તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd February 2025
જુનાગઢના મહાશિવરાત્રીના મેળામાં શ્રી આપાગીગાના ઓટલા દ્વારા વિનામૂલ્યે વિરાટ અન્નક્ષેત્ર
ગુરૂવાર સુધી દરરોજ સવારે ચા, નાસ્તો અને સવારથી સાંજ સુધી શુધ્ધ ધીની બે મીઠાઇ તેમજ શુધ્ધ સિંગતેલમાંથી તૈયાર થયેલ ફરસાણ, બે શાક, દાળ-ભાત, રોટલી, છાસ વિગેરેનો લાભ લેવા નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુનું જાહેર આમંત્રણ...

રાજકોટઃ આભને ઓવારણા લઇ વાદળ સાથે વાતો કરતા ગરવા ગિરનારની ગોદમાં જુનાગઢ ખાતે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે. ત્યારે આ અવસરે શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા દ્વારા ભવનાથ ક્ષેત્રમાં લાલ સ્વામીની જગ્યા ભગવાનાથ, જુનાગઢ ખાતે સમગ્ર સમાજના લોકો સાધુ સંતો ભાઇઓ, બહેનો, માતાઓ યુવાનો અઢારેય કોમ માટેનું છેલ્લા ઘણા વર્ષોથી અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુની (નરેન્દ્રભાઈ સોલંકી) તેમજ સમગ્ર કાર્યકર્તાઓની ટીમ દ્વારા અન્નક્ષેત્ર ચાલુ થઇ ચુકયુ છે. સેંકડો ભાવીકો માટે મહાપ્રસાદ રૂપી ભોજનની સેવા માટે જુનાગઢ શહેર, જુનાગઢ જીલ્લાના ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતિ સમાજના કાર્યકર્તાઓ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના દરેક સમાજના સ્વયંમસેવક, હરખની હેલી ચડી છે અને સૌ સાથે મળી ખંભે ખંભા મીલાવી અને કાર્યરત હોવાનું યાદીમાં જણાવાયુંછે.
શ્રી નરેન્દ્રબાપુએ જણાવેલ કે જુનાગઢના મહાશિવરાત્રી મહોત્સવ શ્રી આપાગીગાના ઓટલાનું અન્નક્ષેત્ર ધમધમવા લાગેલ છે સમગ્ર સમાજના લોકો માટે ધમધમતુ થઇ ગયુ છે જેમાં સવારના સમયમાં દરેક લોકોને ચા-પાણી-નાસ્તો અને બપોરે અને સાંજે શુધ્ધ ઘીની બે મીઠાઈઓ, શુધ્ધ સિંગતેલમાં બનેલ બે શાક, ફરસાણ, દાળ, ભાત, શાક, ખીચડી, કઢી, વગેરેનો ભોજનરૂપી મહાપ્રસાદની વ્યવસ્થાઓ ભગવાન સદાશીવ, માં ભગવતી તેમજ માં બહુચરાજી, ભગવાન દ્વારકાધીશના આર્શીવાદથી અને અમારા પરમ સદગુરૂ દેવ શ્રી જીવરાજબાપુની પ્રેરણાથી ચાલુ થઈ જશે.
બુધવાર (મહાશિવરાત્રી) ના દિવસે સંપૂર્ણ દિવસ માટે સવારથી લઈ રાત્રી સુધી આખા દિવસ શિખંડ સાથે રાજગરાના લોટનો શીરો, સામાની ખીર, ફરાળી ખીચડી, સુકી ભાજી, રાજગરાના લોટની પુરી, કરાળી ચેવડો, ફરાળી કઢી, વિગેરે અનેક પ્રકારની ફરાળી આઇટમાં પણ આખો દિવસે પીરસવામાં આવશે. મહાશિવરાત્રી મહોત્સવના મહાપ્રસાદનો અનેરો મહીમા છે. મહોત્સવમાં આવતા તમામ ભાવીકોને સંપૂર્ણ વિનામુલ્યે મહાપ્રસાદ લેવા માટે જાહેર નિમંત્રણ અપાયું છે.
તા. ૨૨ શનિવારથી લઇ તા. ર૭ ગુરૂવાર સુધી દરરોજ રાત્રીના સમયે ખુબજ મોટા નામાંકિત કલાકારો દ્વારા વિડીયો પર એલ.ઈ.ડી. સ્ક્રીન દ્વારા રોજ રાત્રે ભજન અને લોક ડાયરાની જમાવટ થનાર છે. ભજન ભોજન અને ભકિતનો ત્રીવાણી સંગમ એટલે મહાશિવરાત્રીનો ભગવાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મેળાનો લાભ લેવા શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ ્દ્વારા જાહેર જનતા જોગ અપીલ કરી છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
