<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

કચ્છ પોલીસ અને આટકોટનું ગૌરવ: કિંજલબેન ખોખરીયાએ લિફ્ટિંગમાં બે ગોલ્ડ તથા બે સિલ્વર મેડલ મેળવ્યા

સુરત ખાતે યોજાયેલ ઓપન એશિયા પાવર લીફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 મા મહિલા પોલીસનું ઉત્કૃષ્ટ પ્રદર્શન:અગાઉ પણ અનેક મેડલો મેળવી ચૂક્યા છે

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.4 :  મૂળ આટકોટના અને હાલ કચ્છ પોલીસમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કિંજલબેને તાજેતરમાં સુરત ખાતે યોજાયેલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ અને બે સિલ્વર મેડલ મેળવી કચ્છ પોલીસ અને આટકોટનું ગૌરવ વધાર્યું છે.

આટકોટના ખેડૂત પરિવારની દીકરી કિંજલબેન નારણભાઈ ખોખરીયા પહેલેથી જ કંઈક કરી છૂટવાની ભાવના અને દ્રઢ મનોબળ સાથે પોલીસમાં ભરતી થવા તનતોડ મહેનત કરી પોલીસ વિભાઞમાં જોડાયા હતા.

હાલ ગાંધીધામ ખાતે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કિંજલબેન ખોખરીયાએ તાજેતરમાં સુરત ખાતે યોજાયેલ એશિયા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 ઇન્ટરનેશનલ સ્પર્ધામાં બે ગોલ્ડ તથા બે સિલ્વર મેડલ મેળવી પોલીસ બેડાનું અને આટકોટનું નામ રોશન કર્યું છે. 

કિંજલબેન પાવર લિફ્ટિંગ ગેમ્સમાં સ્ટેટ તથા નેશનલ લેવલે અગાઉ યોજાયેલ સ્પર્ધામાં અનેક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા આયોજિત પોલીસ પરિવારની સ્પર્ધામાં 100 મીટર અને 200 મીટર દોડ,ગોળા ફેક,ચક્ર ફેક માં પણ અનેક ગોલ્ડ મેડલ મેળવેલ છે તેમજ બેસ્ટ એથલેટ નો એવોર્ડ છ વખત મેળવેલ છે જેમાં મહારાષ્ટ્ર દિલ્હી કર્ણાટક હરિયાણા બેંગ્લોર જેવા રાજ્યોમાં ભાગ લઈ અને મેડલ પ્રાપ્ત કરેલ છે. 

કિંજલબેન જણાવ્યું હતું કે ભવિષ્યમાં હજુ વિશ્વ લેવલે ભારતનું અને ગુજરાત પોલીસનું નામ રોશન કરવા હું સતત તનતોડ મહેનત કરું છું અને આઞળ ઉપર પણ મેડલો જીતવા પ્રયત્નો કરતી રહીશ.

(9:39 AM IST)