હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં સરેરાશ ૪૯.૫૭ ટકા શાંતિપૂર્ણ મતદાન
ભરાણા તથા જુવાનપુરની પેટા ચૂંટણીમાં અનુક્રમે ૪૩.૪૨ અને ૩૬.૩૮ ટકા મતદાન : સલાયામાં EVM બગડતા તંત્રની દોડધામ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા.૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાયેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ ભરાણા અને જુવાનપુર તાલુકા પંચાયતની એક-એક બેઠક પરની પેટા ચૂંટણીમાં રવિવારે એકંદરે સરેરાશ ૪૯.૫૭ ટકા અને ૪૦ ટકા જેટલું શાંતિપૂર્ણ મતદાન થયું છે. સલાયામાં એક સ્થળે ઈ.વી.એમ. મશીન બગડતા તંત્રએ તાકીદે તે બદલ્યું હતું.
ખંભાળિયા તાલુકાના સલાયા નગરપાલિકાના સાત વોર્ડના ૨૮ ઉમેદવારો માટે કુલ ૨૭,૨૭૦ મતદારો પૈકી ૧૩,૫૩૮ મતદારોએ, ભાણવડ નગરપાલિકાના ૬ વોર્ડના કુલ ૧૨,૩૩૨ મતદારો પૈકી કુલ ૬,૭૮૪ મતદારોએ તેમજ દ્વારકા નગરપાલિકાના ૭ વોર્ડના કુલ ૨૩,૩૫૭ પૈકી ૧૦,૮૮૭ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પૂર્વે જ દ્વારકાની ૨૮ પૈકી ૯ બેઠકો અને ભાણવડની ૨૪ પૈકી ૮ બેઠક બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી. જેથી ગઈકાલે રવિવારે સલાયાના ૨૮ સદસ્યો, ભાણવડના ૧૬ અને દ્વારકાના ૧૯ સભ્યો માટેની ચૂંટણી યોજાઈ હતી.
રવિવારે સવારે મતદાનના પ્રારંભ પૂર્વે ચુંટણી સ્ટાફ સાથે પોલીસના જવાનો દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેના કારણે આજે દિવસ દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
દ્વારકામાં શાંતિપૂર્ણ ૪૬.૬૧ ટકા
ભાજપના ગઢ અને છેલ્લા આશરે ત્રણ દાયકાથી પ્રભુત્વ ધરાવતી ભાજપ શાસિત દ્વારકા નગરપાલિકાની પ્રથમ વખત નવ બેઠક બિનહરીફ બની રહી હતી. ત્યારે વધુ એક વખત દ્વારકા નગરપાલિકા પર ભાજપનો કબજો યથાવત રહે તે માટે સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક તેમજ અન્ય નેતાઓ દ્વારા કવાયત કરવામાં આવી હતી. ત્યારે ૧૯ બેઠકો માટેની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ૫,૯૫૧ પુરુષ અને ૪૯૩૬ મહિલાઓ મળી કુલ ૩૧,૨૦૯ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં સરેરાશ અનુક્રમે ૪૯.૭૫ ટકા અને ૪૩.૩૨ ટકા સાથે કુલ સરેરાડ મતદાન ૪૬.૬૨ ટકા થવા પામ્યું છે. દ્વારકા નગરપાલિકામાં આ વખતે પણ ભવ્ય વિજય માટે ભાજપ દ્વારા મજબૂત આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ભાણવડમાં ૫૫ ટકા
આ ઉપરાંત સખળ-ડખળ માટે વગોવાયેલી ભાણવડ નગરપાલિકામાં આ વખતે ભાજપે એડી ચોટીનું જોર લગાવવા સાથે આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રદ થતાં ભાજપને આઠ બિનહરીફ બેઠકોનો મોટો ફાયદો થઈ ચૂકયો છે. ત્યારે ગઈકાલે ભાણવડ નગરપાલિકાની અન્ય ૧૬ બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ૩,૬૬૫ પુરુષ અને ૩,૧૧૯ મહિલાઓ મળી કુલ ૬,૭૮૪ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં સરેરાશ અનુક્રમે ૫૯.૮૫ ટકા અને ૫૦.૨૪ ટકા મળી કુલ મતદાન ૫૫.૦૧ ટકા થયું છે.
