું ખુલ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં મેટોડા પોલીસ સ્‍ટેશનના  હેડકોન્‍સ. યુવરાજસિંહ સહિતે રાજકોટ પહોંચી કાર્યવાહી કરી હતી.

મેટોડાથી બી. એમ. ગોસાઇના જણાવ્‍યા અનુસાર મૃત્‍યુ પામનાર જયેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. તેને બે સંતાન છે. સવારે નવેક વાગ્‍યે પોતાનું મોટરસાઇકલ લઇ ઘરેથી કાલાવડ રોડ ઉપર આવેલી જ્‍યોતિ સીએનસી કંપનીમાં તે નોકરીએ જવા નીકળેલ ત્‍યારે બાલાજી વેફર્સ કારખાના સામે અકસ્‍માત નડયો હતો. એવી ચર્ચા છે કે કોઇ ઢોર અચાનક આડે આવી જતાં જયેશભાઇએ બાઇક ધીમુ પાડતાં પાછળથી ટ્રેકટરે ઠોકર મારી દીધી હતી. આ અંગે પોલીસ તપાસ કરી  રહી છે. જયેશભાઇએ હેલ્‍મેટ પહેર્યુ હોવા છતાં ગંભીર ઇજા પહોંચી હતી અને રોડ પર લોહીના ખાબોચીયા ભરાયા હતાં.  આશાસ્‍પદ અને આધારસ્‍તંભ સદસ્‍યના મૃત્‍યુથી પરિવારજનોમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. બનાવને પગલે જ્‍યોતિ સીએનસીના અધિકારીઓ, કર્મચારીઓ પણ દોડી આવ્‍યા હતાં.

(3:09 PM IST)