તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th March 2025
રવિવારે વિંછીયામાં કોળી અને ઠાકોર સમાજનું પડતર પ્રશ્નોને લઇ મહાસંમેલન
વિછીયામાં કોળી યુવાન ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા બાદ કુવરજીભાઈ સામે વિરોધીઓ દ્વારા સંમેલન બોલાવવામાં આવતું હોવાની ચર્ચા:કુંવરજીભાઈના સમર્થકો દ્વારા સંમેલનમાં ન જોડાવા અપીલ

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.7 થોડા વખત પહેલા વિછીયામાં કોળી યુવાનની હત્યા બાદ કોળી સમાજના લોકો દ્વારા પરિવારને ન્યાય અપાવવા અને કોળી અને ઠાકોર સમાજના પડતર પ્રશ્નોનું નિરાકરણ માટે રવિવારે વિછીયામાં કોળી અને ઠાકોર સમાજનું મહા સંમેલન મળવા જઈ રહ્યું છે ત્યારે આ સંમેલને ભારે રાજકીય ગરમાવો જગાવ્યો છે.
થોડા દિવસ પહેલા વિંછીયા ખાતે ઘનશ્યામભાઈ રાજપરા નામના યુવાનની જાહેરમાં હત્યા થઈ હતી ત્યારબાદ બે દિવસ સુધી મૃતક યુવાનની આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી ડેડબોડી સ્વીકારવામાં આવી ન હતી બાદમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે તેવી ખાતરી બાદ મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો.
આરોપીની ઘરપકડ બાદ રીકન્ટ્રક્શન માટે હત્યાના બનાવ સ્થળે લઈ જવામાં આવ્યા હતા ત્યારે કોળી સમાજના અમુક આગેવાનોએ આરોપીઓનું જાહેરમા સરઘસ કાઢવા મામલે વિંછીયા પોલીસ સ્ટેશન ઉપર ટોળાએ કરેલ હુમલાબાદ કોળી યુવાનોની પોલીસે કરેલ અટકાયત અને માર જુડના બનાવવામાં કોળી સમાજના બે જૂથો સામ સામે આવી ગયા હતા.
કોળી યુવાનોની પોલીસે કરેલ અટકાયત બાદ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ તેમના પ્રયાસોથી યુવાનોને જામીન ઉપર છોડાવ્યા હતા અને તેમનાથી બનતા પ્રયાસો સરકારમાં રહીને પણ કર્યા હતા.
જોકે કુંવરજીભાઈ બાવળીયાના સામેના જૂથ ને આ વાત મંજૂર ન હોય સંમેલન બોલાવવાનુ નક્કી કરવામાં આવ્યુ છે અને ભાજપ સામેના રાજકીય પક્ષોના આગેવાનો પણ આ સંમેલન સફળ થાય તે માટે પડદા પાછળ સહકાર આપ્યો હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે સામે પક્ષે કુવરજીભાઈના સમર્થકો દ્વારા પણ સમાજને સાચી વાતો કરી સંમેલન સફળ ન થાય એ માટે નું જોર લગાવ્યું છે.
રવિવારે મળનારા આ સંમેલન પહેલા આયોજકો દ્વારા આજે બોલાવવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં ઠાકોર અને કોળી સમાજની 38% વસ્તી હોવા છતાં કોળી અને ઠાકોર સમાજ પર અનેક રીતે અન્યાય અને તેમનું શોષણ કરવામાં આવે છે કોળી સમાજનો દરેક રાજકીય પક્ષો દ્વારા વોટ બેંક તરીકે જ ઉપયોગ કરવામાં આવે છે સત્તામાં કોળી અને ઠાકોર સમાજની હંમેશા બાદબાકી કરવામાં આવે છે અને સમાજનું સતત શોષણ કરવામાં આવે છે જેના અનુસંધાને ગુજરાતમાં ચાલતા કોળી અને ઠાકોર સમાજના રાજકીય સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક સંકટનો એક થઈ સમાજ પર થતા અન્યાય સામે મજબૂતીથી લડવા આ મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે આ સંમેલન દ્વારા સમાજને એક મંચ કરી સમાજ વિરોધી પરિબળો સામે આગામી દિવસોમાં લડત આપવામાં આવશે.
સમાજના આઞેવાનો દ્વારા સરકાર સામે આક્ષેપ કરવામાં આવ્યો છે કે પાટીદાર સમાજના લોકો સામે થયેલા પોલીસ કેસ જો સરકાર ભરત ખેંચતી હોય તો ઠાકોર અને કોળી સમાજના યુવાનો પર થયેલ કેસ કેમ પરત નથી ખેંચતી?
હાલ આ સંમેલને રાજકીય ગલીયારામા ભારે ચર્ચા જગાવી છે અને ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા બાદ આરોપીનું સરઘસ કાઢવા મામલે પોલીસ સ્ટેશન ઉપર પથ્થર મારો થયો તે ઘટનાને ધ્યાને રાખી ફરી કોઈ આવી અનિછનિય ઘટના ન બને એ માટે પોલીસ પણ રવિવારે વિછીયામાં ભારે બંદોબસ્ત રાખવા કામે લાગી ગઈ છે.
ઉલ્લેખની છે કે આ સંમેલન કોળી સમાજના મોટા ગજાના આઞેવાન કુંવરજીભાઈ બાવળિયાની સામે તેમના વિરોધીઓ દ્વારા બોલાવવામાં આવ્યું હોવાની છડે ચોક ચર્ચા ચાલી રહી છે ત્યારે આ બાબતે બંને જૂથ વચ્ચે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ઉગ્ર બોલાચાલીઓ પણ થઈ હતી બાદ સંમેલનના આયોજકોએ ખુલાસો કર્યો હતો કે આ સંમેલન કુંવરજીભાઈ સામે નથી પરંતુ કોળી સમાજને થતા અન્યાય સામે છે.
આગામી રવિવારે યોજનાર આ સંમેલન ઉપર હાલ સમાજના આગેવાનો અને રાજકીય પંડિતો ની નજર મંડાયેલી છે.

(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
