<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

બેટીના પાટીયે કૂવામાંથી મળી બાળકની લાશ

આશરે ૩ વર્ષના બાળકને કોણે કૂવામાં ફેંક્‍યું? કોનું સંતાન? હત્‍યા કરી લાશ ફેંકાઇ કે જીવતો જ ફેંકી દેવાયો કે અકસ્‍માતે પડી ગયો? ગળાટૂંપાથી મોત નથી થયું, શરીરે ઇજા પણ નથી : બેટી-રામપરા પાટીયે ભારત બેન્‍જ કંપની સામે જયેશભાઇ બાંભણીયાની વાડીના કૂવામાંથી મૃતદેહ મળતાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમઃ આસપાસના મજૂરોની પુછતાછઃ એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ આઇ. એન. સાવલીયા, પીએસઆઇ એસ. એસ. જાડેજા અને ટીમે : આદર્યો તપાસનો ધમધમાટતસ્‍વીરમાં દેખાતા બાળકના કોઇ વાલીવારસ હોય તો મો.૯૯૭૮૮ ૨૨૯૮૯ અથવા ૯૬૨૪૨ ૬૭૮૭૬ ઉપર સંપર્ક કરવો

તસ્‍વીરમાં ઘટના સ્‍થળે કૂવામાં તરતો બાળકનો મૃતદેહ, બહાર કાઢવા તજવીજ કરી રહેલા ફાયર બ્રિગેડના જવાનો અને બાળકનો મૃતદેહ જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૪: કુવાડવાથી આગળ બેટી રામપરા ગામના પાટીયા પાસે વાડીના કૂવામાંથી આશરે ૩ વર્ષના બાળકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. આશરે બે કે ત્રણ દિવસ પહેલા બાળકનું મોત થયાનું લાશને જોતા જણાયું છે. ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવાતાં મોત ડૂબી જવાથી થયાની પ્રાથમિક શક્‍યતા જણાવાઇ છે. જો કે ચોક્કસ કારણ એફએસએલના રિપોર્ટ બાદ આવશે. આ બાળકનું મોત ગળાટૂંપાથી કે શ્વાસ રૂંધાવાથી થયું નથી, શરીર પર ઇજા પણ નથી. ત્‍યારે કોઇએ જીવતા જ તેને ફેંકી દીધું? રમતાં રમતાં પડી ગયું? કે પછી કોઇપણ રીતે હત્‍યા બાદ કૂવામાં લાશ નાંખી દેવાઇ? આ સહિતના સવાલોએ ભેદભરમ ઉભા કર્યા હોઇ બાળકની ઓળખ મેળવવા અને ભેદ ઉકેલવા પોલીસની ટીમો કામે લાગી છે.

પ્રાપ્‍ત માહિતી અનુસાર બેટી રામપરાના પાટીયા નજીક ભારત બેન્‍જ કંપનીના શો રૂમ સામે જયેશભાઇ બાંભણીયાની વાડીના કૂવામાં એક બાળકનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડ, ૧૦૮ની ટીમ અને એરપોર્ટ પોલીસની ટીમોએ પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. બાળકનો મૃતદેહ બહાર કાઢીને જોતાં આશરે ૩ થી ૪ વર્ષની ઉમર જણાઇ આવી હતી. તેમજ મૃત્‍યુ આશરે બે દિવસ પહેલા થયાનો અંદાજ મૃતદેહને જોતાં લગાવાયો હતો. આ બાળકે દુધીયા જેવા કલરનું ટી-શર્ટ, કાળા કલરની ચડ્ડી પહેર્યા છે. તેમજ બંને હાથમાં કાળા કલરની કડલી પહેરેલી છે.

મૃતદેહનું રાજકોટ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવાયું છે. હાલ બાળકના મોતનું ચોક્કસ કારણ બહાર આવ્‍યું નથી. પરંતુ ડુબી જતાં મૃત્‍યુ થયાનું કહી શકાય. બાળકને ગળાટુંપો અપાયો કે શ્વાસ રૂંધાયો હોય તેવુ પણ પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું નથી. તેમજ શરીર પર ઇજા પણ મળી આવી નથી. ત્‍યારે આ બાળકનું મોત કઇ રીતે થયું ? બાળક કોનું છે? આ સહિતના સવાલોએ રહસ્‍યના આટાપાટા સર્જી દીધા છે. પીઆઇ આઇ. એન. સાવલીયા અને પીએસઆઇ એસ. એસ. જાડેજાએ ટીમો બનાવી બાળકની ઓળખ મેળવવા તપાસ આદરી છે. આસપાસના પંથકમાં, ગામોમાં બાળકના ફોટા સાથેની વિગતો મારફત તેની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે અને મજૂરોની પુછતાછ શરૂ કરી છે. તસ્‍વીરમાં દેખાતા બાળકના કોઇ વાલીવારસ, પરિચીત હોય તો પીઆઇ આઇ. એન. સાવલીયા (મો. ૯૯૭૮૮ ૨૨૯૮૯) અથવા પીએસઆઇ એસ. એસ. જાડેજા (મો. ૯૬૨૪૨ ૬૭૮૭૬) ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (૧૪.૬)

(2:58 PM IST)