<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

મહાશિવરાત્રી મેળાનો આજે ત્રીજો દિવસ, ભક્‍તિ, ભજન અને ભોજનનો દિવ્‍ય સંગમ

તંત્ર દ્વારા મેળાને લઇ અર્થશાષા અને સમાજશાષાના ૨૫ વિદ્યાર્થીઓ મારફત સર્વેઃ બુધવારે ભવ્‍ય રવેડી સાથે વિરામ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૨૪: ભવનાથ ખાતે શનિવારથી શરૂ થયેલા મહાશિવરાત્રી મેળાનો આજે ત્રીજો દિવસ છે. જેના પગલે ગિરનાર તળેટીમાં ભજન ભક્‍તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ રચાયો છે.

પાંચ દિવસનો શિવરાત્રી મેળો બુધવારે પૂર્ણ થશે. પરંતુ આ વખતે મેળામાં પ્રથમ દિવસથી સાધુઓ અને ભાવિકોની પાંચથી હાજરી રહી છે. રવિવારે બીજા દિવસે જુનાગઢવાસીઓ મેળામાં જોવા મળ્‍યા હતા. દર વર્ષે મોટાભાગે પ્રથમ દિવસથી જ મહાશિવરાત્રી મેળામાં મોટી સંખ્‍યામાં લોકો અને સાધુ સંતો ઉમટી પડતા હોય છે. પરંતુ આ વખતે શિવરાત્રી મેળાની સાથે કુંભનો મેળો પણ ચાલી રહ્યો છે. જેની અસર ભવનાથના શિવરાત્રી મેળા પર થઈ હોય તેમ દર વર્ષની સરખામણીએ જેટલા સાધુ સંતો હોય તેટલા નથી અને લોકોની ભીડ પણ ઓછી છે.

અનેક સાધુ સંતો પ્રયાગરાજ કુંભમેળામાં રોકાઈ ગયા હોય અને કુંભમાં સંતોના દર્શન કરી લીધા હોવાથી ભવનાથમાં શ્રદ્ધાળુઓની સંખ્‍યામાં ઘટાડો નોંધાયો હોવાનું મનાય રહ્યું છે.

શિવરાત્રી મેળામાં આ વર્ષે સંતો અને શ્રદ્ધાળુઓની પાંખી હાજરી હોવાથી જૂનાગઢના અર્થતંત્ર પર પણ અસર થવાની શકયતા નકારી શકાતી નથી. દર વર્ષે મેળામાં રીક્ષા ચાલકો ગેસ્‍ટ હાઉસ, લોજ, હોટલ, ખાનગી બસ સહિતના વાહનો, એસટી નિગમ વગેરેની આવક ઘટવાની શકયતા જોવા મળી રહી છે.

બુધવારે શિવરાત્રીના રોજ મધ્‍યરાત્રીએ મેળો પૂર્ણ થશે. આ દિવસે મોડી સાંજે સાધુ સંતોની રવેડી નીકળશે.

 ભવનાથના વિવિધ માર્ગો પર થઈને રવેડી ભવનાથ મંદિર ખાતે પહોંચવું છે જ્‍યાં સંતો મળગી કુંડમાં તાાન કરી ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરશે. આમ મેળો પૂર્ણ થવાને આડે માત્ર બે દિવસ બાકી છે. તેથી મંગળ અને બુધવારે મેળામાં ભીડ થવાની શકયતા જોવાઈ રહી છે.

દરમિયાન આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી તથા ભક્‍ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના અર્થશાષા અને સમાજશાષાના ૨૫ વિદ્યાર્થીઓ મારફત એક સર્વે હાથ ધરવામાં આવ્‍યો છે. આ વિદ્યાર્થીઓ મેળામાં આવતા લોકો સ્‍થાનિક વેપારીઓ પાસેથી મેળા સંદર્ભે સંશોધન કરીને એક અહેવાલ આપશે જેના પરથી તંત્ર દ્વારા મહાશિવરાત્રી મેળામાં સુવિધા વધુ સુદ્રઢ કરવા ભાવિ રણનીતિ ઘડવામાં આવશે.(૬.૬)

(10:58 AM IST)