<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

ગિરનારની તપોભૂમિમાં ચારેકોર ગૂંજી રહી છે ‘‘કૈલાશ કે નિવાસી...''સ્‍તુતિ

પદ્મ શ્રી કવિ દાદ બાપુએ ૯૦ના દાયકામાં ગિરનારની ગોદમાં શિવરાત્રીએ ‘‘કૈલાશ કે નિવાસી'' સ્‍તુતિની અમર રચના કરી : પદ્મશ્રી દાદ બાપુના પુત્ર જીતુભાઈ દાદએ પિતાના સમર્થ લોક સાહિત્‍ય,કવિતા સર્જનના સંસ્‍મરણો વાગોળ્‍યા

 (વિનુ જોશી દ્વારા)જૂનાગઢ, તા.૨૪ :  ભવનાથ તીર્થક્ષેત્રમાં, મહાશિવરાત્રી મેળામાં સંત મહંતો, દિગંબર સંન્‍યાસીઓ અને ભાવિક ભક્‍તો શિવમય બન્‍યા છે. ભક્‍તજનો ભવ તારનાર ભવેશ્વરની ભક્‍તિ તન મન અને ધનથી કરી રહ્યા છે. ભવનાથ તીર્થમાં ભક્‍તિમય વાતાવરણ બન્‍યું છે. ગિરનારની તપોભૂમિમાં ચારેકોર ‘‘કૈલાશ કે નિવાસી, નમું બાર બાર હું'' પ્રસ્‍તુતિ ગૂંજી રહી છે.

પદ્મ શ્રી કવિ રતન સ્‍વ. દાદ બાપુ એટલે   દાદુદાન પ્રતાપદાન ગઢવી. તેમણે ગુજરાતના લોકસમાજને સમર્થ સાહિત્‍ય સર્જન ભેટમાં આપ્‍યું છે. તેમણે અનેક અમર કવિતાઓ, ગીત, સ્‍તુતી ભજનની રચનાઓ કરી હતી. જે આજે પણ ડાયરાઓમાં જીવંત રહી છે.

સ્‍વ. કવિ દાદબાપુના પુત્ર  લોકગાયક, યુવા કલાકાર શ્રી જીતુભાઇ દાદે પોતાના પિતાશ્રીએ કરેલ લોકસાહિત્‍ય સર્જન, કવિતાના સંસ્‍મરણો વાગોળ્‍યા હતા.

તેમણે જણાવ્‍યુ કે, મારા પિતાજી અહીં ગિરનારમાં ૯૦ના દાયકામાં શિવરાત્રી મેળામાં આવ્‍યા હતા. મેળાનું વાતાવરણ ભક્‍તિમય હતું. તેમને એકાએક પ્રેરણા મળી અને ગિરનારની ગોદમાં શિવરાત્રીએ જ ‘‘કૈલાશ કે નિવાસી'' અમર સ્‍તુતિની રચના કરીને તેમણે ભગવાન ભવનાથના શ્રી ચરણમાં અર્પણ કરી હતી. જાણીતા સમર્થ ભજનીક શ્રી નારાયણ સ્‍વામીએ એ સમયે કંઠ આપીને આ રચનાને અમર કરી હતી.આજે પણ આ સ્‍તુતિનું લોકકંઠે અને ડાયરાઓમાં લોકો ભાવથી ભજન કરે છે. 

  લોક સાહિત્‍ય સર્જન માટે સ્‍વ.કવિ દાદબાપુને ગુજરાત ગૌરવ અને ઝવેરચંદ મેઘાણી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્‍યા હતા. પદ્મ શ્રી સન્‍માન અર્પણ કરીને ભારત સરકારે તેમનું બહુમાન કર્યું હતુ. કવિ દાદબાપુ સમળદ્ધ લોક સાહિત્‍ય, કવિતા સહિતની રચનાઓ થકી અમર બની ગયા છે.

(2:24 PM IST)