તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Monday, 17th February 2025
ઉનાના જસાધારની વાડીમાં પાંચ વર્ષની ખુશી પર દિપડાનો હુમલોઃ રાજકોટમાં મોત નિપજ્યું
નેસડાથી બાળકી નાનાજીના ઘરે ત્રણ દિવસથી રોકાઇ હતીઃ વાડીમાં પિત્રાઇ સાથે રમતી હતી ત્યારે દિપડો ત્રાટકયો હતોઃ દિપડાને પકડવા વન વિભાગે પાંજરૂ ગોઠવ્યું

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૧૭: જશાધાર ગીર સીમમાં દીપડાએ પ વર્ષની બાળકી ઉપર હુમલો કરતા ખુશી ભરતભાઇ નામની બાળકીને ગંભીર ઇજા થતા ઉનામાં સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટમાં ખસેડાયેલ છે જયાં ખાનગી હોસ્પિટલમાં ખુશીનું મોત નીપજતા અરેરાટી વ્યાપી છે.
આ દીપડાને પકડવા વન વિભાગ ત્રણેક સ્થળોએ પાંજરા મુકયાં છે.
ઊના ના જશાધાર ગીર ગામ ની સીમમાં સેટલમેન્ટની જગ્યામા ખેતરમાં એક પાંચ વરસની દિકરી ખુશી ભરતભાઈ બારિયા મામા ને ઘરે રોકવા આવી હતી અને ખેતરમાં રમતી હતી ત્યારે એક દીપડો ઝાડી માંથી અચાનક આવી માસૂમ બાળકીના ગળામાં નહોર ભરાવી હુમલો કરતા રાડો પડતા ખેતરમાં પાળો બાંધતા નાના ભીમભાઈ જોઈ જતા હાથમાં રહેલ ખપાળી નો છુટટો ઘા મારતાં દીપડો દીકરી ને છોડી નાસી ગયો હતો.
આ અંગે ૧૦૮ ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતા ઊના ૧૦૮ના ડોકટર જગદીશભાઈ મકવાણા અને પાયલોટ સંદીપભાઈ ડોડીયા સ્થળ ઉપર પહોંચી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ઊના હોસ્પિટલે લઇ ગયા હતા ખુશીના ગળાના ભાગે દીપડાએ દાંત અને નહોર ભેરવી ઇજાઓ કરી હતી જ્યાં તેની હાલત ગંભીર હોય વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાઈ હતી જયાં ખુશીનું સારવારમાં મૃત્યુ થયું હતું.
આ અંગે ખેડૂત ભીમભાઈએ વન વિભાગને જાણ કરતા ગીર પૂર્વ વન વિભાગના જશાધાર રેન્જના અધિકારીઓ અને કર્મચારીઓની સ્થળ ઉપર આ માનવ ભક્ષિ દીપડાને પકડવા પાંજરા ગોઠવી દેવામાં આવેલ છે.
મૃત્યુ પામનાર ખુશી ભરતભાઇ બારીયા એક ભાઇથી મોટી હતી. તેના પિતા મજૂરી કામ કરે છે. જ્યાં બનાવ બન્યો ત્યા પોતાના નાના ભીમભાઇ ખસીયાને ત્યાં ત્રણેક દિવસથી તે ઉનાના નેસડાથી રોકાવા માટે ગઇ હતી. વાડીમાં ભીમભાઇ તેમના બે દિકરા સહિતના વાડીએ કામ કરતાં હતાં ત્યારે ખુશી અને પિત્રાઇ હીરૂ (ઉ.વ.૫) રમતાં હતાં. આ વખતે દિપડો ત્રાટકતાં હીરૂ ભાગી ગયો હતો અને ખુશીને દિપડાએ ગળેથી પકડી લીધી હતી.
હાકલા પડકારા થતાં દિપડો મુકીને ભાગી ગયો હતો. બાળાએ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દમ તોડતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. એ-ડિવીઝનના હેડકોન્સ. રમેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
