News of Tuesday, 18th February 2025
ભવનાથમાં શિવરાત્રી મેળાનો ધમધમાટ શરૂ
મેળાના પ્રારંભ પહેલા જ તળેટીમાં શિવ ભક્તિમાં લીન થવા સાધુ સંતો, અન્નક્ષેત્રના સંચાલકોનું આગમન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ,તા. ૧૮ : ભવનાથમાં ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન શિવરાત્રી મેળાનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.
મહાવદ નોમ તા. ૨૨ ફેબ્રુઆરીથી ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રીનો મેળો યોજાશે. પરંતુ મેળો શરૂ થાય તે પહેલા જ ભવનાથમાં સાધુ સંતો અને અન્ન ક્ષેત્રના સંચાલકોનું આગમન શરૂ થઈ ગયું છે. દેશ વિદેશમાં વિખ્યાત પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાને લઈને મહાશિવરાત્રી મેળાને લઈને તંત્ર દ્વારા પણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રી મેળા દરમ્યાન શિવ ભક્તિમાં લીન થવા સાધુ સંતોની પધરામણી શરૂ થઇ ચૂકી છે. અને સંત મહાત્માઓએ ધુણાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સાથે તળેટીમાં ભાવિકોનો ઙ્કવાહ પણ શરૂ થઇ ગયો છે.
ભવનાથમાં ૨૨ થી ૨૬ ફેબ્રુઆરી આયોજિત મહાશિવરાત્રી મેળાને લઇ વાહન ર્પાકિંગ સ્થળ નિયત કરવામાં આવ્યા છે. જે મુજબ નીચલા દાતાર પાસેની ખુલ્લી જગ્યામાં તમામ પ્રકારના વાહનો અને ભવનાથ ખાતે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે ટુ વ્હીલર વાહનો પાર કરી શકાશે. નિઃશુલ્ક ખાનગી વાહન ર્પાકિંગ શશીકાંતભાઈ દવેની વાડી (મજેવડી દરવાજા થી ભરડાવાવ રોડ, જેલની વાડી પર), મજેવડી દરવાજા રોડ, કાળુભાઈ સુખવાણીની વાડી તરીકે ઓળખાતી જમીન, અશોક બાગ આંબાવાડી મજેવડી દરવાજાથી ભરડાવાવ તરફ જતા રસ્તે વાહન પાર્ક કરી શકાશે.
ભવનાથ ખાતેમાં શિવ રાત્રી મેળા દરમિયાન ટ્રાફિક નિયમન માટે રસ્તાઓ વન-વે જાહેર કરાયા છે. ભરડાવાવ થી સોનાપુરી ત્રણ રસ્તા ફક્ત શહેર તરફથી તળેટી પ્રવેશ માટે, સોનાપુરી ત્રણ રસ્તા થી ગિરનાર દરવાજા તરફ શહેર તરફ જવા માટે, પાસ ધરાવતા અથવા પૂર્વ મંજૂરી મેળવેલ વાહનો ગિરનાર તળેટીમાં જવા માટે ભરડાવાવ થઈ સ્મશાન પાસેથી તળેટીમાં પ્રવેશી શકશે. અને જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે મેદાનમાં વાહન પાર્ક કરવાના રહેશે. તળેટીથી આવતા વાહનો સ્મશાન, ગાયત્રી મંદિરથી ગિરનાર દરવાજા થઈ જૂનાગઢમાં પ્રવેશ કરી શકશે. જ્યારે યાત્રાળુઓ અને સરકારી વાહનો વડલી ચોક સુધી આવ્યા પછી વડલી ચોકથી ડાબી બાજુના રોડ પર ભવનાથ મંદિરથી મંગલનાથ બાપુની જગ્યા તરફ જઈ શકશે અને આ જગ્યાથી ભવનાથ મંદિર તરફ આવી શકશે નહીં.
મહાશિવરાત્રીના દિવસે શહેર તરફથી આવતા તેમજ તળેટીથી શહેર તરફ જતા તમામ વાહનોને કલાક ૧૦ થી અવરજવર માટે પ્રતિબંધ રહેશે. છગનમામાની સોસાયટીમાં થઈને ભવનાથ તરફ જતા વાહનો લઈ જવા માટે પ્રતિબંધ રહેશે. ગિરનાર દરવાજા થી સોનાપુરી તરફ જવાનો રસ્તો સોનાપુરી સુધી ફક્ત જવા માટેવન-વે જાહેર કરાયો છે.
મેળા વખતે ટ્રાફિકજામ થાય નહીં તે માટે કાળવા થી દાતાર રોડ, કામદાર સોસાયટી ગિરનાર દરવાજા, ભરડાવાવથી ધારાગઢ દરવાજાથી મજેવડી દરવાજા સુધી રોડ પર નો-ર્પાકિંગ અને મોર્ડન ચોકથી જવાહર રોડ, સ્વામી મંદિર, સેજની ટાંકી, ગિરનાર રોડ, ગિરનાર દરવાજા સુધી નો-ર્પાકિંગ જાહેર કરવામાં આવેલ છે.
શિવરાત્રી મેળા દરમિયાન ટ્રાફિક નિયમન સબબ ભરડાવાવ-ગીરનાર દરવાજાથી ભવનાથ તરફ જવા માટે ઊંટગાડી, ઘોડાગાડી, બળદગાડી જેવા વાહનો માટે ૨૨ ફેબ્રુઆરી થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
