તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 6th March 2025
દેરડી કુંભાજીના બે શિક્ષિકા બહેનોના કેશોદના રેવદ્રાના શિક્ષકે ૧ કરોડ ખાઇ જઇ માથે જતાં રાજકોટનું મકાન પણ પચાવી લીધું!
સત્તર વર્ષથી પરિચય હોઇ શિક્ષક રામદે કછોટ બંને બહેનો પાસેથી અવાર-નવાર ઉછીની રકમ લેતો હતોઃ આ રીતે એક કરોડ લઇ લીધા હતાં: હવે રકમ પાછી આપવા ટાણે ગલ્લા તલ્લા કર્યા : શિક્ષીકા બહેનોના નામે નાના મવા રોડ જીવરાજ પાર્કમાં મકાન લેવડાવ્યું: આ પછી આ મકાનના વેરા બીલ, લાઇટ બીલ ખોટી સહિઓથી પોતાના નામે ટ્રાન્સફર કરાવી તાળા તોડી પરિવાર સાથે ઘુસણખોરી કરી રહેવા લાગ્યાનો આરોપઃ તાલુકા પોલીસે નિર્મળાબેન ગોળની ફરિયાદ પરથી રામદે કછોટ વિરૂધ્ધ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૬: ગોંડલના દેરડી કુંભાજી ખાતે રહેતાં અને નોકરી કરતાં મહિલા તથા તેમના શિક્ષીકા બહેનને સત્તર વર્ષ જુના પરિચીત મુળ કેશોદના કેવદ્રાના વતની શખ્સે વિશ્વાસ કેળવી હાથ ઉછીના પેટે કટકે કટકે ૧ કરોડ રૂપિયા લઇ લીધા બાદ આ રકમ આજ સુધી પરત ન આપી તેમજ આ બહેનોને રાજકોટના નાના મવા રોડ જીવરાજ પાર્ક પાસે શ્રીરંગ રેસીડેન્સીમાં રોકાણના નામે મકાન લેવડાવી બાદમાં આ મકાનના વેરાબીલ, લાઇટ બીલ પણ આ બહેનોની ખોટી સહિઓ કરી પોતાના નામે ટ્રાન્સફર કરાવડાવી મકાનના તાળા તોડી પરિવાર સાથે તેમાં ઘુસણખોરી કરી રહેવા માંડતાં તેના વિરૂધ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ બનાવમાં તાલુકા પોલીસે ગોંડલના દેરડી કુંભાજી ખાતે રહેતાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતાં નિર્મળાબેન રવજીભાઇ ગોળ (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી કેશોદના રેવદ્રા ગામના મુળ વતની અને હાલ રાજકોટ નાના મવા રોડ જીવરાજ પાર્ક મેઇન રોડ શ્રીરંગ રેસીડેન્સી બ્લોક નં. ૩૮માં રહેતાં શિક્ષક રામદે માલદેભાઇ કછોટ વિરૂધ્ધ ૧ કરોડની છેતરપીંડીનો ગુનો નોંધ્યો છે.
નિર્મળાબેન કછોટે જણાવ્યું છે કે હું શિક્ષીકા તરીકે નોકરી કરુ છું અને દેરડી કુંભાજી મારા માતા લીલાવંતીબેન, બહેન અનીલાબેન સાથે રહુ છું. અમે ત્રણ બહેનો છીએ, મારે ભાઇ નથી. મારા મોટા બહેન સરોજબેન જેતપુરના મેવાસા ગામે માધ્યમીક શિક્ષક તરીકે નોકરી કરે છે અને મેવાસા ગામે જ રહે છે. તેનાથી નાના અનીલાબેન અમારી સાથે રહે છે અને ઘરકામ કરે છે. અમે ત્રણેય બહેનો અપરિણીતી છે. હું રામદે કછોટને છેલ્લા ૧૭ વર્ષથી ઓળખુ છું. તે હાલ ગોંડલની સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. મારા બહેન સરોજબેન જે ગોંડલ નુતન કન્યા વિદ્યાલયમાં નોકરી કરતાં હોઇ જેથી મારા બહેન પાસે હું જતીત્યારે રામદે મને ત્યાં મળેલ હોઇ તેની સાથે પરીચય થયો હતો.
