News of Thursday, 27th February 2025
પડધરીમાં આંગડીયા પેઢીના કર્મચારીના ૬.૯૦ લાખની રોકડ સાથેના સ્કુટરની ઉઠાંતરી
કર્મચારી શકીલ દલ રિચાર્જ કરાવવા જતા ગઠીયો રોકડ સાથેનું સ્કુટર લઇ છનનઃ સીસીટી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ર૭ :.. પડધરીમાં આંગડીયા પેઢીના કર્મચારીના ૬.૯૦ લાખ સાથેનું સ્કુટર લઇ ગઠીયો છૂ... થઇ જતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી વિગતો મુજબ રાજકોટમાં રૈયા સર્કલ પાસે પ્રીનીટી ટાવરમાં રહેતા અને પડધરીમાં પી. એમ. આંગડીયા પેઢી ચલાવતા મુળ પડધરીના પરાગભાઇ ચંદ્રકાંતભાઇ ચગએ અજાણ્યા ઇસમ સામે પડધરી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ પેઢીમાં કામ કરતા શકીલ દલ રે. બાલાજી પાર્ક પડધરી સ્કુટરની ડેકીમાં ગ્રાહકોની રૂા. ૬.૯૦ લાખની રોકડ રાખી જતો હતો ત્યારે રસ્તામાં પડધરી મેઇન રોડ ઉપર આવેલી રજવી મોબાઇલ નામની દુકાને રીચાર્જ કરાવવા ગયો હતો અને સ્કુટરની ચાવી ભુલથી તેમાં રહી ગઇ હતી દુકાનદાર સાથે વાત કર્યા બાદ બહાર નીકળતા ત્યાં પાર્ક કરેલુ રોકડ રકમ ૬.૯૦ લાખ સાથેનું સ્કુટર લઇ ગઠીયો છનન થઇ ગયો હતો.
આ અંગે કર્મચારી શકીલ દલએ તેના શેઠને જાણ કરતા તેણે પોલીસને જાણ કરાતા પોલીસે સીસીટીવી કુટેજ ચેક કરતા કોઇ અજાણ્યો ગઠીયો સ્કુટર લઇને પડધરીના મોવીયા સર્કલ તરફ જતો કેદ થયો હતો. પડધરી પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો દાખલ કરી સીસીટીવી કુટેજ આધારે તપાસ હાથ ધરી છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
