<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

ગોખલાણા પાસે ‘હિટ એન્‍ડ રન': જસદણના દંપતિનું મોત

જસદણ રહેતાં જુગાભાઇ પોપટભાઇ સાપરા (ઉ.વ.૫૮) અને શામુબેન જુગાભાઇ સાપરા (ઉ.વ.૫૫) માનસી ફાર્મમાં નોકરી કરતાં હોઇ ફાર્મ નજીક રસ્‍તો ઓળંગતા હતાં ત્‍યારે કારનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ પતિનું ઘટના સ્‍થળે, પત્‍નિનું રાજકોટમાં સારવારમાં મૃત્‍યુઃ પરિવારજનોમાં શોકની કાલીમા

તસ્‍વીરમાં જસદણ પાસે સર્જાયેલ અકસ્‍માતમાં મૃતકો નજરે પડે છે. (તસ્‍વીરઃ ધર્મેશ કલ્‍યાણી)

રાજકોટ તા. ૧૯: જસદણના ગોખલાણા નજીક રાતે હિટ એન્‍ડ રનની ઘટનામાં જસદણના પ્રોૈઢ અને તેમના પત્‍નિના કમકમાટી ભર્યા મોત નિપજ્‍યા છે. આ બંને ગોખલાણા નજીક આવેલા ફાર્મ હાઉસમાં ચોકીદારીની નોકરી કરતાં હોઇ રાત્રે ફાર્મ  હાઉસ નજીક રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે અજાણ્‍યો કારચાલક ઠોકરે લઇ ભાગી જતાં પતિનું ઘટના સ્‍થળે જ મોત થયું હતું. જ્‍યારે પત્‍નિને  સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ તેમણે પણ દમ તોડી દેતાં પરિવારજનોમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. જસદણ પોલીસે અકસમાત સર્જી ભાગી ગયેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્‍ત માહિતી અનુસાર જસદણ રહેતાં જુગાભાઇ પોપટભાઇ સાપરા (ઉ.વ.૫૮) અને તેમના પત્‍નિ શામુબેન જુગાભાઇ સાપરા (ઉ.વ.૫૫) રાતે સાડા આઠેક વાગ્‍યે જસદણ નજીકના ગોખલાણા-ગઢડીયા  ચોકડી વચ્‍ચે ગાયત્રી મારબલ નજીક માનસી ફાર્મહાઉસ પાસે રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે અજાણી કારના ચાલકે બંનેને ઉલાળી દીધા હતાં અને ભાગી ગયો હતો. ગંભીર ઇજા થતાં જુગાભાઇ સાપરાનું ઘટના સ્‍થળે જ મૃત્‍યુ થયું હતું. જ્‍યારે તેમના પત્‍નિ શામુબેન સાપરાને જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું પણ મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જસદણ પોલીસને કરી હતી.

બનાવની માહિતી મળતાં જસદણ પોલીસે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર જુગાભાઇ સાપરા ચાર ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. કેટલાક સમયથી જુગાભાઇ અને તેમના પત્‍નિ શામુબેન ગોખલાણા પાસે માનસી ફાર્મમાં નોકરી કરતાં હતાં અને ત્‍યાં જ રહેતાં હતાં.

રાત્રે ફાર્મ હાઉસ નજીક કોઇ કામ માટે નીકળ્‍યા ત્‍યારે બંને પતિ-પત્‍નિ રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે એક કાર પૂરપાટ ઝડપે આવી હતી અને બંનેને ઠોકરે ચડાવી દીધા હતાં. આ અકસ્‍માત બાદ ચાલક કાર લઇ ભાગી ગયો હતો. પોલીસે ઘટના સ્‍થળ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવા તપાસ શરૂ કરી છે. આ બનાવને પગલે જસદણના સાપરા પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો છે.

(11:04 AM IST)