News of Tuesday, 18th February 2025
રૂા.૧૩૧.૭૬ કરોડના ખર્ચે નવો રીંગ રોડ મંજુર
દ્વારકા રૂક્ષ્મણી મંદીર, શિવરાજપુર બીચ, નાગેશ્વર જર્યોતિલિંગને બેટ દ્વારકાને જોડતો પાલીકાની ચુંટણી પુર્ણ થતા જ મુખ્યમંત્રીએ વિકાસ માટેનો ખોલ્યો પિટારો દ્વારકા હોટલ એસોસીએશને મુખ્યમંત્રીને પાઠવ્યા અભિનંદન

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૧૮: દ્વારકા નગરપાલીકાની નવા સત્તા શાસન માટેની ચૂંટણી ગઈકાલે પૂર્ણ થયાની સાથે જ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દ્વારકા ક્ષેત્રના વિકાસ માટેની અતિ મહત્વપૂર્ણ યોજના માટેના નાણાં રૂપિયા ૧૩૧,૭૬ કરોડ મંજૂર કર્યાની આજે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ સમાચારથી દ્વારકાના વેપાર વાણિજય અને સ્થાનીક રહેવાસીઓમાં આનંદની હેલી પ્રસરી છે. આ સમાચાર મળતાની સાથે જ દ્વારકા હોટલ એસોસીએશનના પ્રમુખ ઈશ્વરભાઈ પરમાર અને સેક્રેટરી રવિ બારાઈએ દ્વારકાના વિકાસ માટેની આ મહાત્વાકાંક્ષી યોજના મુખ્યમંત્રીએ મંજૂર કરતા અખબારી માધ્યમથી મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા છે.
આ અંગેની પ્રાથમિક જાણવા મળતી વિગતો મુજબ દ્વારકાના ભાદરમાં આવેલ નેશનલ હાઈવે ની ખોડીયાર મંદિર ચેકપોસ્ટ પાસેથી રૂપિયા ૧૩૧.૭૬ કરોડના ખર્ચે બનનારો નવો રીંગ રોડ ફોર ટ્રેકનો પ્રારંભ થશે. જે નવો માર્ગ ખોડીયાર મંદિરની ચેકપોસ્ટની જમણી તરફ આવેલ આવળપરા વિસ્તારથી પસાર થઈને જલારામ મંદિર, ઘનશ્યામ નગર, વંદે માતરમ સોસાયટી અને અંબુજા નગરથી પસાર થઈને આ માર્ગ સીધ્ધો એ.સી.સી. સીમેન્ટ ફેકટરીમાંથી પસાર થઈને રૂપેણ બંદર ક્રોસ કરી ઓખા સાથે જોડી દેવાશે. જેના કારણે દ્વારકાથી નાગેશ્વર જતાં માર્ગ જે હાલમાં જ રૂપિયા ૪૫ કરોડના સીકસલેન રોડ તરીકે બનાવવા માટે મંજૂર કરાયેલ છે જેની સાથે જોડાઈ જશે. જેથી હવે નેશનલ હાઈવે માર્ગથી આવતાં જામનગર અને પોરબંદર તરફના જોડાયેલ રસ્તાઓથી પ્રવાસી યાત્રીકો પૈકી જે યાત્રીકો પહેલા દ્વારકાના બદલે નાગેશ્વર, બેટ દ્વારકા, રૂક્ષ્મણી મંદિર, શિવરાજપુર બીચ સીધા જ જઈ શકશે. અને રીટર્નમાં તેઓ સીધ્ધા દ્વારકા આવી શકશે. આમ, આ રીંગ રોડ દ્વારકાના નગરજનો માટે પણ ટ્રાફીકની સમસ્યામાં હળવાશ અનુભવવામાં સહયોગી બનશે અને યાત્રીક પ્રવાસીઓને પણ નવા અદ્યતન માર્ગની સુવિધા સાથે સમયનો બચાવ કરી દ્વારકા ક્ષેત્રની દર્શન સર્કિટમાં સરળતાથી પ્રવાસ કરી શકશે.
સાથે જ આ માર્ગ પર આવેલ જમીનોની કિંમતમાં પણ ઉછાળો આવશે અને નવા દ્વારકા નગરમાં વિકાસની નવી ક્ષિતિજો પણ ખૂલશે. અત્રે એ પણ નોંધનીય છે કે દ્વારકાના વિકાસ માટે રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રચરલ ડેવલોપમેન્ટ સાથેની અનેક યોજનાઓ આવી રહી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત રાજ્ય તરફથી પણ દ્વારકાના વિકાસ માટે નાણાંઓનો ભંડાર ખૂલ્લો મૂકયો છે તે ગ્રામજનો માટે દ્વારકાધીશજીની કળપા જ કહી શકાય. એમ કહીએ તો ચાલે કે કળષ્ણની આ કર્મભૂમિમાં આર્થિક અને ભૌગોલિક રીતે દ્વારકા નગરી એક નવી જ દિશા તરફ પ્રયાણ કરી રહી છે.
અત્રે એ પણ નોંધનીય છે કે આ નવો રીંગ રોડ બનાવવા માટે દ્વારકા હોટલ એસોસીએશનના પૂર્વ પ્રમુખ અને દ્વારકા નગરપાલીકાની ટાઉન પ્લાનીંગ પૂર્વ ચેરમેન નિર્મલભાઈ સામાણીએ પણ રાજય સરકારમાં તેમજ પ્રવાસન વિભાગ પાસે વારંવાર રજૂઆતો કરી હતી.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
