<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th March 2025

હડાળા-રતનપર વચ્‍ચે ‘હિટ એન્‍ડ રન': રાજકોટના પોસ્‍ટમેન મોરબી રહેતાં રાજેશભાઇ સુરાણીનું મોત

બાઇક પર નોકરીએ આવી રહ્યા હતાં ત્‍યારે કારચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ કોઠારીયાની પોસ્‍ટઓફિસમાં ફરજ બજાવતાં હતાં: બે પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ કુવાડવા પોલીસે કારચાલકની શોધ હાથ ધરી

રાજકોટ તા. ૪: મોરબી રોડ પર હડાળાથી રતનપર ગામ નજકી પેટ્રોલ પંપ પાસે હિટ એન્‍ડ રનની ઘટનામાં કોઠારીયાનો પોસ્‍ટઓફિસના પોસ્‍ટમેનનું મોત નિપજ્‍યું છે. તેઓ મોરબીમાં રહેતાં અને રાજકોટ ખાતે  નોકરી માટે અપડાઉન કરતાં હતાં.

જાણવા મળ્‍યા મુજબ મોરબીમાં કન્‍યા છાત્રાલય રોડ પર ધર્મવિજય સોસાયટી શિવમ્‌ હાઇટ્‍સમાં રહેતાં રાજેશભાઇ શીવલાલભાઇ સુરાણી (ઉ.વ.૫૪) ગઇકાલે પોતાનું હોન્‍ડાશાઇન બાઇક જીજે૦૩એફજે-૧૨૬૩ હકારીને મોરબીથી રાજકોટ તરફ આવી રહ્યા હતાં ત્‍યારે મોરબી રોડ હડાળાથી રતનપરગામ તરફના રસ્‍તે પેટ્રોલ પંપ નજીક અજાણી ફોરવ્‍હીલનો ચાલક તેમને બાઇક સહિત ઉલાળીને ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ ત્‍યાં તેમનું મૃત્‍યુ થયું હતું.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ હુદડે કરતાં કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના લક્ષ્મણભાઇ મહાજન સહિતે કાર્યવાહી કરી હતી. પોલીસે મૃત્‍યુ પામનાર રાજેશભાઇના પુત્ર મેહુલ રાજેશભાઇ સુરાણી (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી અજાણ્‍યા વાહનચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો.

રાજેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને રાજકોટના કોઠારીયાની પોસ્‍ટઓફિસમાં પોસ્‍ટમેન તરીકે નોકરી કરતાં હતાં. તેઓ બાઇક પર દરરોજ નોકરી માટે અપડાઉન કરતાં હતાં. ગઇકાલે રાજકોટના કોઠારીયામાં નોકરીએ આવવા નીકળ્‍યા ત્‍યારે આ બનાવ બન્‍યો હતો. તેમને સંતાનમાં બે પુત્ર છે. દિકરો એક્‍સપોર્ટ ઇમ્‍પોર્ટનું કામ કરે છે. મોભીના મોતથી સુરાણી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. પોલીસે મૃતક પાસેથી મળેલા આધારકાર્ડને આધારે તેમની ઓળખ મેળવી હતી. જીવલેણ અકસ્‍માત સર્જી ભાગી ગયેલા કારચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. (૧૪.૭)

(3:25 PM IST)