News of Tuesday, 18th February 2025
ચોટીલાના વેપારી જતીનભાઇ સોનીએ રાજકોટમાં ફિનાઇલ ગટગટાવ્યું: વ્યાજખોરી કારણભુત?
બે ત્રણ લોકો પૈસાની ઉઘરાણી માટે હેરાન કરતાં હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૮: ચોટીલામાં રહેતાં સોની વેપારીએ રાજકોટમાં પેલેસ રોડ પર ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે ખસેડાયા હતાં. તેઓ આર્થિક ભીંસ અને વ્યાજખોરીમાં આવી ગયા હોવાથી પગલુ ભર્યાની શક્યતા તેમના સગાએ જણાવી હતી.
જાણવા મળ્યા મુજબ ચોટીલામાં થાન રોડ પર આશાપુરા બંગલોઝમાં રહેતાં અને સોની કામ કરી ગુજરાન ચલાવતાં જતીનભાઇ રસિકભાઇ સોની (ઉ.વ.૪૫)એ ગત સાંજે રાજકોટ પેલેસ રોડ પર આશાપુરા માતાજીના મંદિર નજીક ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.
જતીનભાઇ સોની કામ કરી ગુજરાન ચલાવે છે અને સંતાનમાં એક પુત્ર તથા બે પુત્રી છે. હાલ તેઓ આર્થિક ખેંચમાં આવી ગયા હોવાથી અને વ્યાજ માટે બે ત્રણ જણા હેરાન પરેશાન કરતાં હોવાથી પગલુ ભર્યાની શક્યતા જણાવાઇ હોઇ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
