News of Tuesday, 18th February 2025
જુનાગઢ મનપામાં ફરી ભાજપનું શાસન
શહેર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યના પુત્ર મનોજભાઈ જોશીનો પરાજયઃ પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર પાર્થ કોટેચાના પરાજય વચ્ચે : ભાજપના ૪૮ ઉમેદવારોનો વિજય, કોંગ્રેસે ૧૧ બેઠક મેળવીને પ્રભુત્વ વધાર્યું, ૧ અપક્ષ વિજેતા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૮: પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્ર પાર્થ કોટેચાના પરાજય વચ્ચે જુનાગઢ મનપામાં ફરી ૪૮ બેઠક સાથે ભાજપનું શાસન આવ્યું છે. જ્યારે કોંગ્રેસે ૧૧ બેઠક અને એક અપક્ષ ઉમેદવારે વિજય મેળવ્યો છે. ભાજપના પ્રભારી કમલેશભાઇ મીરાણીની આગેવાનીમાં ભાજપની જીતના વધામણા કરાયા હતા.
જૂનાગઢ મહાનગરપાલિકાના કુલ ૧૫ વોર્ડમાંથી વોર્ડ નંબર ૩ અને ૧૪ની ૪-૪ મળી કુલ ૮ બેઠક ભાજપે બિન હરીફ મેળવી હતી. બાકીની ૫૨ બેઠક માટે રવિવારે ૨૫૧ મતદાન મથક પર ચૂંટણી યોજાઈ હતી. તેમાં માત્ર ૪૪.૩૨ ટકા મતદાન થયું હતું.
આજે સવારે જુનાગઢ કળષિ ઇજનેરી કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. શરૂઆતથી ભાજપએ વિજય કુચનો પ્રારંભ કર્યો હતો.
શહેરના વોર્ડ નંબર ૯માં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થતા મોટો અપસેટ સર્જાયો હતો. આ વોર્ડમાંથી ભાજપના પૂર્વ મેયર ગીતાબેન પરમારને ૨૬૨૫, ચેતનાબેન ચુડાસાને ૨૫૦૩ અને આકાશ કટારાને ૩૪૫૫ મળતા તેમનો વિજય થયો હતો.
જ્યારે અપક્ષ અશ્વિનભાઇ ભારાઈએ ૪૪૩૧ મોત સાથે વિજય મેળવી પાર્થ કોટેચાને પરાજય આપ્યો હતો.
મહાનગરપાલિકાની ગત ૨૦૧૯ વર્ષની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર ૨ બેઠક હતી. જ્યારે આ વખતે કોંગ્રેસના ફાયર બ્રાન્ડ લેડી મંજુલાબેન પણસારા સહિત ૧૧ ઉમેદવારોનો વિજય થતા મહાનગરપાલિકામાં કોંગ્રેસનું પ્રભુત્વ વધ્યું છે. મજબૂત વિપક્ષ બન્યો છે.
બીજી તરફ ગત ૨૦૧૯ની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૫માં ભાજપની પેનલનો વિજય થયો હતો. જોકે આ વખતે કોંગ્રેસે ભાજપ પાસેથી ચારેય બેઠક ખૂંચવી લઈ ફરીથી વોર્ડ નંબર ૧૫ પર કોંગ્રેસે કબજો જમાવ્યો છે. પરંતુ વોર્ડ નંબર ૧૧માંથી શહેર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યના પુત્ર મનોજભાઈ ભીખાભાઈ જોશીનો પરાજય થયો હતો.
જુનાગઢ મનપા મત ગણતરી પૂર્ણ
ભાજપ ૪૮
કોંગ્રેસ ૧૧
અપક્ષ ૧
વોર્ડ ૧ બીજેપી પેનલ
વોર્ડ. ૨ બીજેપી પેનલ
વોર્ડ. ૩ બીજેપી પેનલ
વોર્ડ. ૪ ૧ કોગ્રેસ ૩ ભાજપ
વોર્ડ. ૫ બીજેપી પેનલ
વોર્ડ. ૬ ૨ બીજેપી ૨ કોંગ્રેસ
વોર્ડ. ૭ બીજેપી પેનલ
વોર્ડ. ૮ કોંગ્રેસ પેનલ
વોર્ડ. ૯ ૩ બીજેપી ૧ અપક્ષ
વોર્ડ. ૧૦ બીજેપી પેનલ
વોર્ડ. ૧૧ બીજેપી પેનલ
વોર્ડ. ૧૨ બીજેપી પેનલ
વોર્ડ. ૧૩ બીજેપી પેનલ
વોર્ડ. ૧૪ બીજેપી પેનલ
વોર્ડ. ૧૫ કોંગ્રેસ પેનલ
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
