તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th March 2025
પડધરી પાસે ‘હિટ એન્ડ રન': ધો-૧૦ની છાત્રા જીજ્ઞશાને ઇજા, દાદા સવજીભાઇ ચાવડાનું મોત
બોર્ડની પરિક્ષા આપી રહેલી પોૈત્રીને સ્કૂલેથી તેડી વૃધ્ધ દહીંસરા ગામે ઘરે જતા'તા ત્યારે બનાવ : અજાણ્યો બાઇકચાલક અકસ્માત સર્જી ભાગી ગયોઃ ૬૨ વર્ષિય વૃધ્ધે રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૬: પડધરીમાં હિટ એન્ડ રનના બનાવમાં બાઇકસવાર દાદા અને પોૈત્રી ફંગોળાઇ જતાં દાદાને ગંભીર ઇજા થતાં મોત થયું હતું. જ્યારે ધોરણ-૧૦ બોર્ડની છાત્રા પોૈત્રીને ઇજા થઇ હતી. પોૈત્રી પરિક્ષાનું પેપર પુરુ કરીને આવી હોઇ વૃધ્ધ તેણીને બાઇકમાં બેસાડી પડધરીથી દહીંસરા ગામે ઘરે જઇ રહ્યા હતાં ત્યારે પડધરી પાસે બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ પડધરીના દહીંસરા ગામે રહેતાં સવજીભાઇ કાળાભાઇ ચાવડા (ઉ.વ.૬૨) ગઇકાલે બપોરે એકાદ વાગ્યે પડધરી સ્કૂલમાં તેની પોૈત્રી જીજ્ઞાશા ધોરણ-૧૦ બોર્ડની પરિક્ષા આપી રહી હોઇ તેણીને તેડવા માટે ગયા હતાં. પોૈત્રી પેપર પુરુ કરી બહાર આવતાં તેણીને બાઇકમાં બેસાડી તેઓ દહીંસરા જવા રવાના થયા હતાં.
દરમિયાન પડધરીમાં મેલડી માતાજીના મંદિર પાસે દાદા-પોૈત્રી પહોંચ્યા તે વખતે અજાણ્યા બાઇકનો ચાલક અકસ્માત સર્જી ભાગી જતાં દાદા-પોૈત્રી બંને ફેંકાઇ જતાં ઇજાઓ થઇ હતી. પોૈત્રીનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. દાદા સવજીભાઇને ગંભીર ઇજા પહોંચી હોઇ પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.સવજીભાઇ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પોતે છુટક કામ કરતાં હતાં. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ પડધરી પોલીસને કરી હતી.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
