તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th February 2025
ધજાળાના શીરવાણીયા ગામે ત્રણ રાઉન્ડ ગોળીબાર
બે માસ પહેલા ગ્રામ પંચાયતમાં લાઇનમાં ઉભા રહેવા બાબતે થયેલ માથાકૂટમાં બનેલો બનાવઃ ૭ આરોપીની શોધખોળ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૯ :.. ધજાળા પોલીસ સ્ટેશન હેઠળના શીરવાણીયા ગામે થોડા સમય પહેલા ગ્રામ પંચાયત માં લાઈનમાં ઊભા રહેવા બાબતે થયેલ મનદુઃખને લઇ સર્જાયેલ માથાકૂટમાં પ્રાણઘાતક હથિયારો સાથે ધસી આવેલા આઠ શખ્સો દ્વારા એક ઘર પર હુમલો કરવા સાથે જીવલેણ પિસ્તોલ, તમંચા જેવા હથિયારો વડે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા ખોબા જેવડા શીરવાણીયા ગામમાં દેકારો મચી જવા પામ્યો હતો.
સાયલા પંથકના અંતરિયાળ વિસ્તારમાં આવેલ શીરવાણીયા ગામે ઢળતી બપોરે બનેલા ચકચારી બનાવની મળતી વિગતો અનુસાર દોઢથી બે માસ પહેલા શાંતુભાઈ ખવડને ગ્રામ પંચાયત માં વી.સી.નું કામ કરતા પ્રદીપ ઉર્ફે લાલો ખવડ સાથે લાઇનમાં ઊભા રહેવા બાબતે બોલાચાલી અને માથાકૂટ થઇ હતી. બે દિવસ પહેલા બોટાદ કોર્ટના કામે ગયેલા શાંતુભાઈ સાથે રસ્તામાં ઊભા રાખી આરોપી પ્રદીપ તથા તેના પિતા વલકુ ખવડ દ્વારા માથાકૂટ કરી બેથી ત્રણ ઝાપટો મારવાનો બનાવ પણ બન્યો હતો. બે મહિના પહેલા સર્જાયેલ માથાકૂટ બાદ આ સિલસિલો નહીં રોકાતા સોમવારે સાંજે ત્રણ કારમાં આવેલા આઠ લોકોએ પિસ્તોલ, તમંચા, લાકડી, ધારીયા, તલવારો વડે હુમલો કરવા સમયે શાંતુભાઈ તથા તેમના ભાઈ શિવકુભાઈ બંને પોતાના મકાનના ધાબા પર ચડી ગયા હતા. આરોપીઓ દ્વારા ઘરના બારણા પર પણ લાકડીઓ ઝીંકી હતી તેમજ પથ્થરમારો કરતા આરોપી ઙ્કદીપ ખાચર દ્વારા તેની પાસે રહેલ પિસ્તોલ માંથી એક રાઉન્ડ હવામાં તથા આરોપીઓ કુલદીપ તથા અનિલે તેમની પાસે રહેલા તમંચા જેવા હથિયારો માંથી એક એક રાઉન્ડ ફાયરિંગ ધાબા પર રહેલા બંને ભાઈઓ પર કર્યું હતું. પરંતુ તેઓ નીચે નમી જતા આબાદ બચાવ થયો હતો.
ચકચારી ઘટના બાદ ગામમાં દેકારો મચી જવા પામ્યો હતો તેમજ પોલીસને જાણ થતા લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી, ધજાળા, સાયલા પોલીસનો કાફલો બનાવ સ્થળે ધસી ગયો હતો. હુમલાની ઘટનાને અંજામ આપી ધમકી આપી આઠે શખ્સો ત્રણ કારમાં નાશી છૂટયા હતા. જેઓને પકડવા પોલીસ દ્વારા તુરંત સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં હુમલાની ઘટનામાં સામેલ એવા પ્રદીપ ખાચર નામના એક શખ્સને પોલીસ દ્વારા ઝડપી લેવાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ.બનાવને ૨૪ કલાક જેટલો સમય વીતવા છતાં હજુ શીરવાણીયા ગામમાં ખોફના માહોલ વચ્ચે સોંપો પડી ગયેલો દેખાઈ છે. ત્યારે પોલીસે ફરાર સાત આરોપીઓને ઝડપી લેવા માટે વિવિધ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે.
શીરવાણીયા ગામે બનેલ હુમલાની ઘટનામાં ભોગ બનનાર અને શાંતુભાઈના ભાઈ હાથીભાઈ ખવડ દ્વારા તે જ ગામના પ્રદીપ ઉર્ફે લાલો તેના પિતા વલકુ દાદભાઇ ખવડ, ધજાળાના અનિલ ભરતભાઈ ખવડ, બોટાદ જિલ્લાના કુંભારા ગામના દડુ આપભાઈ ખાચર, રાણપુર તાલુકાના મોટી વાવડી ગામના કાના મંગળુભાઇ ધાધલ, સુદામડાના પ્રદીપ ખાચર તથા ગોસળના કુલદીપ ખાચર, કનુ આપાભાઈ ખાચર વિરુદ્ધ ધજાળા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવાઇ હતી
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
