તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 1st March 2025
ગોંડલ બાલાશ્રમમાં પાંચ દિકરીઓનાં કાલે શાહી ઠાઠમાઠ સાથે લગ્ન
અનેરો શણગાર કરાયો : દિકરીઓનું અનાથપણુ દુર કરી ગોંડલ માવતર બનશે : ધારાસભ્યનો પરીવાર કન્યાદાન આપશે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧: ગોંડલનાં ભગવતસિહ બાલાશ્રમ ખાતે પનાહ લઇ ઉછરેલી પાંચ દિકરીઓનાં લગ્ન રવિવારનાં શાહી ઠાઠમાઠ સાથે યોજાનાર છે. જેને લઇને મોટા પુલથી બાલાશ્રમ રોડ અને બાલાશ્રમને રોશની અને આકર્ષક કમાનોથી શણગાર કરાયો છે.
રાજાશાહી સમયનાં કાઠિયાવાડનાં પ્રથમ કહી શકાય તેવા બાલાશ્રમની મહારાણી નંદકુવરબા એ સને ૧૯૦૩માં સ્થાપના કરી હતી. નિરાધાર,અનાથ બાળકોનાં ભરણપોષણ, શિક્ષણ અને કેળવણીનાં હેતુથી બાલાશ્રમ ગળહની સ્થાપના કરાઇ હતી.
રજવાડાનાં વિલિનીકરણ અને આઝાદી બાદ નગરપાલિકા બાલાશ્રમનું સંચાલન કરી રહી છે.ત્યારે દિકરીઓનાં લગ્ન માટે નગરપાલિકા તથા ધારાસભ્ય ગીતાબા જાડેજાએ કોઈ કસર છોડી નથી. કરીયાવરથી લઇને વ્યવસ્થામાં કોઇ કચાશ રખાઇ નથી.
દિકરીઓને કરીયાવરમાં સોનાનાં સેટ,કડલા, બંગડી સહિત આભુષણો,ચાંદીનાં સેટ ઉપરાંત ટીવી, ફ્રીજ, એસી.,વોશિંગમશીન,ઘરઘંટી,કબાટ, પલંગ,સોફાસેટ સહિત ઘરવખરીની ૨૫૧ થી વધુ ચીજવસ્તુઓ એકત્રીત થઇ હોય ગોંડલની દાતારીને વંદન કરી લગ્નોત્સવનાં આયોજકો પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા, પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક તથા અશોકભાઈ પીપળીયાએ દાતાઓને હવે કોઇ પણ વસ્તુ નહી આપવા અપીલ કરવી પડી છે. નોંધનિય વાત એ ગણાય કે શ્રમજીવી પરીવારની નાની બાળા ટ્વિંકલે તેનાં ગલ્લાને તોડી નિકળેલી રકમમાંથી પાંચેય દિકરીઓને સોનાની ચુંક ભેટમાં આપી છે.
લગ્નોત્સવમાં દિકરીઓને માતાપિતા અને પરિવારની ખોટ ના દેખાય તે હેતુથી નગરપાલિકાનાં સદસ્યો અને સમસ્ત ગોંડલ માવતર બની વ્હાલ વરસાવશે,જયરાજસિહ જાડેજાનો પરિવાર દિકરીઓને કન્યાદાન આપી વિદાય આપશે.
બાલાશ્રમ ખાતે આજે રાત્રે ઓર્કેસ્ટ્રાની સુરાવલીઓ સાથે દાંડીયારાસની રંગત જામશે.
લગ્નોત્સવની વ્યવસ્થા જાળવી રહેલા આયોજનનાં માસ્ટર ગણાતા અશોકભાઈ પીપળીયા,ગણેશભાઈ જાડેજા, ડો.નૈમિશભાઈ ધડુક તથા મનસુખભાઈ સખીયા તથા બાલાશ્રમ ચેરમેન અનિતાબેન રાજ્યગુરુની દેખરેખ હેઠળ લગ્નોત્સવને દિપાવવા તૈયારીઓ ચાલી રહી છે.
જાનનાં સામૈયા માંડવીચોક ટાઉનહોલ થી દબદબાભેર થશે.
લગ્નને લઈને અંદાજે દશ હજાર લોકોનું જમણવાર યોજાયુ છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
