News of Saturday, 22nd February 2025
અકસ્માતો નિવારવા એકશન પ્લાન : હાઇવે ઉપર લેન ડ્રાઇવીંગ ઝૂંબેશ
પાયલ ગોટી કેસનો રિર્પોટ હજુ મને મળતો નથી : ડી.જી. વિકાસ સહાય : ભાવનગરમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ : ૧૮ ઉચ્ચ પોલીસ અધિકારી ઉપસ્થિત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૨ : ભાવનગર માં ગઈકાલે યોજાયેલ ક્રાઈમ કોન્ફરન્સમાં ગુજરાત પોલીસ મહાનિદેશક વિકાસ સહાય તથા ચાર પોલીસ કમિશનર, નવ આઈજી તેમજ પાંચ એડીજી હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ડીજીપી વિકાસ સહાય એ જણાવ્યું હતું કે અમરેલીના પાયલ ગોટી કેસનો રિપોર્ટ હજુ સુધી તેમને મળ્યો નથી અને રિપોર્ટ મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યમાં હાઈવે અકસ્માત નિવારવા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. આ પ્લાન મુજબ ગાડીઓ અને હેવી વાહનો માટે આજ થી ખાસ લેન ડ્રાઇવિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવશે .ડીજીપી સહાયે જણાવ્યું કે, આવતીકાલથી હાઇવે પર લેન ડ્રાઇવિંગ માટે વિશેષ ઝુંબેશ શરૂ થશે. આ ઝુંબેશ અંતર્ગત ટ્રક, ટેન્કર, બસ અને લક્ઝરી બસોના ડ્રાઇવિંગ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.
ભાવનગર ખાતે રાજ્યકક્ષાની ક્રાઈમ કોન્ફરન્સ મળી હતી. સાંજે પત્રકારો સાથે વાતચીત કરતા રાજ્યના DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે ચર્ચાઓના અંતે નક્કી કરવામાં આવ્યું હતું કે, હાઈવે ઉપર જે અકસ્માતો થાય છે, નેશનલ હાઈવે હોય કે સ્ટેટ હાઇવે હોય અકસ્માતો નિવારવા માટે કાલથી ખાસ ઝુંબેશ ચાલુ કરવામાં આવશે. જેમાં હાઇવે ઉપર ચાલતી ગાડીઓ ખાસ કરીને હેવી વાહનો જેવા કે ટ્રક, ટેન્કરો, બસો, લક્ઝરી બસો છે તે માટે લેન ડ્રાઇવિંગ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આનો રોડ મેપ બનાવવામાં આવ્યો છે. ટૂંક સમયમાં ‘‘હેવી વિહિકલ્સ ઓન હાઇવે'' ઉપર એક સિસ્ટમેટિકથી લેન ડ્રાઇવિંગ ચાલુ થાય તો રોડના અકસ્માતો પર અંકુશ લાવી શકાશે.
વધુમાં જણાવ્યું કે, મહિલા સુરક્ષા માટે રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમની રચના કરવામાં આવી છે. આ સી ટીમ મહિલાઓ, બાળક અને સિનિયર સિટીઝન ત્રણેયના વિષયનું ધ્યાન રાખીને કામગીરી કરે છે. એક મહિના પહેલા ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર પણ ચાલુ કરવામાં આવ્યું છે. એ સાંત્વના કેન્દ્રમાં મહિલાઓના પ્રશ્નો, બાળકોના પ્રશ્નો તથા સિનિયર સિટીઝનના પ્રશ્નો પોલીસ તરફથી સંવેદનશીલતા દાખવીને ઉકેલવામાં આવી રહ્યા છે. તાજેતરના બજેટમાં રાજ્ય સરકારે આ માટે જોગવાઈ કરી છે. મરીન કોસ્ટ ગાર્ડ, ઇન્ડિયન નેવી અને કસ્ટમ વિભાગની મદદથી દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવશે.
અમરેલીના ચકચારી પાયલ ગોટી અંગે પૂછતા DGP વિકાસ સહાય એ કહ્યું હતું કે તપાસનો રિપોર્ટ હજુ સુધી મારી પાસે આવ્યો નથી. તપાસનો રિપોર્ટ આવશે એટલે એના ઉપર ચોક્કસ કામગીરી કરવામાં આવશે. ક્રાઈમ કોન્ફરન્સમાં ડીજીપી સહિત ઉચ્ચ કેડરના આ ૧૯ પોલીસ અધિકારીઓની હાજરી આપી હતી જેમાં વિકાસ સહાય-ગાંધીનગર, નરસીહા કોમર - વડોદરા શહેર, ડો. એસ.પાંડિયન રાજકુમાર - લો & ઓર્ડર, અનુપમ સિંગ ગેહલોત - સુરત શહેર, ખુરશીદ અહેમદ - P & M, અમિત કુમાર વિશ્વકર્મા - A.T.S. & કોસ્ટલ, બ્રિજેશ કુમાર ઝા- રાજકોટ શહેર,જે.આર. મોથલીયા-અમદાવાદ ગ્રામ્ય, અશોક કુમાર યાદવ-રાજકોટ, સંદિપસીંગ-વડોદરા ગ્રામ્ય, ગૌત્તમ પરમાર-ભાવનગર, પ્રેમવીરસીંગ-સુરત ગ્રામ્ય, ચિરાગ કોરડિયા - બોર્ડર, નિલેશ જાજડિયા-જુનાગઢ, શરદ સિંઘલ-અમદાવાદ શહેર, આર.વી.અસારી -પંચમહાલ, પરિક્ષીતા રાઠોડ- C.I.D. ક્રાઈમ & રેલ્વેઝ, વિરેન્દ્રસિંગ યાદવ- ગાંધીનગર, રૂપલ સોલંકી- સ્ટાફ ઓફિસર નો સમાવેશ થાય છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
