News of Tuesday, 4th March 2025
જસદણના બાખલવડમાં દિકરીની પજવણી કરનાર સુનિલને ટપારતાં વિનુભાઇ પર હુમલો
કરિયાણાના વેપારી વિનુભાઇની દિકરી લાયબ્રેરીથી ઘરે આવતી હતી ત્યારે રસ્તામાં સુનિલે ચાળા કર્યા હતાં: આ બાબતે ઠપકો આપતાં ખાર રાખી ભત્રીજાઓ સાથે મળી પાઇપથી તૂટી પડયો

રાજકોટ તા. ૪: જસદણના બાખલવડમાં રહેતાં અને પાન-મસાલા-કરીયાણાની દૂકાન ચલાવતાં આધેડ પર ગામના જ એક શખ્સે પોતાના ભત્રીજાઓ સાથે મળી લોખંડના પાઇપથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખતા સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
જાણવા મળ્યા મુજબ બાખલવડ રહેતાં વિનુભાઇ ભનાભાઇ ધોળકીયા (ઉ.વ.૪૮) સાંજે સાડા છએક વાગ્યે પોતાની પાન-મસાલા-કરિયાણાની દૂકાને હતાં ત્યારે ગામનો જ સુનિલ તેના ભત્રીજાઓ વિમલ સહિતની સાથે આવ્યો હતો અને અચાનક જ લોખંડના પાઇપથી આડેધડ માર મારતાં માથા શરીરે ઇજાઓ થઇ હતી. માથામાં ઘા લાગતાં વિનુભાઇ લોહીલુહાણ થઇ ગયા હતાં. દેકારો મચી જતાં બીજા લોકો ભેગા થઇ જતાં હુમલાખોર સુનિલ સહિતના ભાગી ગયા હતાં.
વિનુભાઇને સારવાર માટે જસદણ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમણે કહ્યું હતું કે મારી દિકરીએ કોલેજ પુરી કરી છે અને હવે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરે છે. તેણી લાયબ્રેરીમાંથી વાંચીને ઘરે આવતી હતી ત્યારે રસ્તામાં સુનિલે પજવણી કરી ચાળા કર્યા હતાં. આ બાબતે મેં તેને ઠપકો આપ્યો હોઇ તેનો ખાર રાખી હુમલો કરાયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ જસદણ પોલીસને જાણ કરી હતી.
વિરપુરમાં ઝૂપડામાં રહેતાં જીજ્ઞેશભાઇ પર પથ્થરમારો
વિરપુર જલારામમાં ધજાધાર પાસે ઝૂપડામાં રહેતાં અને છુટક મજૂરી કરતાં જીજ્ઞેશભાઇ મનજીભાઇ વડવી (ઉ.વ.૫૦) રાતે ઝૂપડે હતાં ત્યારે જુના ડખ્ખાનો ખાર રાખી પ્રકાશ, દશરથ, અનિલે ઝઘડો કરી મારકુટ કરી પથ્થરમારો કરી ઇજા કરતાં વિરપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિરપુર પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
