<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st February 2025

કાલે ભવનાથ મંદિરે ધ્‍વજારોહણ સાથે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભઃ સાધુ-સંતોએ ધુણા ધખાવ્‍યા

૫ દિવસના મેળાની તમામ તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ, ઉતારા તેમજ અન્નક્ષેત્રોનો પ્રારંભઃ મોટી સંખ્‍યામાં ભાવિકો લાભ લેશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૨૧: દેશ વિદેશમાં વિખ્‍યાત મહાશિવરાત્રીનો મેળો આવતીકાલ મહાવદ નોમની સવારે ભવનાથ મંદિર પર ધ્‍વજારોહણ સાથે શરૂ થઇ રહ્યો હોય ભક્‍તિ ભજન અને શિવમાં લીન થવા માટે સાધુ-સંતોએ ધુણા લગાવી દીધા છે.

ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે ભવનાથ મહાદેવના સાનિધ્‍ય મહાશિવરાત્રી મેળાનું કાઉન્‍ટડાઉન શરૂ થઈ ગયું છે. મેળામાં આવનારા ભાવિકોની પ્રાથમિક સુવિધા સહિતની બાબતની તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્‍યો છે.

શુક્રવારે સવારે શુભ ચોઘડીએ દેવાથી દેવ ભવનાથ મહાદેવના મંદિરનાં શિખર પર સાધુ સંતોની પાવન નિશ્રામાં વૈદિક મંત્રોચ્‍ચાર વચ્‍ચે નૂતન ધ્‍વજારોહણ થશે અને આ સાથે પાંચ દિવસનો મહાશિવરાત્રી મેળાનો મંગલારંભ થશે.

ભક્‍તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રી મેળામાં શિવમાં લીન થવા માટે સાધુ સંતોનું આગમન થઈ ચૂકયું છે અને તેઓ દ્વારા ધુણા લગાવી દેવામાં આવ્‍યા છે. બીજી તરફ મેળામાં ભાગ લેવા આવનારા ભાવિકોને ભોજન, નિવાસ, ચા પાણી વગેરે મળી રહે તે માટે ઉતારા, અન્નક્ષેત્રો શરૂ થઈ ચૂકયા છે.

ભાવિકોને મેળા દરમિયાન કોઈ પ્રકારની અગવડતા નો સામનો કરવો પડે નહીં તે માટે તંત્ર દ્વારા ર્પાકિંગ, આરોગ્‍ય, શૌચાલય સહિતની સુવિધાઓની ગોઠવણ કરવામાં આવી છે. મેળા દરમિયાન કાયદો વ્‍યવસ્‍થા સુરક્ષા ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પાંચ ઝોનમાં જડબેકલાક બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. અને આજથી જ પોલીસ અધિકારીઓ, જવાનો ફરજ પર તૈનાત થઈ ગયા છે.

મહાશિવરાત્રી મેળામાં મોટી સંખ્‍યામાં લોકો આવે છે જેને ધ્‍યાને રાખી એસટી નિગમ દ્વારા ૧૮૦ મોટી બસ રાજકોટ, જામનગર, અમદાવાદ, ભુજ, પોરબંદર સહિતના રાજ્‍યના શહેરોમાં દોડાવવામાં આવશે. તેમજ ૩૦ મીની બસ આજથી બસ સ્‍ટેન્‍ડથી ભવનાથ સુધી શરૂ કરી દેવામાં આવી છે.(૨.૧૦)

(11:09 AM IST)