News of Tuesday, 18th February 2025
રાણાવાવ-કુતિયાણા પાલીકા કબ્જે કરતી સમાજવાદી પાર્ટી
કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા, ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા સહીતના નેતાઓનો પ્રચાર છતા કમળ કરમાઇ ગયું : રાણાવાવમાં ર૮ માંથી ર૦ બેઠક મળીઃ ભાજપને માત્ર ૮ બેઠક : ધારાસભ્ય કાંધલ જાડેજાનું નેતૃત્વ સફળ : કુતિયાણામાં સમાજવાદી પાર્ટીનો ૧૪ બેઠક ઉપર અને ભાજપનો ૧૦ બેઠક ઉપર વિજય : કુતિયાણામાં ભાજપના પુર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરાની પેનલ જીતી ગઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૮: પોરબંદર જીલ્લામાં સમાજવાદી પાર્ટીનો જાદુ છવાયો છે. પોરબંદર જીલ્લાની રાણાવાવ નગરપાલીકા અને કુતિયાણા નગરપાલીકા સમાજવાદી પાર્ટીએ કબ્જે કરી છે.
રવિવારે યોજાયેલ ચુંટણી બાદ આજે મત ગણતરી હાથ ધરવામાં આવતા રાણાવાવ નગરપાલીકામાં કુલ ૭ વોર્ડની ર૮ બેઠકમાંથી ભાજપને માત્ર ૮ બેઠક મળી છે. જયારે સમાજવાદી પાર્ટીને ર૦ બેઠક ઉપર વિજય મળ્યો છે. ધારાસભ્ય કાંધલ જાડેજાનું સફળ નેતૃત્વ પુરવાર થયું છે.
કુતિયાણા નગર પાલીકામાં ૬ વોર્ડની ર૪ બેઠકો માટે યોજાયેલ ચુંટણીમાં ૧૪ બેઠક ઉપર સમાજવાદી પાર્ટીનો જયારે ૧૦ બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે.
કુતિયાણામાં ભાજપના પુર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરાની પેનલ જીતી ગઇ છે.
નગર પાલીકાની ચુંટણી માટે ભાજપના કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા, ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા સહીત દિગ્ગજ નેતાઓએ પ્રચાર કર્યો હતો. તેમ છતા રાણાવાવ અને કુતિયાણામાં કમળ કરમાઇ ગયું છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
