News of Monday, 3rd March 2025
ગોંડલ યાર્ડ ખાતે જામવાડી સહકારી મંડળીના નેજા હેઠળ નાફેડની ટેકાના ભાવથી તુવેરની ખરીદી શરૂ :4500 ખેડૂતોએ નોંધણી કરાવી
જામવાડી ખરીદ કેન્દ્રના પ્રમુખ વિનુભાઈ મોણપરાએ શ્રીફળ ચઢાવીને ખરીદી શરૂ કરી

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે, જામવાડી સહકારી મંડળીના નેજા હેઠળ, નાફેડે ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરી છે. તાલુકાના કુલ 4500 ખેડૂતોએ નોંધણી કરાવી છે. પહેલા દિવસે 100 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 20 ખેડૂતો હાજર હતા. દેરડી (કુંભાજી) ગામના અરવિંદભાઈ નરોડિયા કેન્દ્રમાં આવનારા પહેલા ખેડૂત હતા. તેમને કુમકુમ તિલક અને હારતોરાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જામવાડી ખરીદ કેન્દ્રના પ્રમુખ વિનુભાઈ મોણપરાએ શ્રીફળ ચઢાવીને ખરીદી શરૂ કરી હતી.
યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાના જણાવ્યા મુજબ દરેક ખેડૂત પાસેથી 200 મણ સુધી તુવેર ખરીદવામાં આવશે. તેમણે સરકારનો આભાર માન્યો કે જ્યારે બજારમાં ભાવ નબળા હોય છે, ત્યારે સરકાર ખેડૂતોની પડખે ઉભી રહે છે. તેમણે ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ઉદાહરણ આપ્યું, જ્યાં સરકારે 900-1000 રૂપિયામાં વેચાતી મગફળી વધુ ભાવે ખરીદી હતી.
મોવિયા ગામથી તુવેર લાવનારા ખેડૂત બ્રિજેશભાઈ ખુંટે જણાવ્યું હતું કે આજથી સરકારે 1510 રૂપિયાના ટેકાના ભાવે તુવેર ખરીદવા બદલ સંતોષ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે ભાવ સારા છે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
