News of Tuesday, 25th February 2025
જામનગરમાં ભગવાન શિવજીને આહવાન કરવા માટે શિવ ભક્તો દ્વારા 'ભક્તિ ફેરી' યોજાઈ
પંચેશ્વર ટાવર ચોકમાં શિવ ભક્તોની હાજરીમાં ભગવા ધ્વજનું ધ્વજારોહણ કરાયું : હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ ચતુર્ભુદાસજી મહારાજની અધ્યક્ષતામાં શિવ શોભાયાત્રાને આખરી ઓપ આપવા માટેની અંતિમ બેઠક યોજાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૫ : જામનગર શહેરમાં શોભાયાત્રાના આયોજન અર્થે ગઈકાલે રાત્રે યોજાયેલી શિવ ભક્તોની અંતિમ બેઠક બાદ પંચેશ્વર ટાવરથી ભીડભંજન મહાદેવ મંદિર સુધીની ભક્તિ ફેરી યોજાઈ હતી.
જેમાં મહાદેવ હર મિત્ર મંડળ ના પ્રમુખ રાજુભાઈ વ્યાસ ની આગેવાની શહેરના વિવિધ જ્ઞાતિ- સંગઠન- મંડળ- સંસ્થાના કાર્યકરો સહિતના શિવભક્તોની હાજરીમાં ભક્તિફેરી યોજાઇ હતી.
હર હર મહાદેવના નાદ સાથે અને ભગવા ધ્વજ સાથે ભક્તિ ફેરીમાં અનેક શિવભક્તો પગપાળા ચાલીને ભીડભંજન મહાદેવના મંદિરે પહોંચ્યા હતા, જ્યાં મંદિરે દર્શન કરીને ફરીથી હર હર મહાદેવ નાદ સાથે વાજતે ગાજતે પંચેશ્વર ટાવરે પરત ફર્યા હતા.
જ્યાં પંચેશ્વર ચોકમાં વિશાળ કદના ભગવા ધ્વજનું શિવભક્તો દ્વારા ધ્વજારોહણ કરાયું હતું, અને સર્વે શિવભક્તો પર પુષ્પવૃષ્ટિ કરાઈ હતી.
આ વેળાએ મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ વ્યાસ તેમજ જુદી જુદી સંસ્થાના આગેવાનો, કારહકરો, શિવ શોભાયાત્રા ના કન્વીનર ધવલભાઈ નાખવા, સહ કન્વીનર વ્યોમેશભાઈ લાલ અને ભાર્ગવભાઈ પંડ્યા, ઉપરાંત જીટીપીએલના જયેશભાઈ રૂપારેલીયા સહિતના આગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શિવ શોભાયાત્રા ના સંચાલન માટે ની સંકલન સમિતિના કન્વીનર તેમજ સહ કન્વીનર ની નિયુક્તિ
જામનગરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે મહાશિવરાત્રીના પાવનકારી પર્વે ૪૪મી શિવ શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આખરી ઓપ આપવા માટેની અંતિમ બેઠક ગઈકાલે હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ શ્રી ચતુર્ભુજદાસજી મહારાજ ની અધ્યક્ષતામાં શ્રી રામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં યોજાઇ હતી.
આ બેઠકમાં હિન્દુ ઉત્સવ સમિતિ સંચાલિત શહેરની જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ, અલગ અલગ જ્ઞાતિ- સંગઠન વગેરેના હોદ્દેદારો- કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને શિવ શોભાયાત્રા ના સંચાલન માટેની તમામ વ્યવસ્થાઓ ગોઠવાઇ હતી. જ્યારે શોભાયાત્રા નું સુચારુ સંચાલન થાય, તેના ભાગરૂપે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી શ્રી ચતુર્ભુદાસજી મહારાજ દ્વારા સર્વે શિવ ભક્તોને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.
