News of Tuesday, 18th February 2025
પડધરી પાસે ‘હિટ એન્ડ રન': રાજકોટ પ્રસંગમાં આવી રહેલા નવાગામ ઘેડના ભીખુભાઇ ફટાણીયાનું મોતઃ તેના કુટુંબી ભાઇને ઇજા

રાજકોટ તા. ૧૭: વાહન અકસ્માતના બનાવોમાં વધુ એક વ્યક્તિએ જિંદગી ગુમાવી છે. પડધરી નજીક બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં જામનગર નવાગામ ઘેડના બે કુટુંબી ભાઇ બાઇક સહિત ફંગોળાઇ જતાં બંનેને ઇજા થઇ હતી. જેમાં એક ભાઇનું મૃત્યુ થયું છે. બંને ભાઇઓ રાજકોટ લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવી રહ્યા હતાં ત્યારે આ બનાવ બનતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ નવાગામ ઘેડ ખાતે રહેતાં ભીુખભાઇ ઉકાભાઇ ફટાણીયા (ઉ.વ.૫૦) અને તેમના મોટા બાપુના દિકરા ભીખુભાઇ બોઘાભાઇ ફટાણીયા (ઉ.વ.૫૧) ગઇકાલે રાજકોટ મોરબી રોડ પર સગાને ત્યાં પ્રસંગમાં હાજરી આપવા બાઇક પર બેસીને નવાગામથી રાજકોટ આવવા નીકળ્યા હતાં. બંને ભાઇઓ પડધરી નજીક ભારત હોટલ પાસે પેટ્રોલ પંપ નજીક પહોંચ્યા ત્યારે તેમના બાઇકને કોઇ વાહનનો ચાલક ઉલાળીને ભાગી જતાં બંને ભાઇઓ રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી.તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે ભીખુભાઇ ઉકાભાઇ ફટાણીયાએ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. તેઓ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોતે ફર્નિચર કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. જ્યારે બચી ગયેલા તેમના કુટુંબી ભાઇ ભીખુભાઇ બોઘાભાઇ ફટાણીયા નિવૃત જીવન જીવે છે અને તેમને બે પુત્ર છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ભાવેશભાઇ, તોફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ પડધરી પોલીસને જાણ કરી હતી. પડધરી પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહન ચાલક અંગે તપાસ હાથ ધરી છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
