News of Monday, 24th February 2025
લાઠી પાસે વાહન અકસ્માતમાં પિતા-પુત્રી-ભાણેજના મોત
ફઇની દિકરીના લગ્ન પ્રસંગમાં જતી વખતે બનાવઃ લાઠીના ૪૦ વર્ષિય વિજયભાઇ પરમારનું ઘટના સ્થળે, ૧૫ વર્ષની દિકરી શ્રધ્ધાનું બાબરા હોસ્પિટલમાં અને ૮ વર્ષની ભાણેજ કૃપાલીનું રાજકોટમાં મૃત્યુ : ટુવ્હીલરમાં ત્રણ સવારીમાં જતી વખતે માલવાહક વાહન કાળ બન્યું: પરમાર-નાગડુકીયા અને સોલંકી પરિવારજનોમાં શોકની કાલીમા:દિકરી-ભાણેજ સાથે કાળનો કોળીયો બનેલા વિજયભાઇ પરમાર-નાગડુકીયા પાંચ બહેનના એકના એક ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતાં કૃપાલી ત્રણ ભાઇની એકની એક બહેન

તસ્વીરમાં કાળમુખુ માલવાહક વાહન, ઠોકરે ચડેલુ બાઇક, કાળનો કોળીયો બનેલા વિજયભાઇ, તેમની દિકરી શ્રધ્ધા, ભાણેજ કૃપાલીના ફાઇલ ફોટો તથા કૃપાલીનો નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે.
રાજકોટ તા. ૨૪: લાઠીના બાબરા નજીક જામ બરવાળા નજીક ગલકોટડી ખાખરીયા ગામની ચોકડી પાસે બાઇકને ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં માલવાહક વાહને ટ્રીપલ સવારીવાળા બાઇકને ઉલાળી દેતાં બાઇકચાલક લાઠીના યુવાનનું ઘટના સ્થળે જ મોત થયુ હતું. જ્યારે તેની દિકરીનું બાબરા હોસ્પિટલમાં અને ભાણેજનું રાજકોટ હોસ્પિટલમાં મૃત્યુ થતાં પરિવારોમાં કલ્પાંત સર્જાયો હતો. યુવાન તેની દિકરી અને ભાણેજને લઇને લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા ત્યારે આ બનાવ બન્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર લાઠીમાં લીમડા હનુમાન શેરીમાં રહેતાં વિજયભાઇ વલ્લભભાઇ પરમાર-નાગડુકીયા (ઉ.વ.૪૦) ગઇકાલે પોતાના બાઇકમાં દિકરી શ્રધ્ધા (ઉ.વ.૧૫) અને લાઠી થડાવડ પ્લોટમાં રહેતી ભાણેજ કૃપાલી નરેશભાઇ સોલંકી (ઉ.વ.૮)ને બેસાડીને ખાખરીયા ગામે ફઇની દિકરીના લગ્નમાં હાજરી આપવા રવાના થયા હતાં. દરમિયાન ખાખરીયા ચોકડી નજીક પહોંચ્યા ત્યારે માલવાહક વાહનના ચાલકે બાઇકને ઉલાળી દેતાં ગંભીર ઇજા થતાં વિજયભાઇનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું.
જ્યારે તેમની દિકરી શ્રધ્ધા વિજયભાઇ પરમાર (ઉ.વ.૧૫)ને વધુ સારવાર માટે બાબરા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં તેણીએ દમ તોડી દીધો હતો. જ્યારે ભાણેજ કૃપાલી નરેશભાઇ સોલંકી (ઉ.વ.૮)ને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. અહિ સવારે તેણીનું પણ મોત થયુ઼ હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ લાઠી પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર વિજયભાઇ પરમાર પાંચ બહેનના એકના એક વચેટ ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતાં. તે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. બનાવથી ત્રણ સંતાન પિતા વિહોણા થયા છે, જ્યારે દિકરીનું તેમની સાથે જ મૃત્યુ થયું છે. આ દિકરી શ્રધ્ધા ધોરણ-૯માં ભણતી હતી.
જ્યારે વિજયભાઇની ભાણેજ કૃપાલી ત્રણ ભાઇની એકની એક બહેન હતી. તેના પિતા નરેશભાઇ ધીરૂભાઇ સોલંકી ફ્રુટની લારી કાઢી ગુજરાન ચલાવે છે. આ બનાવથી પરમાર-સોલંકી પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે. પોલીસે માલવાહક વાહનના ચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
