News of Saturday, 8th March 2025
ગોંડલ બસ સ્ટેશનમાંથી ખાનગી વાહનોવાળા મુસાફરો ખેંચી જાય છે
એય પાછા વાહનો એસટી ડેપોમાં રાખીને ??

(જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ, તા., ૮: ગોંડલ એસટી બસ સ્ટેશનમાંથી ખાનગી વાહનવાળાઓ મુસાફરોને ખેંચી જતા હોય એસટીને લાખોની આવકનો ચુનો લાગી રહયો છે.
જાણે રેઢા રાજ હોય તેમ ઢોર તથા શ્વાનો આંટા મારતા હોવાના અને કેટલીક વખત શ્વાનોએ બસમાં બેસવા જતા મુસાફરોને કરડયાના બનાવો બન્યા છે અને આ અંગેના અહેવાલ અગાઉ પ્રસિધ્ધ થયા હતા.
ગોંડલના બસ સ્ટેશનમાં ખાનગી વાહનો વાળા પોતાના વાહનો ઉભા રાખી મુસાફરોને પોતાના ખાનગી વાહનમાં બેસાડી જાય છે. સરકારે જનતાની સુખાકારી માટે બસ સેવા માટે હજારો બસો બસ સ્ટેશન તથા જરૂરી સુવિધાઓ કરી છે. પણ એસટી તંત્રને જ જાણે કઇ પડી ન હોય તેમ ખાનગી વાહનો વાળા બસ સ્ટેશનમાં જ વાહનો રાખી મુસાફરોને ખેંચી જાય છે. એસટીની લાખોની આવક ગુમાવે છે. ઉચ્ચ સતાધીશોએ આ બાબતે યોગ્ય પગલા લેવા જોઇએ.
અગાઉ એવો સમય હતો કે બસ સ્ટેશન નજીકના પ૦-૧૦૦ મીટરના અંતરમાંથી ખાનગી વાહનોમાં મુસાફરો ભરી શકતા નહી અને આ અંગે સરકારી આદેશ હતા પણ હવે તો આવા આદેશ કે તેના અમલની ઐસી તૈસી કરી બસ સ્ટેશનમાંથી જ મુસાફરો લઇ જવાય છે. અને એ પણ ખાનગી વાહન બસ સ્ટેશનમાં રાખીને જ આ બાબતે તો ગાંધીનગરમાં બેઠેલા જ કંઇક કરે તો થાય બાકી તો હોતી હૈ ચલતી હૈ... ચાલ્યા જ રાખશે
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
