<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th February 2025

ભાયાવદરના પીઆઇ અને ત્રણ પોલીસ કર્મચારી સસ્‍પેન્‍ડ

કેરાળાની સીમમાં એલસીબીએ ત્રાટકી રાજકોટના બૂટલેગર ધવલ સાવલીયાનો ૧૪.૩૫ લાખનો દારૂ પકડી લીધા બાદ ગંભીર બેદરકારી જણાતાં આઇજી અશોકકુમાર યાદવ અને એસપી હિમકરસિંહનું આકરૂ પગલું

રાજકોટ તા. ૧૯: ભાયાવદરના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અને ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્‍પેન્‍ડ કરી દેવામાં આવતાં રૂરલ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. કેરાળા ગામે મકાનમાં ગ્રામ્‍ય એલસીબીની ટીમે દરોડો પાડી રાજકોટના કુખ્‍યાત બુટલેગર ધવલ સાવલીયાનો રૂ.૧૪.૩૫ લાખનો દારૂ ઝડપી લીધો હતો. જેમાં સ્‍થાનિક પોલીસની ગંભીર બેદરકારી સામે આવી હતી. જેના કારણે રાજકોટ રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવ અને રૂરલ એસપી હિમકરસિંહે આકરા પગલા લઇ ભાયાવદર પીઆઇ ડી.બી.મજીઠીયાને અને  ડી-સ્‍ટાફના એએસઆઇ, હેડ કોન્‍સ્‍ટેબલ તથા કોન્‍સ્‍ટેબલને સસ્‍પેન્‍ડ કરી દેવાનો હુકમ કર્યો છે.

પ્રાપ્‍ત માહિતી અનુસાર રાજકોટ ગ્રામ્‍ય એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ તથા ટીમે ગત બારમી તારીખે ભાયાવદર પાસેના જુના કેરાળા ગામે એક ઘર દરોડો પાડીને રૂ.૧૨,૧૨,૩૦૦ ની કિંમતનો ૩૭૦૦ બોટલ દારૂ અને રૂ. ૨.૨૩ લાખના ૨૨૩૦ બીયરના ટીન સહિત કુલ રૂ.૧૪,૩૫,૩૦૦ની કિંમતનો દારૂ-બીયરનો જથ્‍થો ઝડપી લીધો હતો. તેમજ પીકઅપ વાહન નં. જીજે ૧૨બીટી ૩૮૮૩ અને બાઇક નં. જીજે ૦૩એલપી ૩૯૬૨, બે મોબાઇલ ફોન અને રાઉટર સહિત કુલ રૂ.૧૭,૮૭,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની તપાસમાં અહીં મકાનમાં દારૂ-બીયરનો જથ્‍થો ઉતારી તેનું વેચાણ કરનારમાં રાજકોટના કુખ્‍યાત બુટગેલગર ધવલ સાવલીયા અને  હાર્દિક અશોકભાઇ જોગરાજીયાનું નામ ખુલ્‍યું હતું.

પોલીસની તપાસમાં કુખ્‍યાત બુટલેગર અહીં મકાન ભાડે રાખી છેલ્લા દોઢ માસથી દારૂનો વેપલો કરતો હોવાનું સામે આવ્‍યું હતું.

દરમિયાન દારૂના આ દરોડામાં સ્‍થાનિક પોલીસની ગંભીર બેદરકારી સામે આવતા પ્રથમ રાજકોટ પોલીસ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહએ આ મામલે કડક કાર્યવાહીના ભાગરૂપે ભાયાવદર પોલીસ મથકના ડી સ્‍ટાફના એએસઆઇ મેહુલ વજશીભાઇ સુવા, હેડ કોન્‍સ. લાલજી ધીરૂભાઇ તલસાણીયા અને કોન્‍સ. મેરૂ રાજાભાઇ મકવાણાને સસ્‍પેન્‍ડ કરી દીધા હતાં. બીજી તરફ આ મામલાની રેન્‍જ આઇજી અશોક કુમાર યાદવે પણ ગંભીર નોંધ લઇ દારૂના આ વેપલાને અટકાવવામાં બેદરકારી દાખવનાર ભાયાવદર પોલીસ મથકના પીઆઇ ડી. બી. મજીઠીયા સામે આકરી કાર્યવાહીના ભાગરૂપે તેને સસ્‍પેન્‍ડ કરી દેવાનો હુકમ કર્યો છે. એસ.પી અને રેન્‍જ આઇ.જીની આ કડક કાર્યવાહીથી રાજકોટ જિલ્લા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે એલસીબીએ જે દિવસે કેરાળા ગામે દરોડો પાડયો એ દિવસે જ ધવલનો બીજો ૨૮ લાખનો દારૂ ભરેલો ટ્રક સ્‍ટેટ મોનીટરીંગ સેલની ટીમે પકડી લીધો હતો. (૧૪.૭)

 

(11:11 AM IST)