<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

જામનગરમાં છત્રપતિ શિવાજી મહારાજ જયંતિની ઉજવણી નિમિત્તે ગણેશ મરાઠા મંડળ દ્વારા શોભાયાત્રા યોજાઈ

ઘોડેશ્વર છત્રપતિ શિવાજી મહારાજ તેમજ મૂર્તિ સાથેના ફલોટ્‍સ સાથે નગર ભ્રમણ કરાયું: ઠેર ઠેર ભવ્‍ય સ્‍વાગતઃ ગણેશ મરાઠા મંદિર- ચાંદી બજાર દ્વારા સવારે મહાકાળી મંદિર-પસાયા થી જામનગર સુધી મશાલયાત્રા પણ યોજાઇ

જામનગર,તા.૨૧: જામનગર શહેરમાં ગત વર્ષ ની જેમ આ વખતે પણ શ્રી ગણેશ મરાઠા મંડળ - ચાંદી બજાર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ ની જન્‍મ જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું હતું, અને ગઈકાલે ૧૯ મી ફેબ્રુઆરી ૨૦૨૫ને બુધવારનાં રોજ સવારે ૭ વાગ્‍યે મહાકાળી મંદિર, પસાયાથી જામનગર સુધી મશાલ યાત્રાનું આયોજન કરાયું હતું. તેમજ સાંજે પ વાગ્‍યે ચાંદી બજાર વિસ્‍તારમાંથી શોભાયાત્રા યોજાઇ. જેમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથેનો ફ્‌લોટ્‍સ તૈયાર કરાશે, તેમજ શિવાજી મહારાજની વેશભૂષા ધારણ કરીને શુશોભીત ઘોડા પર નગર ભ્રમણ કરાવાયું હતું. જે શોભાયાત્રામાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

બજાર વિસ્‍તારમાં છેલ્લા ૩૯ વર્ષથી ગણેશ મહોત્‍સવનું આયોજન કરતા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા આ વખતે સતત ત્રીજી વખત છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતિની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી.

ગઈકાલે ૧૯મી ફેબ્રુઆરી બુધવારના દિવસે ૩૯૮મી છત્રપતિ શિવાજી મહારાજ ની જન્‍મ જયંતી નિમિત્તે સાંજે પાંચ વાગ્‍યે ચાંદી બજાર વિસ્‍તારમાંથી શિવાજી મહારાજની શોભાયાત્રાનો ચાંદી બજારથી પ્રારંભ થયો હતો. જે સેન્‍ટ્રલ બેન્‍ક રોડ, હવાઈ ચોક, ભાટની આંબલી, પંચેશ્વર ટાવર, બેડી ગેઇટ, રણજીત રોડ થઈ ફરી ચાંદી બજારમાં પરિપૂર્ણ થઇ હતી. જે સમયાત્રાના રૂપ પર ઘોડેસ્‍વાર છત્રપતિ શિવાજી મહારાજનો સ્‍વાગત કરાયું હતું અને શ્રી ગણેશ મરાઠા મંડળના હોદ્દેદારો પોતાના સમગ્ર પરિવાર સાથે જોડાયા હતા. તેમજ અન્‍ય લોકો પણ બહોળી સંખ્‍યામાં જોડાયા હતા.

 તે પહેલા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા પસાયા બેરાજા ગામમાં આવેલા માતાજીના મંદિરેથી માતાજીની જ્‍યોત લઈને કેટલાક યુવાનોએ પદયાત્રા કરીને છેક જામનગર સુધી આવ્‍યા હતા, અને માતાજીની જ્‍યોતનું જામનગરના ચાંદી બજાર વિસ્‍તારમાં ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.(૪૦.૧૦)

(10:25 AM IST)