<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th March 2025

ગોંડલના ગણેશ જાડેજા સામે એક યુવકને માર મારવાનો આરોપ :માર મારવાની ઘટના પછી ભોગ બનનાર યુવક ગુમ

ઘર નજીક બાઈક પાર્ક કરતા માર માર્યો : માર મારવામાં આવ્યા બાદ રૂમ પર આવ્યો પરંતુ વહેલી સવારે ગાયબ : છ દિવસથી કોઈ પતો નથી : યુવકના પિતાની પોલીસને લેખિત રજુઆત

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજા સામે એક યુવકને માર મારવાનો આરોપ લાગ્યો છે.. યુવકના પિતાએ આ મામલે ગોંડલ પોલીસ સમક્ષ લેખિત રજુઆત કરી છે. યુવકે પોતાની મોટરસાયકલ પૂર્વ ધારાસભ્યના ઘરની નજીક પાર્ક કરી હોવાથી તેને માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. માર મારવાની ઘટના પછી ભોગ બનનાર યુવક ગુમ થઇ ગયો છે. આ યુવકનું નામ રાજકુમાર જાટ હોવાનું સામે આવ્યું છે. જે હાલ UPSCની તૈયારી કરે છે..

   આરોપ છે કે પૂર્વ ધારાસભ્યના પુત્રએ તેને બોલાવીને માર માર્યો હતો. રાત્રીના સમયે તેને માર મારવામાં આવ્યા બાદ તે રૂમ પર ગયો હતો પરંતુ વહેલી સવારે રૂમ પરથી ગાયબ હતો. આ ઘટનાને છ દિવસ વીતી જવા છતા યુવકનો કોઇ પત્તો નથી

આખરે યુવકના પિતાએ ગોંડલ પોલીસને આ મામલે લેખિતમાં રજુઆત કરી છે. યુવકના પિતાએ રજુઆત કરી છે કે પોલીસ જેમ બને તેમ જલદી તેમના પુત્રને શોધી આપે અને આ મામલે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે.

મહત્વનું છે એ આ પહેલીવાર નથી જ્યારે ગણેશ જાડેજા વિવાદમાં આવ્યા હોય અગાઉ પણ ગણેશ જાડેજા પર સંજય સોલંકી નામના યુવકનું અપહરણ કરવાનો, તેને માર માર મારવાનો, તેને ખેતરમાં નગ્ન કરીને વીડિયો ઉતારવાનો અને તેને માફી મંગાવવાનો આક્ષેપ થયો હતો આ મામલે પોલીસ ફરીયાદ નોંધાયા બાદ ગણેશ જાડેજાની ધરપકડ પણ કરાઇ હતી..

(11:37 PM IST)