News of Wednesday, 5th March 2025
શ્રી અજરામર ટ્રસ્ટ ભુજ દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો: રખડતા ભટકતા ઢોર માટે ગૌશાળાનું નિર્માણ કરાશે
જૈન ધર્મમાં જીવ માત્રની રક્ષા કરવાના ઉદેશ સાથે જીવદયાના કાર્યને તન મન અને ધનથી કરવામાં આવે છે, એટલે જ કચ્છ પ્રદેશની પાવન ધરા પર માનવ વસ્તી કરતા ગૌધનનું વિશેષ પ્રમાણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૫ : ગૌવંશને બચાવવા એ પર્યાવરણીય રીતે પણ જરૂરી છે. હિંદુ સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં ગૌમાતામાં ૩૩ કોટી દેવોનો વાસ હોવાની શ્રદ્ધા સાથે ગૌમાતાની સેવા થાય છે તો જૈન ધર્મમાં જીવ માત્રની રક્ષા કરવાના ઉદેશ સાથે જીવદયાના કાર્યને તન મન અને ધનથી કરવામાં આવે છે, એટલે જ કચ્છ પ્રદેશની પાવન ધરા પર માનવ વસ્તી કરતા ગૌધનનું વિશેષ પ્રમાણ છે.
શ્રી અજરામર ટ્રસ્ટ ભુજ દ્વારા સંસ્થાના ૨૭ માં વર્ષના પ્રવેશ ઉપલક્ષ્યમાં ઋણ સ્વીકાર સહ અભિવાદન કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી મહંત ત્રિકમદાસજી મહારાજે ગૌસેવા અને ગૌ વંશની સેવા સુશ્રુષા કરી તેમને બચાવવાએ જીવદયાની પ્રવૃત્તિ તો છે જ પરંતુ આપણા પર્યાવરણના સમતોલન માટે પણ જરૂરી હોવાનું કહી ગૌવંશ બચશે તો જ આપણે પણ બચીશું તેમ જણાવ્યુ હતું વધુમાં તેમણે શ્રી અજરામર ટ્રસ્ટ દ્વારા રખડતા ભટકતા ગૌ વંશને બચાવવા જે આશ્રય સ્થાન નિર્માણ થનાર છે તે કાર્યને બિરદાવતા આવા કાર્ય કરતા લોકો અને સંસ્થાઓને સમાજના સુખી સંપન્ન લોકોએ સહયોગ આપી પ્રોત્સાહિત કરવા જોઈએ તેમ જણાવી તેમના દ્વારા પણ ૮૦૦ નંદીઓની સેવા સુશ્રુષાની કામગીરી કરવામાં આવી તેમણે સંસ્થાનું આ કાર્ય ઝડપથી આગળ વધી ગૌવંશની સેવામાં કાર્યરત બને તેવા આશીર્વાદ આપ્યા હતા.
ગૌવંશ આશ્રય સ્થાનની ભૂમી માટે આર્થિક અનુદાન આપી ભૂમિદાન સહયોગી દાતાશ્રીઓ માતુશ્રી ચંદ્રીકાબેન રતિલાલ બોરીચા,( ગાંધીધામ –ભુજ-રાપર), પૂ.રમેશભાઈ ઓઝા “ભાઈશ્રી” ની પ્રેરણાથી એક ગૌભક્ત ગાંધીધામ, જાણીતા ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ,સ્વ. સુપુત્ર ચિ.વિરલની પુણ્યસ્મૃતિમાં પ્રીતીબેન વિનોદભાઈ ગાલા, ધનાભાઈ નારણભાઈ હુંબલ પડાણા, ભુજ સ્થા.છ કોટી જૈન સંઘ, શ્રીમતી દમયંતીબેન ઝવેરલાલ ખંડોર,વા.બે.ચો.સ્થા. જૈન મહાજન ભુજ વગેરે દાતાઓના ઉદારતાથી દાન આપી સહયોગી બનવા બદલ અભિવાદન કરી ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.
સ્વામીનારાયણ મંદિર ભુજના ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસીયા, જાણીતા દાતા તુલસીદાસભાઈ જોશી, જૈન સમાજના આગેવાનો જીગરભાઈ તારાચંદભાઈ છેડા,નરેન્દ્રભાઈ ચીમનલાલ ચંદુરા, કિશોરભાઈ ચંદુલાલ મોરબીયા, ધીરજભાઈ ભગવાનજીભાઈ દોશી, કાંતિલાલ સ્વરૂપચંદ વોરા, મનોજભાઈ ચમનલાલ ગાંધી અતિથી પદે ઉપસ્થિત રહ્યા હતા.
સરસ્વતી ઉપાસક અને જાણીતા વક્તા વિદ્વર્ય શ્રી જયંતીભાઈ જોશી શબાબએ તેમની અદભૂત અસ્ખલિત વાણીથી ઋણ સ્વીકાર અને ગૌસેવા અંગે મનનીય વક્તવ્ય આપ્યું હતું. મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજે તેમને સન્માનિત કયા હતા.
ભુજમાં વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ કરતા સામાજિક કાર્યકરો મગનભાઈ ઠક્કર, પ્રબોધભાઈ મુનવર,મિતેશભાઈ શાહ સહિતના કાર્યકરોને તેમજ સંસ્થાની ગૌસેવા સહિતના કાર્યમાં સહયોગી બનેલા કર્મયોગી કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સુર સંગમ મ્યુઝીક ક્લબ ભુજના ભાવેશભાઈ ઠક્કર, હર્ષદભાઈ દોશી,રીનાબેન ઠાકર અને જીજ્ઞાબેન સાકરીયાએ સુમધુર ગીતોની રસ લ્હાણ પીરસી હતી.
સંસ્થાના વરિષ્ઠ માર્ગદર્શક મંડળ અને સમિતિના સભ્યો હિંમતસિંહ વસણ, વિનોદભાઈ ગાલા, પરબતભાઈ ગોરસીયા શાંતિલાલ સેંઘાણી, વિજયભાઈ ગોર, અતુલભાઈ જોશી, ભરતભાઈ ગોર, વિજયભાઈ વોરા, નીલેશભાઈ મહેતા, વિનોદભાઈ ગોર તેમજ ટ્રસ્ટીઓ મીનાબેન બોરીચા, દીપક મહેતા, સંજય બોરીચાએ ઉપસ્થિત મહાનુભાવોને પુસ્તક અને શાલથી સન્માનિત કર્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિકમાં ગૌસેવા કાર્યમાં તન મન ધનથી સહયોગ આપવાની ભાવના વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના મંત્રી મયુર બોરીચાએ સ્વાગત પ્રવચન દ્વારા સૌને આવકાર આપ્યો હતો અને સંસ્થાના કાર્યો તેમજ ગૌ આશ્રય સ્થાન નિર્માણ અંગેની વિગતો આપી હતી
કાર્યક્રમને સફળ બનાવવા ભવ્ય બોરીચા, કિશોર ઠક્કર,ચાર્મી સોલંકી,ભાવેશ સોની અને અર્પી ઠક્કર સહયોગી બન્યા હતા કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ બુચે અને આભાર વિધિ વિનોદભાઈ ગાલાએ કરી હતી.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
