News of Tuesday, 4th March 2025
વિજ્ઞાન, આત્મજ્ઞાન અને સાહિત્ય એ જગતને ઘડ્યું છે : પૂ.મોરારીબાપુ
કાગધામ મજાદર ખાતે યોજાયો 24 મો કાગવંદના એવોર્ડ સમારોહ : કરજણના સ્વ. ભાઇલાલભાઈ કવિ વતી પુત્ર મહેન્દ્ર રાણપુરાને , લોકસાહિત્યના સ્ટેજ કલાકાર તરીકેનો એવોર્ડ કુવાદરના ધનરાજ રતનશી ગઢવી, ચારણી સાહિત્યના મર્મી તરીકેનો એવોર્ડ જૂનાગઢના અમુદાન ગઢવી, રાજસ્થાની ચારણ વિદ્વાનને એનાયત થતો કાગ એવૉર્ડ નાગોરના લક્ષ્મણદાસ કવિયાને અર્પણ

રાજકોટ તા.૪ : પદ્મશ્રી દુલાભાયા કાગની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે ફાગણ સુદ ચોથના પવિત્ર દિવસે તેમના પૈત્રિક વતન મજાદર ખાતે કાગવંદના એવોર્ડ સમારોહનું આયોજન પુ. મોરારીબાપુની પ્રેરણાથી છેલ્લા 24 વર્ષથી થઈ રહ્યું છે. આ વર્ષે આ સમારોહ એ 24મો એવોર્ડ સમારોહ હતો. પૂજ્ય કાગબાપુની 48મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના ખૂણે ખૂણેથી ચારણી સાહિત્યના મર્મીઓ અને રસિકોએ પોતાની ઉપસ્થિતિ દર્જ કરાવી હતી તથા કાગબાપુ પ્રત્યે પોતાની સમર્પિત ભાવનાથી અહોભાવ વ્યક્ત કર્યો હતો.
દર વર્ષે આ ઉત્સવમાં બપોરની બેઠકમાં "કાગને ફળિએ કાગની વાતું"એ શિર્ષકથી કાગબાપુના સાહિત્ય પર વિદ્વાન વક્તાઓની વાણીનો લાભ ઉપસ્થિત બૌદ્ધિકોને અને રસિકોને મળે છે.ચાલુ વર્ષે કાગવાણીની કવિતાએ વિષયના શિર્ષક સાથે કવિ વિનોદ જોશી એ કાગવાણીના સ્વરૂપો અને તેના અર્થ બોધને સ્પષ્ટ કરીને તેમાંથી નિષ્પન્ન થતી ભાવ સંવેદનાઓને સૌ સામે સુયોજિત રીતે પ્રસ્તુત કરી હતી.કાર્યક્રમમાં એકાએક રામાયણના મર્મજ્ઞ અને લોકસાહિત્ય સાથે જોડાયેલા સાંસદ પુરુષોત્તમ રૂપાલા પણ સામેલ થયા હતા અને તેમણે આ એવોર્ડ સમારોહ દ્વારા થઈ રહેલી કાગ વંદનાને અને બાપુના કાર્યને વંદન સાથે આવકારી કવિ કાગની લોકસાહિત્યથી જીવનશૈલી તરફની ગતિને શ્રી રૂપાલાએ પ્રસ્તુત કરી હતી.કાગ પરિવાર બધી શ્રી બાબુભાઈ કાગ અને જયદેવભાઈ કાગે સૌને આવકાર્યા હતા.
