<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th March 2025

કચ્છી લેઉવા પટેલ સમાજ દ્વારા ભુજમાં કાર્યરત હોસ્પિટલની સેવાઓને વિસ્તૃત કરવાનું આયોજન: ૭.૫ કરોડના એમઆરઆઈ મશીનનું લોકાર્પણ, વર્લ્ડ ક્લાસ આઈ હોસ્પિટલ વિભાગ શરૂ કરાશે

૨૫ વર્ષ પૂર્ણ થતાં મેગા મેડિકલ કેમ્પ સાથે રજતજયંતિ સેવા પર્વ સ્વરૂપે ઉજવણી કરાશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૦ : નેત્રદર્દના તમામ પ્રકારના નિદાન અને સંપૂર્ણ સારવાર વૈશ્વિક મેડિકલ માપદંડ સાથે થાય તેવો સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વિભાગ શરૂ કરવા કચ્છી લેઉવા પટેલ સમાજે જાહેરાત કરી છે. સંસ્થાના ૭.૫ કરોડના ખર્ચે વસાવાયેલા અદ્યતન એમ.આર.આઇ મશીનની સેવા ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોના હસ્તે શરૂ કરાઈ હતી.  કચ્છી લેઉવા પટેલ સમાજની આરોગ્ય સેવા કચ્છના ગરીબ દર્દીઓ માટે અજોડ છે. હરિભક્તો, મહંત સ્વામી અને તમામ સંતો સમાજની સેવા સાથે છે અને રહેશે તેવી વાત કરતાં ભુજ સ્વામિનારાયણ મંદિરના ઉપમહંત  પુરાણી સ્વામી ભગવદ્જીવનદાસજી અને કોઠારી સ્વામી શાસ્ત્રી દેવપ્રકાશદાસજી સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા. વરિષ્ઠ સંતો પુરાણી માધવપ્રસાદદાસજી સ્વામી, શાસ્ત્રી વિશ્વપ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી વિવેકસાગર સ્વામી સહિતના સંતોએ ભુજ મંદિર મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજીભગત સૌ સંતો વતી નવા એમ.આર.આઇ.ની સેવાનો કચ્છના દર્દીઓ માટે પ્રારંભ કરાવ્યો હતો.અત્રે ઉલેખનીય છે કે 2010 માં નૂતન મંદિર મહોત્સવ નિમિત્તે ભુજ સ્વામિનારાયણ મંદિરે લેઉવા પટેલ હોસ્પિટલમાં કચ્છ નું પ્રથમ એમ આર આઈ વસાવી આપ્યું હતું જે 14 વર્ષ સુધી રાહત દરે દર્દીઓની સેવા કરતું રહ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત કચ્છી દાનવીર સામજીભાઈ શીવજીભાઈ દબાસીયા (જેસામ) માધાપર - લંડન, 

ધર્મપત્ની વિજયાબેન દબાસીયાએ નવા મશીનનું પૂજન કરી ઉદ્ઘાટન કર્યું હતું. ગુજરાતના મેડિકલ જગતમાં અગ્રિમ એવા નવા  એમ.આર.આઇ.ની કચ્છને ભેટ મળી છે તેની વિશેષતા વર્ણવતાં ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ માવજીભાઈ ગોરસીયાએ આગામી ડિસેમ્બર સુધી કચ્છને કરોડોના ખર્ચે અદ્યતન એવા નેત્ર સુપર સ્પેશિયાલિટી  વિભાગ કે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં શરૂ કરવાની જાહેરાત કરી દાતાઓને બિરદાવ્યા હતા.

 આગામી ડિસેમ્બરમાં માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર (લેવા પટેલ હોસ્પિટલ)ની રજતજયંતી 'સેવા પર્વ' તરીકે તા. ૨૯,૩૦,૩૧ ડિસેમ્બર ૨૦૨૫ના ત્રિદિવસીય ઉત્સવરૂપે ઉજવાશે જેમાં તદ્દન રાહત દરે લાખો દર્દીઓની થયેલ સેવાનો ઇતિહાસ ઉજાગર કરાશે. આ પ્રસંગમાં  પધારવા સૌ બિનનિવાસી કચ્છીઓને આમંત્રણ  અપાયું હતું. આ પ્રસંગે હસુભાઈ ભૂડિયા પરિવાર અને વડીલોની અવિરત સેવા ભાવનાને યાદ કરાઈ હતી. 

