<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

દેશભરના ૧૨૦૦ સંતો-મહંતો દ્વારા સોમનાથમાં શિવરાત્રી યાત્રાનું સમાપન

 

પ્રભાસપાટણ તા.૩: ભારતભરમાંથી ગીરનાર શિવરાત્રી મેળામાં આવેલ સંતો-મહંતો અને અખાડાઓ મઠાધિપતિઓએ સોમનાથ મહાદેવ દર્શન કરી, સોરઠ ના તિર્થ સ્‍થાનો સાથે યાત્રા નુ સમાપન સોમનાથ ખાતે કરેલ હતું. ગિરનાર શિવરાત્રી મેળામાં થી ૧૦૦૦ થી ૧૨૦૦   જેટલા સંતોની પધરામણીથી સોમનાથમાં થતાં મીની કુંભનો માહોલ છવાયો હતો. ત્રિવેણી સંગમે સ્‍મશાનઘાટ ઉપર આવેલ મહાકાલી મંદિરે સંતો-મહંતોએ શિવરાત્રી યાત્રાની પૂર્ણાહુતિ કરી હતી

સોમનાથ પધારેલ સંતો એ સોમનાથ મહાદેવ મંદિરે ના દર્શન કર્યા હતા તથા મહાકાલી મંદિરના બ્રહ્મલીન મહંત તપસી બાપુના આશ્રમે ભોજન પ્રસાદનો મહાભંડારો યોજાયો હતો. ભોજનપ્રસાદ બાદ અહીંથી સૌ પોતપોતાના ભારતભરના આશ્રમોએ પ્રસ્‍થાન કર્યું હતું.

મહંત હર હર ગીરીજી અને મહંત હરી નારાયણ ગીરી એ જણાવ્‍યું કે જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળો પૂરો થયા બાદ જૂનાગઢથી વિવિધ અખાડાઓના તમામ સંતો સોરઠના તીર્થોના દર્શન કરી સોમનાથ પ્રતિવર્ષ આવે છે અને અહીં ભોજનપ્રસાદી ભંડારામાં ભાગ લઈ શિવરાત્રી યાત્રાનું સમાપન કરી સૌ પોતપોતાના રાજ્‍યના સ્‍થાનકોમાં જવા રવાના થાય છે.

પ્રતિ વર્ષ એક પરંપરા છે કે ગિરનારનો શિવરાત્રીનો મેળો પૂર્ણ થયા બાદ તે મેળામાં આવેલ ભારતભરના સંતો તુલશીશ્‍યામ, સતાધાર, બિલખા અને ગીર- કનકાઈ સહિતના તીર્થોની યાત્રા કરી અંતિમ પડાવ પ્રભાસપાટણના પવિત્ર ત્રિવેણી સંગમ-સ્‍મશાન ઘાટે આવેલ મહાકાલી મંદિર ખાતે કરે છે. આ ભોજન પ્રસાદી બાદ તેવો પોતાના આશ્રમે રવાના થાય છે

આ સંતોની સેવા માટે પ્રભાસપાટણ વેરાવળ ના સેવાભાવી લોકો મોટી સંખ્‍યામાં હાજરી આપે છે અને સંતોની સેવા તેમજ પ્રેમ થી ભોજન કરાવે તેમજ દાન દક્ષિણા પણ આપે છે

આ તકે હિન્‍દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુભાઇ કુહાડા, ખારવા સમાજ ના અધ્‍યક્ષ કિશોરભાઈ કુહાડા, રામેશ્વર એકસપોર્ટ ના માલિક રામજીભાઈ પીઠડ, સોશ્‍યલ મીડિયા ના ઈનચાર્જ પ્રકાશ માલમડી સહિત સેવા માટે પધારેલ લોકો એ સાધુ સંતો ના આશીર્વાદ મેળવવા હતા

(11:12 AM IST)