રામદેએ મને અને મારા મોટા બહેન સરોજબેનને વિશ્વાસમાં લીધા હતાં અને તેને જ્યારે જરૂર પડે ત્યારે અમારી પાસેથી રૂપિયા કટકે કટકે ઉછીના લઇ જતો હતો. ત્રણ મહિનામાં પાછા આપવાની તે ખાત્રી આપતો હતો. આ રીતે તે વર્ષ ૨૦૨૧થી ૨૦૨૨ સુધીના વર્ષમાં અમારી પાસેથી કુલ રૂા. ૧,૦૭,૨૫,૦૦૦ લઇ ગયેલ હતો. આ રકમ પૈકી રૂા. ૬૦,૭૫,૦૦૦ મેં અને મારા પરિવારના સભ્યોના બેંક એકાઉન્ટ મારફત આપી હતી તેમજ રામદેના વાઇફના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. બાકીની રકમ રોકડેથી આપી હતી.
વર્ષ ૨૦૨૨માં મારા બહેન અને મને વિશ્વાસમાં લઇ રોકાણ કરવા માટે એક મકાન સારુ છે તેમ કહી શ્રીરંગ રેસીડેન્સી નાના મવા રોડ ખાતે એક મકાન એમ-૩૮ લેવડાવ્યું હતું. આ મકાન અમારા નામે છે અને પંજાબ નેશનલ ફાયનાન્સ બેંકમાં અમારા નામે લોન પણ કારવી હતી. તેનો મહિને રૂા. ૩૧૨૮૦નો હપ્તો આવે છે જે અમારા બેંક ખાતામાંથી કપાત થાય છે. અમે જે લોન લીધી હતી તેમાંથી રૂા. ૭ લાખ રોકડા ઉપાડી તા. ૨૮/૪/૨૪ના રોજ રમાદે કછોટને હાથ ઉછીના આપ્યા હતાં. તેની સામે તે અમારી લોનનો જે હપ્તો આવે તે ભરતાં હતાં. આ રીતે અમારી હોમ લોનમાં તેણે આજ સુધી ૭ લાખ ભર્યા છે.
હાલમાં અમે રામદેને ૧ કરોડ ઉછીના આપ્યા હોઇ તેની જરૂર પડતાં અમે અમારા રૂપિયા પાછા માંગતા તેણે ગલ્લા તલ્લા કરી તારીખો આપવાનું ચાલુ કર્યુ હતું. અમારે ખુબ જરૂર હોઇ આજીજી કરતાં તેણે અમને રાજકોટમાં સારી જગ્યાએ રોકાણ કરીએ તો સારુ વળસતર મળશે તેમ કહી અમને રૂપિયા પાછા આપ્યા નહોતા. અમે સતત ઉઘરાણી કરતાં તેણે મારા બહેન સરોજબેનના નામે પ્રોમીસરી નોટ લખી આપી હતી અને ૧ કરોડના ૪ ચેક આપ્યા હતાં. પરંતુ આ ચેક અમે બેંકમાં નાખતા તે બાઉન્સ થતાં અમે નેગોશીએબલ કેસ કર્યો હતો જે હાલ કોર્ટમાં ચાલુ છે. આજથી સાતેક મહિના અગાઉ રાજકોટના અમારા મકાનનું કામ ચાલુ હતુ તે પુરુ થયું ત્યારે અમે તાળુ મારી દીધુ હતું. બે મહિના પછી અમે રાજકોટના મકાને આટો મારવા આવતાં તાળુ તૂટેલુ હતું અને રામદે કછોટ આ અમારા મકાનમાં તેના પરિવાર સાથે રહેવા લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
અમે રામદે કછોટને આ બાબતે પુછતાં તેણે અમને ધમકી આપી કહેલું કે આ મકાન તો મારુ છે. આ પછી અમે તપાસ કરતાં ખબર પડી હતી કે રામદેએ અમારુ મકાન પચાવી પાડવા પોતાનો માલિકી હક્ક ઉભો કરવા આ મકાનના લાઇટ બીલ અને વેરા બીલ અમારી ખોટી સસહી કરી પીજીવીીસીએલ તથા મહાનગર પાલિકામાં રજુ કરી નામ ટ્રાન્સફર કરાવી પોતાના નામે બીલ અને વેરા કરાવી લીધા હતાં. આ રીતે રામદે કછોટે અમારી સાથે છેતરપીંડી કરી અમારા એક કરોડ રૂપિયા પરત નહિ આપી અમારુ મકાન પણ પચાવી લીધુ હોઇ ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં જણાવતાં પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ એમ. એચ. મહારાજે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૬)
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
