News of Saturday, 8th March 2025
યુવતી તરીકે ડેટિંગ વેબ સાઇટ ઉપર ફ્રેન્ડશિપ કરી રૂપાળા કિન્નરે યુવાન ખેડૂત પાસેથી ૩૨ લાખ પડાવ્યા
એક વાર રૂપિયા ગુમાવ્યા બાદ ફરી સ્પા ખોલવાની લાલચમાં વધુ રૂપિયા ખોયાઃ મહિલાઓ સાથે સોશ્યલ મીડિયા દ્વારા ફ્રેન્ડશીપ કરવાના ગલગલિયા ખિસ્સા અને બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે ચેતજો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૮: રૂપાળી યુવતીઓ અને મહિલાઓ સાથે સોશ્યલ મીડિયા દ્વારા ફ્રેન્ડશીપ કરવાના ગલગલિયા ખિસ્સા અને બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. માત્ર સુંદર ફોટાઓ અને અશ્લીલ વીડિયો તેમ જ વાતોની લાલચ ભારે પડી શકે છે અને ઠગાઈનો શિકાર બનવાની શકયતા હોય છે.
કચ્છના નખત્રાણા તા.ના અમરગઢ ગામના યુવાન ખેડૂતે ડેટિંગ વેબસાઈટ ઉપર સોશ્યલ મીડિયા ફ્રેન્ડશીપમાં ૩૨ લાખ ૩૬ હજાર રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ઓન લાઈન સાઇબર ઠગાઈ કરવાના આ કિસ્સાની નિરોણા પોલીસ મથકે કોલકત્તાના દિયાશ્રી દેવનાથન, બનીસેન ગુપ્તા, અદિતિદાસ ઉર્ફે ગોપાલદાસ સામે ફોજદારી ફરિયાદ નોધાઈ છે. ઓન લાઈન ટીએસ ડેટિંગ ડોટ કોમ નમાની લિંક મારફતે ફરિયાદી યુવાન મિકી નામની યુવતી સાથે પરિચયમાં આવ્યો હતો. જેમાં મિકીએ પોતે મજબૂરીથી આ કામમાં જોડાઈ હોવાનું જણાવતા તેણે રૂ. ૫૦૦ તેના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યાર બાદ મિકીએ પોતાના અશ્લીલ ફોટા, વીડિયો મૂકી ફ્રેન્ડશીપ વધારી ફરિયાદી યુવાન નરેશ સાથે અશ્લીલ વીડિયો બનાવ્યો હતો.
અહીંથી બ્લેક મેઇલનો ખેલ શરૂ થયો નરેશને તેના અશ્લીલ ફોટા વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી પોતે કિન્નર હોવાનું જણાવી લિંગ પરિવર્તન માટે તેની પાસેથી ટુકડે ટુકડે ૧૦ લાખ રૂપિયા પડાવ્યા હતા. થોડા સમય બાદ ફરી આ નંબર ઉપરથી દિયાશ્રી દેવનાથ નામની યુવતીનો ફોન આવ્યો હતો.
આ યુવતીએ સ્પા માં ભાગીદાર બનવાની લલચામણી વાતો કરી અને ગોપાલદાસનો સંપર્ક કરવા કહ્યું હતું. ફરિયાદી યુવાન નરેશે ગોપાલદાસ ઉર્ફે અદિતિદાસનો સંપર્ક કરી પાર્ટનર બનવા તૈયારી દર્શાવી હતી. આમ ટુકડે ટુકડે ફરી રૂપિયા ખંખેરવાનો ખેલ શરૂ થયો હતો. નરેશે વધુ ૨૨ લાખ રૂપિયા ગુમાવ્યા હતા.
અંતે પોતે ઠગાઈ ગયો હોવાનું ભાન થતાં પરિવારને જાણ કરી અંતે પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસની મદદ લીધી. પોલીસ અરજી બાદ આરોપીઓના બેંક ખાતા સીઝ થતાં ફરી નરેશને અશ્લીલ ફોટા વીડિયો વાયરલ કરવાની ધમકી આપી પોલીસ ફરિયાદ પરત ખેંચવા દબાણ કર્યું હતું. જોકે, પોલીસે આરોપીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી દીધી છે
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
