<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th March 2025

જય દ્વારકાધીશ... ભાવિકોનું પગપાળા દ્વારકા તરફ પ્રયાણઃ ટંકારામાં સેવા કેમ્‍પ

હોળી-ધુળેટીમાં ફુલડોલ ઉત્‍સવમાં મોટી સંખ્‍યામાં જોડાવવા પદયાત્રિકોના સંઘની યાત્રાઃ ઠેર-ઠેર સેવાકામોનો ધમધમાટ

ટંકારાઃ દ્વારકાધીશ મંદિર ખાતે ફુલડોલ ઉત્‍સવમાં કાળીયા ઠાકોર સાથે રંગનો પર્વ ફુલડોલ ઉત્‍સવમાં સહભાગી થવા માટે હજારો ભાવિકો ટંકારાથી પગપાળા દ્વારકા તરફ આગળ વધી રહયા છે. ગાંધીનગર, અમદાવાદ, હિંમતનગર, સુરેન્‍દ્રનગર સહિતના પગપાળા ચાલીને જતા ભાવિકો માટે ટંકારા પંથકમાં ઠેરઠેર સેવાકેમ્‍પ શરૂ થયા છે.(તસ્‍વીર-અહેવાલઃ જયેશ ભટ્ટાસણા-ટંકારા)(૬.૭)

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા. ૬: દ્વારકા સ્‍થિત દ્વારકાધિશ મંદિર ખાતે ફૂલડોલ ઉત્‍સવમાં સહભાગી થવા માટે મોટી સંખ્‍યામાં ભાવિકો પગપાળા દ્વારકા જઈ રહ્યા છે. હજારો લોકો ટંકારાથી દ્વારકા તરફ પગપાળા જઈ રહ્યા છે. ગાંધીનગર, અમદાવાદ, હિંમતનગર, સુરેન્‍દ્રનગર સહિતના પંથકમાંથી લોકો પગપાળા દ્વારકા જઈ રહ્યા છે. આ તમામ પદયાત્રિકો માટે ટંકારા પંથકમાં ઠેર-ઠેર સેવા કેમ્‍પો ચાલી રહ્યા છે. આ સેવા કેમ્‍પમાં આયોજકો દ્વારા પદયાત્રિકોને ભાવથી બોલાવીને જમાડવામાં આવી રહ્યા છે. રહેવા માટેની અને ન્‍હાવા માટેની પણ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. દરરોજ મોટી સંખ્‍યામાં પદયાત્રિકો આ સેવા કેમ્‍પનો લાભ લઈ રહ્યા છે.

જબલપુર ગામ સમસ્‍ત દ્વારા ચાલતા કેમ્‍પના સંચાલક વિનોદભાઈ કાસુન્‍દ્રાએ જણાવ્‍યું હતું કે, સતત ૧૯ વર્ષથી અમે કેમ્‍પનું આયોજન કરીએ છીએ. પંચમુખી હનુમાનજી મંદિરના બ્રહ્મ લીન મહંત રામદાસ બાપુ પ્રેરિત આ સેવા કેમ્‍પ ચાલી રહ્યો છે. રામદાસ બાપુએ આ સેવા કેમ્‍પની શરૂઆત કરી હતી. તેમના બ્રહ્મલીન થયા બાદ પણ ગામ લોકોના સહયોગથી આ કેમ્‍પ ચાલી રહ્યો છે. આ કેમ્‍પ ૮ દિવસ ચલાવવામાં આવશે. પગપાળા દ્વારકા જતા પદયાત્રિકોને સવારે ચા-નાસ્‍તો અને બપોરે અને સાંજે ગરમા ગરમ ભોજન આપીએ છીએ. ગરમ પાણી અને ન્‍હાવાની પણ સગવડ પૂરી પાડવામાં આવે છે. આરામ કરવા માટે પણ ગાદલા-ઓશિકા સહિતની સુવિધા આપવામાં આવી રહી છે.

(2:05 PM IST)