સાંજની બેઠકમાં પ્રથમ બેઠક કાગ એવોર્ડ સમારોહની હતી. જેમાં ચાલુ વર્ષે પાંચ વિદ્વાનોની પસંદગી કરીને તેમને પ્રશસ્તિપત્ર, શાલ સૂત્રમાલા અને રોકડ રકમથી પુરસ્કૃત કરવામાં આવ્યાં હતાં.આ વર્ષે દિવંગત લોક સાહિત્યકારને અપાતો એવોર્ડ રાણપુર (કરજણ)ના સ્વ. શ્રી ભાઇલાલભાઈ કવિના પુત્રશ્રી મહેન્દ્ર રાણપુરાએ સ્વીકાર્યો. લોકસાહિત્યના સ્ટેજ કલાકાર તરીકેનો એવોર્ડ કુવાદરના શ્રી ધનરાજ રતનશી ગઢવીને અપાયો તો ચારણી સાહિત્યના મર્મી તરીકેનો એવોર્ડ જૂનાગઢના શ્રી અમુદાન ગઢવીને મળ્યો અને પ્રતિવર્ષ એક રાજસ્થાની ચારણ વિદ્વાનને એનાયત થતો કાગ એવૉર્ડ આ વર્ષે નાગોરના શ્રી લક્ષ્મણદાસ કવિયાને એવૉર્ડ અર્પણ થયો.
પ્રથમ બેઠકના પ્રારંભમાં શ્રી વસંતભાઈ ગઢવી અને અમુદાનભાઈ ગઢવી વગેરે પ્રાસંગિક ઉદબોધન કરીને પૂજ્ય બાપુ દ્વારા થઈ રહેલા આ કાગ સ્મૃતિના યજ્ઞને બિરદાવવા માટે શબ્દો નથી તેમ જણાવ્યું હતું.
એવોર્ડ અર્પણ થયા પછી દીક્ષાંત પ્રવચનમાં પૂજ્ય મોરારીબાપુએ કહ્યું કે જગતને ઘડવામાં ત્રણ પરિબળોએ કામ કર્યું છે. જેમાં વિજ્ઞાન,આત્મજ્ઞાન અને સાહિત્યનો સમાવેશ થાય છે. મારું ગામ એ તલગાજરડા છે પરંતુ સેંજળ એ અમારુ સમાધિસ્થાન તેથી એ પણ અમારું ગામ અને ત્રીજું મજાદર એ કાગબાપુનું સ્થાન તેથી હું તેને પણ મારું જ ગામ ગણું છું.
સંસ્કૃતમાં સાહિત્યનો અર્થ સત્ય સાથે ચાલે તે કરવામાં આવ્યો છે. તો વળી જે પ્રેમથી પગલા ભરે અને કરુણાના સ્વરમાં બોલે તે સાહિત્ય એમ પણ જણાવી શકીએ. રામાયણના શિખરસ્થ વક્તા મહાદેવજી અને બીજા કાગભુષંડી છે અને ત્રીજા હું કાગબાપુને ગણું છું. કાગવાણી એ શુકનવંતી છે.
2026ના વર્ષમાં કાગ વંદના એવોર્ડ સમારોહનો 25 મો મણકો હશે.તેથી બાપુએ ભાવ વ્યક્ત કરતાં 25 વિદ્વાન વ્યક્તિઓના સન્માન કરવાની લાગણી વ્યક્ત કરી. બધાને થોડા સમય પોતપોતાનો ભાવ રજૂ કરવા માટે પણ અવકાશ આપી શકાય તેવી પણ ઈચ્છા જાહેર કરી.
આજના સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી લોકસાહિત્યના વિદ્વાન બળવંત જાનીએ કર્યું હતું. સન્માન શૃંખલાનું સંચાલન રાજુલભાઇ પાસે રહ્યું હતું. કાર્યક્રમનું આયોજન અને સંકલન કાગ પરિવારના જયદેવભાઈ કાગ કરી રહ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય ભક્તિરામ બાપુ- સાવરકુંડલા પુ.રાજેન્દ્ર દાસબાપુ રાજુલા, રાજભા ગઢવી, અમરીશભાઈ ડેર, જોરુભાઈ ધાખડા, શ્રી દાદભાઈ વરુ, ઉદયભાઇ ખુમાણ,કથાકાર શ્રી શરદદાદા,રાજુદાદા -ડેડાણ, અભેસિંહ રાઠોડ,લાખણશીભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.તેમ તખુભાઈ સાંડસુર(વેળાવદર)ની યાદીમાં જણાવાયું છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