સલાયામાં ૪૯.૬૪ ટકા
કોંગ્રેસનો ગઢ રહેલી ખંભાળિયા તાલુકાની સલાયા નગરપાલિકામાં અગાઉના ઇતિહાસમાં ભાજપનો પન્નો ટૂંકો રહ્યો છે. આ વખતે પણ અહીં ભાજપને ચૂંટણી લડવા માંડ ૫૦ ટકા જેટલા જ ઉમેદવારો મળ્યા છે. આટલું જ નહીં, ખૂબ જ ઉત્તેજનાસભર બની ગયેલી ૭ વોર્ડની ૨૮ સભ્યો માટેની ચૂંટણીમાં આ વખતે પ્રથમ વખત એ.આઈ.એમ.એ.આઈ. પક્ષએ પણ ઝુકાવ્યું છે. જેથી અહીં સર્જાયેલા ચોપાંખિયા જંગમાં કોંગ્રેસ, આપ અને એ.આઈ.એમ. એ.આઈ.એ પણ જોર લગાવ્યું છે.
ગઈકાલે સલાયા નગરપાલિકાની ચૂંટણીના પ્રારંભે સવારે જીન વિસ્તારમાં એક ઈ.વી.એમ. બગાડતા ચૂંટણી તંત્રએ તાકીદે આ ઈ.વી.એમ. બદલાવ્યું હતું. આમ, આજે સાંજે છ વાગ્યા સુધીમાં સલાયા નગરપાલિકાની ૨૮ બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ૫,૫૮૫ પુરુષ અને ૭,૯૫૩ મહિલાઓ મળી કુલ ૧૩,૫૩૮ મતદારોએ મતદાન કર્યુ હતું. જેમાં સરેરાશ અનુક્રમે ૪૧.૬૪ ટકા અને ૫૭.૩૯ ટકા સાથે કુલ સરેરાસ ૪૯.૬૪ ટકા મતદાન થવા પામ્યું છે. દ્વારકા, ભાણવડ અને સલાયાની તમામ ત્રણ નગરપાલિકાનું કુલ સરેરાશ મતદાન ૪૯.૫૭ ટકા નોંધાયું છે.
ભરાણા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ૪૩.૪૨ ટકા
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામની તાલુકા પંચાયતની ખાલી પડેલી એક બેઠક માટે ગઈકાલે યોજાયેલી પેટા ચૂંટણીમાં કુલ ૬,૫૧૭ પૈકી ૨૮૩૦ મતદારોએ મતદાન કરતા ૪૩.૪૨ ટકા મતદાન થવા પામ્યું છે.
જુવાનપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ૩૬.૩૮ ટકા
કલ્યાણપુર તાલુકા પંચાયતની જુવાનપુર બેઠકની એક બેઠક પરની પેટા ચૂંટણીમાં ૬૧૭૩ પૈકી ૧,૪૫૧ પુરુષો અને ૭૯૫સ્ત્રીઓ મળી કુલ ૨,૨૪૬ મત પડ્યા હતા. જેથી મતદાનની કુલ ટકાવારી માત્ર ૩૬.૩૮ ટકા રહી હતી.
તાલુકા પંચાયતની ઉપરોક્ત બંને બેઠકની પેટા ચૂંટણીમાં કુલ સરેરાશ મતદાન ૪૦ ટકા રહ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા અને તાલુકા પંચાયત (પેટા)ની આ ચૂંટણી માટે જિલ્લાના ૪૩ સંવેદનશીલ સહિત કુલ ૯૨ મતદાન બુથમાં નોંધાયેલા કુલ ૭૫ હજાર જેટલા મતદારો માટે આ ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી. ખૂબ જ ઉત્તેજનાસભર બની ગયા જિલ્લાની કુલ પાંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેકટર આર.એમ. તન્ના તેમજ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની ટીમ દ્વારા તમામ જરૂરી પગલાંઓ લેવામાં આવ્યા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન કાર્યવાહી સંપન્ન થઈ છે.
૧૮૧ ઉમેદવારોનું ભાવી ઈ.વી.એમ. માં સીલ : કાલે પરિણામ
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકા તેમજ બે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં મેદાનમાં રહેલા કુલ ૧૮૧ ઉમેદવારોના ભાવિ ઈ.વી.એમ.માં સીલ થયા છે. ગતરાત્રે જુદા જુદા સ્થળોએથી તમામ ઈ.વી.એમ. તેમજ બી.યુ. મશીનોને સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં રાખી દેવામાં આવ્યા છે. આવતીકાલે મંગળવારે આ તમામ સ્થાનિક રાજ્યની તમામ ચૂંટણી મતગણતરી નિયત સ્થળે કરવામાં આવશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
