તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th February 2025
જેતપુર-રાજકોટ સિક્સલેન કામ ગોકળગાય ગતિએ ચાલતું હોવાની ફરિયાદ ઉઠી
રાજ્યના પરિવહન મંત્રીએ યોગ્ય કરવા સૂચના આપી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ર૪: રાજકોટ સિક્સ લેન રોડનું કામ ખુબ ધીમી ગતિએ, યોગ્ય ડાયવર્ઝન વગર ચાલતું હોવાથી ઠેરઠેર દરરોજ બે થી ત્રણ કલાકનો ટ્રાફિકજામ સર્જાય છે. જેમાં એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ ફસાય જતા હોવાની ફરીયાદ મળતા આજે પરિવહન ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી અહીં આવેલ અને તેઓએ ફરીયાદના નિવારણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.
જેતપુર-રાજકોટ સિક્સ લેન રોડના કામનું અંદાજીત બે વર્ષથી ચાલુ છે. સિક્સ લેન જેવા રોડનું કામ ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર ચાલુ તો કરવામાં આવ્યું પરંતુ યોગ્ય પ્રકારના ડાયવર્ઝન વગર એને કારણે દરરોજ જેતપુરથી રાજકોટ વચ્ચે ઠેરઠેર બે થી ત્રણ કલાકનો ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે. દરરોજના ટ્રાફિકજામથી વાહન ચાલકોના સમય, ઇંધણ અને પૈસાનો વ્યય થાય છે. વાહન ચાલકોની આટઆટલી મુશ્કેલી છતાં કામ ઝડપથી કરવાને બદલે સાવ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. જેતપુરથી રાજકોટ ફોર લેન હતી ત્યારે દોઢ કલાકમાં પહોંચી જતા જ્યારે હાલ રસ્તામાં ટ્રાફિકજામ ન સર્જાય તો ત્રણ કલાક અને ટ્રાફિકજામ સર્જાય તો કલાક ગણવાની જ નહીં. અને આવા ટ્રાફિકજામમાં દર્દીઓને તાત્કાલિક સારવાર માટે લઈ જતી એમ્બ્યુલન્સ પણ દરરોજ ફસાય જાય છે. જેના કારણે દર્દીઓનો જીવ પણ જોખમમાં મુકાય જાય છે. વાહન ચાલકો આટલી મુશ્કેલી ભોગવે છે છતાંય નેશનલ હાઈ ઓથોરોટી જેતપુરથી રાજકોટ વચ્ચે બેબે જગ્યા વાહન ચાલકો પાસેથી મસમોટા ટોલ ટેક્ષ તો વસુલતા જ હોવાની ઉપરાંત અન્ય ફરીયાદના અનુસંધાને કેન્દ્રના પરિવહન ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી અજય ટમ્ટા આજે રાજકોટ આવ્યા હતાં.
પરિવહન મંત્રીએ વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ, દર્દીઓ સહિતની એમ્બ્યુલન્સ દરરોજ ફસાય જતી હોવા અંગે અધિકારીઓને સૂચના આપી દીધી હોવાનું જણાવ્યું હતું. પરિવહન મંત્રી તો આશ્વાસન આપીને છૂટી ગયા પરંતુ વાસ્તવમાં વાહન ચાલકોને આ દરરોજ પડતી મુશ્કેલીમાંથી મુક્તિ પડશે કે સમસ્યા યથાવત રહેશે તે આગામી સમય જ બતાવશે
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