આ વખતે ની ૪૪મી શિવ શોભાયાત્રા નું સંચાલન કરવા માટેના કન્વીનર અને સહ કન્વીનર ની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં કન્વીનર તરીકે ધવલભાઈ નાખવા તેમજ સહ કન્વીનર તરીકે વ્યોમેશભાઈ લાલ અને ભાર્ગવભાઈ પંડ્યાની નિયુક્તિ કરવામાં આવી હતી, અને સમિતિ ના અધ્યક્ષ ચતુર્ભુજદાસજી મહારાજ દ્વારા ત્રણેયને જવાબદારી સોપીને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા.
ત્યારબાદ શિવ શોભાયાત્રા માં જોડાનારા મંડળ ના નામોની યાદી તેમજ સ્થાનિક વિસ્તારમાં ભગવાન શિવજીની ઝાંખી ઉભી કરનારા તેમજ પ્રસાદ વિતરણ કરવા માટેના તમામ સ્થાનિક ફ્લોટ ધારકોની યાદીની જાહેરાત મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઇ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી.
શોભાયાત્રાની બેઠક મા ઉપસ્થિત થયેલા શિવભક્તો ને અમી છાંટણા રૂપે ગંગા સ્નાન
શોભાયાત્રા ના સંચાલન અને સંકલન માટે એકત્ર થયેલા તમામ શિવભક્તો કે જે માટે ખાસ પ્રયાગરાજ થી ત્રિવેણી સંગમ ના ગંગા યમુના અને સરસ્વતીનું જળ એકત્ર કરીને લાવવામાં આવ્યું હતું, અને સૌ પ્રથમ કોઠારી સ્વામી ચતુર્ભુદાસજી મહારાજ દ્વારા સર્વે શિવ ભક્તો પર અમી છાંટણાં કરીને જામનગર બેઠા ગંગાસ્નાન કરાવાયું હતું. ત્યારબાદ રાજુભાઈ વ્યાસ દ્વારા તમામ શિવ ભકતો પર ત્રિવેણી સંગમ ના જળ ના અમી છાંટણા કરીને ગંગા સ્નાન કરાવાયું હતું.
મહાશિવરાત્રીના પર્વે ભગવાન શિવજીની રજત મઢીત પાલખીની શિવભક્તો ની હાજરીમાં પ્રાસાદ પૂજા- આરતી કરાશે
છોટીકાશી ના ઉપનામથી પ્રચલીત એવા જામનગર શહેરમાં પ્રતિ વર્ષ મહાશિવરાત્રીના પર્વના દિવસે શિવ શોભાયાત્રા યોજાય છે. જે આ વખતે ૪૪મી શિવ શોભાયાત્રા યોજાઈ રહી છે.
ત્યારે જામનગર જિલ્લાના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ ના સહયોગથી બનાવાયેલી ચાંદીની પાલખી, જેમાં ભગવાન શિવજીનું આશુતોષ મહાદેવનું ચાંદીનું સ્વરૂપ બીરાજમાન કરાયું છે. જયારે પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમના પી.એ. રામશીભાઈ મારૂ દ્વારા વિશાળ કદનું ચાંદીનું છત્તર તૈયાર કરાવાયું છે.જે ભગવાન શિવજીની પાલખી ની પ્રસાદ પૂજા અને આરતી શિવરાત્રીના પર્વના દિવસે સવારે ૧૦.૦૦ વાગ્યે શ્રીરામદૂત હનુમાન મંદિરના પ્રાંગણ માં યોજાશે.
આ પૂજા વિધિમાં શહેરના કેટલાક અગ્રણી દંપતિઓ જોડાશે, અને શાસ્ત્રોકત વિધિથી પૂજા તેમજ આરતી કરવામાં આવશે, ત્યારબાદ ભગવાન શિવજી ની પાલખી નગરભ્રમણ માટે પ્રસ્થાન થશે. અને સિધ્ધનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા બાદ ત્યાંથી શિવ શોભાયાત્રા યોજાશે.
જે પૂજા- આરતીના કાર્યક્રમોમાં નગરના શિવભક્તોએ જોડાવા માટે મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ વ્યાસ દ્વારા અનુરોધ કરાયો છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
