News of Thursday, 6th March 2025
થાનમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ એક કૌભાંડ હોવાની આશંકા
ભાજપના દિગ્ગજ નેતાનો આરોપઃસંઘાણીએ આ બાબતે અધિકારીઓ અને ગોડાઉનના માલિકને જવાબદાર ગણાવી તેમની સામે તપાસની માંગ કરી છે

સુરેન્દ્રનગર, તા.૬
સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થતા સઘન તપાસની માંગ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને ભાજપના જ દિગ્ગજ નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ મોટું નિવેદન આપ્યું છે. તેમનો આરોપ છે કે 'આ સામાન્ય રીતે લાગેલી આગ નથી. આ આગની ઘટના પાછળ કૌભાંડની આશંકા છે'. વધુમાં સંઘાણીએ આ ઘટનામાં બાબતે અધિકારીઓ અને ગોડાઉનના માલિકને જવાબદાર ગણાવી તેમની સામે તપાસની માંગ કરી છે.
આગની ઘટનાને લઈને દિલીપ સંઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે 'જ્યારે કોઈ કૌભાંડ થાય અથવા તો કૌભાંડને સંતાડવવાનું હોય ત્યારે આગ લગાવવામાં આવે છે. આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં લાગતી નથી.'
ભાજપના નેતાનો આક્ષેપ છે કે 'ભૂતકાળમાં મગફળીના ગોડાઉનોમાં લાગેલી આગનો રિપોર્ટ બહાર આવ્યો જ નથી. આ કિસ્સામાં ગોડાઉનના માલિક અને અધિકારીઓની સંડોવણી હોઈ શકે છે. સરકાર માત્ર તપાસની વાતો કરે છે, પરંતુ પૂરતી તપાસ થતી નથી'. સુરેન્દ્રનગરના થાનમાં મગફળીના ગોડાઉનમાં આજે (ગુરુવારે) સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ ટેકાના ભાવે ખરીદેલી મગફળી હ્લઝ્રૈંના ગોડાઉનમાં રાખવામાં આવી હતી, જેમાં કોઈ કારણસર આગ ફાટી નીકળી નહીં. એક અંદાજ મુજબ ગોડાઉનમાં લાગેલી આગના કારણે ૫૦ હજાર કિલોથી વધુ માત્રામાં મગફળી બળીને ખાક થઈ ગઈ છે. જેના કારણે કરોડોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
એકવાર આગ ઓલવાઈ ગયા બાદ ફરી પાછી આગ લાગી હતી અને વધુ ભભૂકી ઉઠી હતી. આગ ઓલવવા માટે થાનગઢ અને ચોટીલા ફાયર બ્રિગેડના ૧૦થી વધુ ફાયર ફાઇટરોએ કવાયત હાથ ધરી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોથી લાગી તે અંગે હજુ માહિતી મળી શકી નથી.
સંઘાણીએ રજૂ કરેલી શંકા બાબતે યોગ્ય તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે. મહત્ત્વની વાત એ પણ છે કે સંઘાણીએ કૌભાંડની આશંકા વ્યક્ત કરી છે પરંતુ કેવું અને કેવી રીતે કૌભાંડ થયું હશે, કોની સંડોવણી હોઈ શકે છે તે સહિતના મુદ્દે ખાસ કોઈ ચોખવટ નથી કરી.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