 

આ પ્રસંગે સંતો - આગેવાનોએ ડાયાલિસીસ વિભાગની મુલાકાત લઈ દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા. અને હવેથી પ્રાથમિક દવાઓ, ભોજન-નાસ્તો પણ આપવાની જાહેરાત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સરકારના આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ જિલ્લાનો સૌથી મોટો અને જૂનો ડાયાલિસીસ વિભાગ છે તેમાં મશીનો દાન કરવા સંતોએ પ્રેરણા આપતાં સમાજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરીયા અને પુત્ર પ્રવિણભાઈ, હરીશભાઈના પ્રયત્નોથી મિરઝાપરના અમેરિકા નિવાસી બિનનિવાસી દાતા સ્વ. લાલજીભાઈ કરશન પટેલના આત્મ શ્રેયાર્થે ધ.પ. સામબાઈ લાલજી પટેલ, પુત્ર અનિલ લાલજી પટેલ દીપુબેન ઉમેશ ઠાકર પરિવારના પ્રતિનિધિ પરિવારે ૭.૫ લાખનું દાન મશીન પેટે આપ્યું જેના ચેકની અર્પણ વિધિ થઈ હતી. આ પરિવારે ૧.૧૧ લાખ રૂપિયા ગરીબ દર્દીની મદદ માટે દાન આપ્યા હતા. આ પ્રસંગે વિભાગને અગાઉ ડાયાલિસીસ મશીન આપનાર લાલજીભાઈ હિરાણી, જાદવજીભાઈ હાલાઈ (મેઘપર) દેવજીભાઈ (માધાપર - નાઇરોબી), આંખ વિભાગ માટે નાનજીભાઈ પિંડોરિયા, લક્ષ્મણભાઈ રાઘવાણી સહિતનાનું સંતોના હસ્તે સન્માન કરાયું હતું. મોભી અરજણભાઈ પિંડોરીયાએ ડાયાલિસીસ વિભાગની માહિતી આપી હતી. આ પ્રસંગે મોભી આર. આર. પટેલ, આર. એસ. હિરાણી , મોભી ધનજીભાઈ ભંડેરી(લંડન), વેલજીભાઈ પિંડોરિયા (નારણપર), રામપર જૂનાવાસ મંદિર પ્રમુખ હીરજીભાઈ, નવાવાસ પ્રમુખ રૂડાભાઈ ગોરસીયા, માંડવી સમાજ પ્રમુખ માવજીભાઈ પિંડોરિયા, મંત્રી વિશ્રામભાઈ કેરાઈ , સુખપર રોહાના કે.ડી પિંડોરિયા, વેલજી ભૂડિયા, કોર સભ્ય લક્ષ્મણભાઈ શિયાણી, વેકરા સમાજ પ્રમુખ વાલજીભાઈ વેકરીયા, દાતા ટ્રસ્ટી રવજીભાઈ ગોરસિયા ચોવીસીના દરેક ગામના કાર્યકરો અને આગેવાનો, ત્રણેય પાંખોના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.  ડાયાલિસીસ વિભાગ માટે સ્વ. વિશ્રામભાઈ મુલજી હાલાઈ સ્વ. પુરબાઈ વિશ્રામભાઈ હાલાઈના સ્મરણાર્થે મૂળજી દેવરાજ  ચેરીટેબલ ટ્રસ્ટ સુરજપર તરફથી ૭.૫૦ લાખ રૂપિયાનું અનુદાન મશીન પેટે જાહેર કરાયું હતું. ટ્રસ્ટ તરફથી ઉપાધ્યક્ષ કેસરાભાઈ પિંડોરિયા, મંત્રી મનજી પિંડોરિયાએ સંકલન કર્યું હતું. જ્યારે દાતાઓ અને આંખ વિભાગ માટે સહમંત્રી વસંત પટેલે દાતાઓને પ્રેર્યા હતા.

(9:35 AM IST)