<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

કચ્છમાં હીટ એન્ડ રનનો માતમ ત્રણ મોત: મુન્દ્રામાં બે યુવાનો, ભુજ પાસે મહિલાએ જીવ ગુમાવ્યો

કેરાના અકસ્માતનો મૃત્યુ આંક ૭ ઉપર પહોંચ્યો, ખખડેલા રસ્તા અને ટ્રાફિક નિયમન સામે લોકોની ફટકાર, નઘરોળ તંત્ર સામે સરકાર લાચાર?

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ : કચ્છમાં રાષ્ટ્રપતિની મુલાકાત પહેલા એક બાજુ રોડ રોડ રસ્તા ઉપર ઝડપભેર સુધારાઈ રહ્યા છે અને પોલીસ બંદોબસ્ત વધી રહ્યો છે બીજી બાજુ ટ્રાફિક નિયમનનો ઉલાળિયો કરી ચાલતા વાહનો અને ખખડધજ રસ્તાઓ નિર્દોષ પ્રવાસીઓ તેમ જ વાહનચાલકોની જિંદગીનો ભોગ લઈ રહ્યા છે. ચાર દિવસ પહેલા ભુજના કેરા ગામે ખાનગી લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ આંક ૭ ઉપર પહોંચ્યો છે. તેની શાહી સુકાય તે પહેલાં જ હીટ એન્ડ રન એ સર્જેલા બે અકસ્માતોએ વધુ ત્રણ માનવ જિંદગીનો ભોગ લીધો છે. ભુજના માનકુવા ગામે ટ્રકે એક્ટિવા ને હડફેટે લેતા દંપતિ ખંડિત થયું હતું. એક્ટિવા પાછળ બેઠેલા મંગળાબેન માધવગીરી ગોસ્વામીનું કરૂણ મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં મુન્દ્રાના રાશાપીર સર્કલ પાસે અજાણ્યા વાહનચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક ઉપર સવાર ૨૪ વર્ષીય બે યુવાનો સુરેશ હીરજી કોળી અને વિશાલ માંગલિયા ના અરેરાટીભર્યા મોત નિપજ્યા હતા. ખખડધજ રસ્તાઓ અને ભારે તેમ જ અતિભારે વાહનો સામે ટ્રાફિક નિયમનના અભાવ સામે ઉદાસીન નઘરોળ તંત્ર અને સરકારની લાચારી સામે લોકોમાં ભારે રોષ છે.

(9:43 AM IST)